હયાતી વગરની બસોની બોગસ આરસી બૂક બનાવી કરોડોનું લોન કૌભાંડ
ઇન્ડોસ્ટાર કેપિટલ ફાયનાન્સ લિમિટેડ કંપની સાથે 7 બસની બોગસ બૂક રજૂ કરી લોન મેળવી લીધી: 1,33,69,502ની છેતરપિંડી
‘ખાસ-ખબર’ દૈનિકમાં તા. 5 જાન્યુઆરી 2022નાં રોજ પણ ભોલુગિરિનાં કૌભાંડો અંગે વિગતવાર અહેવાલ ‘ખાસ-ખબર’ દૈનિકમાં તા. 5 જાન્યુઆરી 2022નાં રોજ પણ ભોલુગિરિનાં કૌભાંડો અંગે વિગતવાર અહેવાલ પ્રકાશિત કરાયો હતો…
અટિકા નારાયણનગરમાં અને પુનિતનગરમાં રહેતાં બાવાજી બંધુએ જે બસનું અસ્તિત્વ જ નથી તેવી અશોક લેલાન્ડ કંપનીની બસોની બોગસ આરસી બૂકો ઉભી કરી રાજકોટના જીલ્લા પંચાયતમાં આવેલી ઇન્ડોસ્ટાર કેપિટલ ફાયનાન્સ લિમિટેડ કંપનીમાં આ બૂક સહિતના દસ્તાવેજો રજૂ કરી વર્ષ 2018માં અલગ અલગ 7 બસ ઉપર રૃા. 1,01,46,517ની લોન લઇ લીધા બાદ માત્ર 20 લાખ ભરપાઇ કરી બાકીના રૃા. 1,33,69,502 આજ સુધી ભરપાઇ ન કરતાં બંને સામે કંપનીના મેનેજેરે એ-ડિવીઝનમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી છે. જે પૈકી એક ભાઇને અગાઉ રાજકોટ એસઓજીએ પકડ્યો હતો. સુરત સહિતના શહેરોમાં પણ તેના વિરૃધ્ધ ગુનો નોંધાયો હતો.
આ બનાવમાં પોલીસે અમદાવાદ બાપુનગર ચાર રસ્તા ત્રણ માળીયામાં રહેતાં અને અમદાવાદની ઇન્ડોસ્ટાર કેપીટલ ફાયનાન્સ લિમીટેડ કંપનીમાં ત્રણ વર્ષથી લીગલ મેનેજર તરીકે નોકરી કરતાં ચિરાગ અશ્વિનભાઇ બારોટ (ઉ.37)ની ફરિયાદ પરથી રાજકોટ અટીકા નારાયણનગર મેઇન રોડ પર હરિઓમ, ધરતી બેંક પાસે રહેતાં ભોલુગીરી ભાણગીરી ગોસ્વામી અને મવડી રામજી મંદિર પાછળ પુનિતનગર હાઉસીંગ બોર્ડ બ્લોક નં. 37માં રહેતાં વિપુલગીરી ભાણગીરી ગોસ્વામી વિરૃધ્ધ આઇપીસી 406, 420, 465, 467, 468, 471, 120 (બી) મુજબ કાવતરૂં ઘડી જે ગાડી-બસની હયાતી જ નથી એ બસોના ખોટા દસ્તાવેજો બનાવડાવી તે ફાયનાન્સ કંપનીમાં રજૂ કરી કંપનીમાંથી કુલ રૃા. 1,01,46,517ની લોન મેળવી લઇ 20 લાખ ભરપાઇ કરી બાકીની રકમ વ્યાજ સહિત રૃા. 1,33,69,502 ન ભરી છેતરપીંડી વિશ્ર્વાસઘાત કર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મેનેજર ચિરાગ બારોટે ફરિયાદમાં જણાવ્યું છે કે અમારી ઇન્ડોસ્ટાર કેપિટલ ફાયનાન્સની ઓફિસ અમદાવાદમાં નવરંગપુરામાં છે તેમજ મુખ્ય બ્રાંચ મુંબઇમાં આવેલી છે.
