રાજકોટનાં રાબડીદેવી, રાજકોટનાં લાલુયાદવ!
પત્નીના હોદ્દા પર બેસી વહિવટ સંભાળતા પતિઓ સામે આકરી કાર્યવાહી જરૂરી
તાલુકા પંચાયતની કચેરીનાં કાર્યાલયમાં મહિલા પ્રમુખ ભાવનાબેન કાકડિયાની ખુરશી પર બેસીને તેમના પતિ પ્રકાશભાઈ કાકડિયા વહિવટ કરી રહ્યા છે!
રાજકોટ સહિતની તાલુકા પંચાયતોમાં મહિલાઓના પતિ પોતાની પત્નીના નામે વહિવટ કરી રહ્યા છે. કોઈપણ નિર્ણય કે અમલ હોદ્દા વિહોણો પતિ લે છે જ્યારે એ નિર્ણય કે અમલના કાગળ પર માત્ર સહી જ પ્રમુખ પત્ની કરે છે. ફક્ત રાજકોટ જ નહીં રાજ્યભરની તાલુકા પંચાયતમાં આ જ સ્થિતિ છે છતાં તાલુકા પંચાયત વિભાગના પ્રધાનથી રાજ્યના પ્રધાન સેવક કંઈ કરવા તૈયાર નથી. આ ફરિયાદો છેલ્લાં ઘણા વર્ષથી થઈ રહી છે તેમ છતાં કાયદો સુધારાતો નથી કે આવા પતિદેવ સામે કોઈ ફરિયાદ થતી નથી.
હાલમાં જ રાજકોટ તાલુકા પંચાયત કચેરીનો એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ તાલુકા પંચાયતમાં મહિલા પ્રમુખ કાકડિયા ભાવનાબેન પ્રકાશભાઈ છે. તાલુકા પંચાયતના આ મહિલા પ્રમુખ કાકડિયા ભાવનાબેન તો કોઈ દિવસ કચેરીમાં હાજર હોતા નથી અધૂરામાં પૂરું તેમના પતિ કાકડિયા પ્રકાશભાઈ તાલુકા પંચાયતની કચેરીમાં પ્રમુખની ખુરશી પર બેસી સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. ખાસ-ખબરે કરેલા એક સ્ટિંગ ઓપરેશનમાં રાજકોટ તાલુકા પંચાયતની કચેરીનાં કાર્યાલયમાં મહિલા પ્રમુખ કાકડિયા ભાવનાબેનની ખુરશી પર બેસીને મહિલા પ્રમુખનાં પતિ કાકડિયા પ્રકાશભાઈ વહિવટ કરતા હોવાનું માલૂમ પડ્યું છે. તાલુકા પંચાયતમાં પત્નીનાં હોદ્દા પર બેસી વહિવટ સંભાળતા પતિ સામે આકરી કાર્યવાહી કરવી જરુરી છે.