હવે 60 કિમીના અંતરે માત્ર એક જ ટોલનાકુ રહેશે, ત્રણ મહિનામાં જ અમલવારી થશે: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની જાહેરાત
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
સૌરાષ્ટ્ર ઉપરાંત દેશભરમાં અનેક હાઇવે એવા છે કે જ્યાં માત્ર થોડા અંતરે જ ટોલનાકા વાહનચાલકોના ખિસ્સા હળવા કરે છે. આ અંગે કેન્દ્રિય પરિવહન અને માર્ગ મંત્રી નીતિન ગડકરીએ મહત્વની જાહેરાત કરી છે. તેઓએ એવું કહ્યું છે કે હવે ત્રણ મહિનામાં 60 કિમીના અંતરે માત્ર એક જ ટોલબુથ રહેશે. સરકારે જાહેર કરેલા નવા નિયમને પગલે સૌરાષ્ટ્રમાં અમુક ટોલનાકા બંધ થશે તો અમુકનું સ્થળાંતર કરવામાં આવશે.
રાજકોટ – જામનગર હાઇવે ઉપર પડધરી ટોલ પ્લાઝા અને સોયલ ટોલ પ્લાઝા વચ્ચે 60 કિમીથી ઓછું અંતર છે. આવી જ રીતે રાજકોટ- જૂનાગઢ વચ્ચે પણ પીઠડીયા ટોલ પ્લાઝા અને ભરૂડી ટોલ પ્લાઝા વચ્ચે પણ 60 કિમીનું અંતર છે. આમ ટોલ પ્લાઝાના માળખામાં ફેરફાર થવાના એંધાણ મળી રહ્યા છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં કહ્યું કે ડિસેમ્બર 2024 સુધીમાં ભારતના રસ્તા અમેરિકાના બની જશે. તેમણે કહ્યું કે ભારતને સમૃદ્ધ બનાવવા માટે હું સુનિશ્ચિત કરું છું કે ડિસેમ્બર 2024 પહેલા ભારતનું રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અમેરિકા જેવું હશે. કેન્દ્રીય વાહનવ્યવહાર મંત્રીએ વધુમાં કહ્યું કે અમેરિકાના રસ્તા સારા નથી કારણ કે અમેરિકા સમૃદ્ધ છે પરંતુ અમેરિકા સમૃદ્ધ છે કારણ કે અમેરિકન રસ્તા સારા છે.
- Advertisement -
રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા ગડકરીએ કહ્યું કે સરકાર અન્ય ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે, જે બે કલાકમાં દિલ્હીથી જયપુર, હરિદ્વાર અને દેહરાદૂન પહોંચશે. ગડકરીએ કહ્યું કે આ સિવાય દિલ્હીથી અમૃતસર 4 કલાકમાં, ચેન્નાઈથી બેંગ્લોર બે કલાકમાં અને દિલ્હીથી મુંબઈ 12 કલાકમાં પહોંચવાના લક્ષ્યાંક સાથેના પ્રોજેક્ટ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની આશા છે.
2024 સુધીમાં ભારતનું રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર US સમકક્ષ થઈ જશે
આપણા રસ્તાઓ દેશની સમૃદ્ધિ સાથે સંકળાયેલા છે અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ દેશની સમૃદ્ધિનો માર્ગ મોકળો કરશે. ગડકરીએ કહ્યું કે આત્મનિર્ભર, સુખી, સમૃદ્ધ અને સમૃદ્ધ ભારત બનાવવાનો મોદી સરકારનો સંકલ્પ છે અને અમે તેને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
સ્થાનિકોને આધારકાર્ડ ઉપર ટોલ પ્લાઝાના પાસ બનાવી દેવામાં આવશે
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે સ્થાનિકોને આધારકાર્ડ ઉપર ટોલ પલઝાના પાસ બનાવી દેવામાં આવશે. સાંસદોએ આ અંગે સૂચનો આપ્યા હતા. જેને પગલે સ્થાનિક ટોલ પ્લાઝા વિસ્તારમાં રહેતા લોકોને ટોલ પાસ કરવા માટે આધાર કાર્ડના આધારે પાસ બનાવવામાં આવશે.