- Advertisement -
અમે આરબીઆઇના ધારાધોરણ મુજબ ટ્રક, બસ સહિતના હેવી વાહન ખરીદવા હાયર પરચેઝ સ્કીમ હેઠળ ફાયનાન્સ ચાર્જ લઇને લોન આપીએ છીએ. લોન મેળવવા માટે જરૃરી દસ્તાવેજો જેમ કે આવકના પુરાવા, ધંધાના પુરાવા, એડ્રેસ પ્રૂફ, આઇડી પ્રૂફ સહિતના કંપની દ્વારા માંગવામાં આવે છે. આ ડોકયુમેન્ટ વેરીફાઇ થયા પછી લોન મંજુર કરવામાં આવે છે. તા. 31-3-2019ના રોજ રાજકોટ યશ બેંક ઉપર જીલ્લા પંચાયતની સામે ચોથા માળે આવેલી અમારી ઇન્ડોસ્ટાર કેપિટલ ફાનાન્સ કંપનીમાં રાજકોટના ભોલુગીરી ભાણગીરી ગોસ્વામી (રહે. નારાયણનગર)એ ત્રણ અલગ અલગ બસ જેના નંબરો જીજે03બીવી-5707, જીજે03બીવી-5963 અને જીજે03બીવી-5823 ઉપર રૃા. 43,44,213ની લોન લીધી હતી. એ પછી તા. 19/6/18ના રોજ બીજી બે બસ જીજે03બીવી-6652, જીજે03બીવી-6755 ઉપર રૃા. 29,01,152ની લોન લીધી હતી. તેમજ 19/6/18ના રોજ જીજે03બીવી-7588 અને જીજે03બીવી-7980 નંબરની બસ પર રૃા. 29,01,152ની લોન લીધી હતી. આ સાતેય ગાડીઓના લોનના હપ્તાની અલગ અલગ રકમ નક્કી કરવામાં આવી હતી. ભોલુગીરીએ અમારી કંપનીનો સંપર્ક દૂષ્યંત નામની વ્યકિત મારફત કર્યો હતો અને કંપનીના રિલેશનશીપ મેનેજર ધવલ તેરૈયાને મળી લોન બાબતે પ્રોસીઝર કરી ડોકયુમેન્ટ સબમીટ કરાવ્યા હતાં. પાનકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, ચૂંટણી કાર્ડ સહિતના દસ્તાવેજો આપ્યા હતાં.
જામીન તરીકે વિપુલગીરી ભાણગીરી ગોસ્વામી (બ્લોક નં. 37, પુનિતગનર પાસે હાઉસીંગ કવાર્ટર)ને રાખેલ હતો. તેણે ખોડિયાર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું પાન કાર્ડ, જય ખોડિયાર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું જીએસટી સર્ટિફીકેટ તથા ભોલુગીરીનું બેંક સ્ટેટમેન્ટ સહિતના દસ્તાવેજો, પાસપોર્ટ સાઇઝના ફોટા રજૂ કર્યા હતાં. કંપનીના નિયમ મૂજબ જે બસ-ગાડીઓ પર લોન લેવાની હતી તેની આરસી બૂકની નકલો રજૂ કરાઇ હતી. આ ગાડીઓના નંબરો અરૃણાચલ પ્રદેશના એઆરઆઇકે-3395 સહિતના હતાં. કંપનીએ ભોલુગીરીને જાણ કરી હતી કે ગાડીઓ ગુજરાત ટ્રાન્સફર કરી આર.સી. બૂક અને ઇન્સ્યોરન્સ કંપનીમાં અમારી કંપનીનું હાઇપોથીકેશન કરાવીને આપવું પડશે. આ માટે તે સહમત થયેલ. એ પછી ભોલુગીરીએ એ પછી ગુજરાત ટ્રાન્સફર કરાવેલી ગાડીઓની આરસી બૂકો રજૂ કરતાં તેની વેલ્યુએશન કંપનીએ કાઢી હતી અને તેને નિયમો અનુસાર કુલ રૃા. 1,01,46,517ની લોન આપવામાં આવી હતી. એ-ડિવીઝન પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝની રાહબરીમાં પીએસઆઇ ટી. ડી. ચુડાસમાએ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આરોપી વિરૃધ્ધ અગાઉ સુરતમાં પણ આવા ગુના નોંધાયા હતાં. દોઢેક વર્ષ પહેલા શહેર એસઓજી પીઆઇ આર. વાય. રાવલે આ કોૈભાંડમાં કાર્યવાહી કરી હતી. ત્યારે અરૃણાચલ પ્રદેશ સુધી પગેરૃ નીકળ્યું હતું. હવે રાજકોટમાં ભોલુગીરી અને તેના ભાઇ સામે એક કરોડથી વધુની ઠગાઇનો ગુનો નોંધાયો છે.
આ પણ વાંચો: P.I. કરમુરના અપલખ્ખણ બાબતેનું મૌન ભાજપને ચૂંટણીમાં ભારે પડી શકે!


