રાજકોટમાં ભારતીય સંસ્કૃતિની વિરાસતથી પુલકિત થતા મહાનુભાવો
મોરિશિયસના PMનો રોડ શો, રાજકોટિયન્સે સ્વાગતમાં કસર ન છોડી, ફૂલોના વરસાદથી વડાપ્રધાનની કાર ઢંકાઇ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરિશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ રાજકોટના મહેમાન બન્યા છે. એરપોર્ટ પર તેઓને ગાર્ડ ઓફ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. બાદમાં યુવતીઓનો તલવાર રાસ નીહાળતા અભિભૂત થયા હતા. બાદમાં એરપોર્ટથી રેસકોર્સ રિંગ રોડ સુધીનો રોડ-શો યોજાયો હતો. જોકે વિવિધ શૈક્ષણિક સંસ્થાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આકરો તાપ હોવા છતાં ઉમટી પડ્યા હતા. તેમજ નાસિક ઢોલના નાદથી રાજકોટ ગુંજ્યું હોવાનો અનુભવ થયો હતો. શહેરમાં આજે 43 ડિગ્રી તાપમાન હોવા છતાં આકરા તાપમાં માનવ મેદની ઉમટી હતી. રાજકોટીયન્સે પ્રવિંદ જુગનાથના સ્વાગતમાં કોઈ કસર છોડી નહોતી અને ફૂલોના વરસાદથી PMની કારને ઢાકી દીધી હતી.
રાજકોટ પધારેલા મોરેશિયસના વડાપ્રધાનશ્રી પ્રવીન્દ જૂગનાથની શાનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક એકથી ચડિયાતા સાંસ્કૃતિક કાર્યક્રમો પેશ કરવામાં આવ્યા હતા. મોરેશિયસના વડાપ્રધાન પ્રવીન્દ જુગનાથ તથા શ્રીમતિ કોબિતા જૂગનાથ અને ઉપસ્થિતો સમક્ષ ગણેશ સ્તુતિ પ્રસ્તુત કરાઈ હતી. ગુજરાતની આગવી ઓળખ રજૂ કરતા અઠંગો રાસ, ગરબા તથા ભારતીય શાસ્ત્રીય વાદનની ઉત્કૃષ્ટ કૃતિઓ વડાપ્રધાનશ્રીના આગમન નિમિત્તે રજૂ કરવામાં આવી હતી. ટાન્ઝાનિયા-રવાન્ડા-નાઈજીરીયા-ઈથોપીયાના છાત્રોએ “વંદે માતરમ” ગીત રજૂ કરીને ઉપસ્થિતોને સાનંદાશ્ચર્યની અનુભૂતિ કરાવી હતી.
- Advertisement -
કલ્ચરલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ રાજકોટમાં નિવાસ કરતા મોરેશિયસના વિદ્યાર્થીઓ મોરેશિયસના વડાપ્રધાનને હૂંફાળા વાતાવરણમાં મળ્યા હતા અને વાતચીત કરી હતી. આમંત્રિતોના હસ્તે કાર્યક્રમનો દીપ પ્રાગટ્યથી શુભારંભ થયા બાદ કલેક્ટરશ્રી અરુણ મહેશ બાબુએ સ્વાગત પ્રવચન કર્યું હતું. મહાનુભાવોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાનશ્રી જૂગનાથને કલેકટરશ્રીએ સ્મૃતિચિહ્ન એનાયત કરી સન્માનિત કર્યા હતા.


