કરમુરના સસ્પેન્શન માટે કોળી સમાજ પ્રતિબદ્ધ
હીરાભાઇ સોલંકીએ રાજકોટ PIને કરમુર વિરુદ્ધ રજૂઆત કરી
જેતપુર સિટી પોલીસ પી.આઈ. જે.બી. કરમુરે કોળી સમાજના આગેવાનનું અપમાન કરી સમગ્ર કોળી સમાજને દલાલ કહ્યા બાદ પોલીસ વિભાગ અને પી.આઈ જે.બી.કરમુરની ઠેરઠેર ટિકા થઈ રહી છે. કોઈ જ્ઞાતિને આ રીતે પ્રકારે અપમાનિત કરવાની જૂજ ઘટનાઓ પૈકીની આ એક ઘટનાના ચોતરફ ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે પરંતુ હજુ સુધી કોળી સમાજને અપમાનિત કરી દલાલ કહેનાર જે.બી. કરમુર વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. આ અંગે બે દિવસ અગાઉ કોળી સમાજ દ્વારા રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર પણ સોંપવામાં આવ્યું છે અને જે.બી. કરમુરને સસ્પેન્ડ કરવાની પણ માંગણી થઈ રહી છે. કોળી સમાજની પ્રચંડ માંગણી છે કે કોળી સમાજને દલાલ કહેનાર કરમુરને સબક શીખવવામાં આવે અને તેને સન્સ્પેન્ડ કરવામાં આવે. તેથી આજરોજ સાંજે 7 વાગ્યે શ્રી માંધાતા મંદિર, મોઢવાડી જેતપુરમાં શ્રી સમસ્ત કોળી સમાજમાં દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત કોળી સમાજની આ મિટિંગમાં કોળી સમાજના લોકો દ્વારા જેતપુર સિટી પોલીસ પી.આઈ. જે.બી. કરમુર વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તે માટે આગામી રણનીતિ ઘડવામાં આવશે.
કોળી સમાજનાં આગેવાન ચંદુભાઈ મકવાણાને પી.આઈ. કરમુરે કહેલું કે અહીંયા કોઈ દલાલનું કાંઈ કામ નથી, તમે કોળી લોકો દલાલનું કામ કરો છો.
કરમુર વિરુદ્ધ રાજકોટ SPને આવેદનપત્ર અપાશે.
આજથી બે દિવસ અગાઉ કોળી સમાજને દલાલ કહેવા બદલ કોળી સમાજ દ્વારા જેતપુરના પી.આઈ. જે. બી. કરમુર વિરુદ્ધ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભૂતકાળમાં પણ જેતપુર પી.આઈ. કરમુરના વર્તન વિરુદ્ધ અનેક ફરિયાદો આવી છે અને હમણાં પણ આવી છે છતાં તેમની સામે કડક પગલાં લેવામાં આવ્યા નથી ત્યારે કોળી સમાજને દલાલ કહી પી.આઈ. કરમુરે સમગ્ર કોળી સમાજનું અપમાન કર્યું છે. આ અંગે જે.બી. કરમુર સામે હજુ સુધી કોઈ પગલાં ભરવામાં ન આવતા આજ રોજ કોળી સમાજ દ્વારા સાંજે 4 વાગે એસ.પી. કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવશે અને જો રાજકોટ એસ.પી. દ્વારા જે.બી. કરમુર વિરુદ્ધ કડક પગલાં ભરવાની ખાતરી આપવામાં આવશે નહીં તો કોળી સમાજ દ્વારા રાજકોટ એસ.પી. કચેરી જ ધરણા કરવામાં આવશે.
- Advertisement -
મેં રાજકોટ SP સાથે વાત કરી છે: હીરાભાઈ સોલંકી
જેતપુરના P.I. જે. બી. કરમુરે કોળી સમાજ વિશે કરેલી અત્યંત અભદ્ર ટિપ્પણીનાં કારણે સમગ્ર કોળી સમાજમાં રોષ વ્યાપ્યો છે. આ અંગે ‘ખાસ-ખબર’એ કોળી સમાજનાં અગ્રણી અને ભૂતપૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેમણે રાજકોટનાં એસ.પી. બલરામ મીણા સાથે આ અંગે વાતચીત કરીને કરમુર સામે પગલાં લેવા માંગણી કરી છે. તેમણે જણાવ્યું હતું કે કોળી સમાજને અન્યાય કોઈ સંજોગોમાં સાંખી લેવાશે નહીં.


