બે દિવસથી સુપોષિત યોજનાની ડેટા એન્ટ્રીમાં એરર: ઉપલા અધિકારીઓનું સતત દબાણ
તહેવારમાં સતત દબાણથી આંગણવાડીની બહેનો પરેશાન: રાત દિવસ એન્ટ્રી કરે છતા કામ થતું નથી
ગુજરાત સરકારનાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સુપોષિત માતા અને સ્વસ્થ બાળ યોજના અમલમાં મુકવામાં આવી છે. આયોજનામાં સર્ગભા બહેનો, ધાત્રી બહેનો અને છ માસથી બે વર્ષનાં બાળકોને ચણા, તુવેર અને તેલ આપવામાં આવશે. હાલ આંગણવાડીનાં માધ્યમથી યાદી તૈયાર કરવામાં આવી રહી છે. પરંતુ સતત એરરથી કામગીરી આગળ વધી રહી નથી. સરકારની સાઇટ કે એપ ઉપર કામ ન થતા આંગણવાડીનાં બહેનો પરેશાન થઇ ગયા છે. બીજી તરફ ઉપલા અધિકારી દ્વારા સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. આંગણવાડીનાં બહેનો રાત દિવસ ડેટા એન્ટ્રીમાં વ્યસત રહે છે. છતા પણ કામગીરી આગળ વધતી નથી. ઉપલા અધિકારીઓ કોઇ કાળે વાત માનવા તૈયાર થતા નથી. છેલ્લા બે દિવસથી કામગીરી ધીમી ચાલતી હોય બહેનો હેરાન થઇ રહ્યાં છે. હોળી જેવો તહેવાર પણ સારી રીતે કરી શકતા નથી.આંગણવાડીનાં બહેનોનું કહેવાનું હતું કે, અમે કામ કરવા તૈયાર છીએ. પરંતુ એપમાં કામ થતુ નથી. તેમજ સાઇટ પણ ચાલતી નથી.
જિલ્લામાં 0 થી 6 વર્ષ 71231 બાળકોના વજન-ઊંચાઈ મપાશે
જૂનાગઢ જિલ્લા પંચાયત હસ્તકની કુલ-1249 આંગણવાડીમા નોંધાયેલ તેમજ ના નોંધાયેલ 0 થી 6 વર્ષની વયજુથના અંદાજીત 71231 જેટલા બાળકોના વજન ઉંચાઈ કરવામા આવનાર છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્રવારા આગામી તા.21/03/2022 થી તા.27/03/2022 દરમિયાન આંગણવાડી કેન્દ્રો ખાતે 0 થી 6 વર્ષની વયજુથના બાળકોના વજન ઉંચાઈ માપવાના થતા હોય. જે અંતર્ગત સ્વસ્થ બાળક બાલિકા સ્પર્ધાનુ આયોજન કરવામા આવનાર છે.આ કાર્યક્રમમા તા.21/03/2022 થી તા.27/03/2022 દરમિયાન પ્રમુખ જિલ્લા પંચાયત, ધારાસભ્ય, ઉપપ્રમુખ જિલ્લા પંચાયત જૂનાગઢ તેમજ અન્ય તમામ પદાધિકારીઓ પોતાના નજીકના વિસ્તારના આંગણવાડી કેન્દ્રો ખાતે હાજર રહેનાર હોય તેમજ વડાપ્રધાનના સહી પોષણ દેશ રોશનના વિચારને ચરીતાર્થ કરવા માટે બાળકોમા આરોગ્ય અને પોષણની સ્થિતી સુધારવા સમુદાયની સહભાગિતા સાથે આ સ્પર્ધાનુ આયોજન થનાર છે.
- Advertisement -
આ યોજનામાં શું આપવામાં આવશે?
સુપોષિત માતા અને સ્વસ્થ બાળ યોજનામાં બે કિલો ચણા, એક કિલો તુવેર અને એક કિલો તેલ આપવામાં આવશે. જે સર્ગભા બહેનો, ધાત્રી બહેનો અને છ માસથી બે વર્ષ સુધીનાં બાળકોને આપવામાં આવશે.
પડતર પ્રશ્ર્નો ઉકેલાતા નથી
આંગણવાડીનાં બહેનોએ રોષ ઠાલવ્યો હતો કે, અમારી વર્ષો જુની માંગણીઓ પુરી કરવામાં આવતી નથી. સામાન્ય વેતનમાં કામ કરી રહ્યાં છીએ. આજ સુધી અમારા પડતર પ્રશ્ર્નો ઉકેલવામાં આવ્યાં નથી.
સતત બેઠકો શરૂ રહે છે
આંગણવાડીનાં કામમાંથી સમય મળે તો બેઠકો શરૂ રહે છે. સતત બેઠકમાં હાજર રહેવું પડે છે. બેઠકમાં મોડા પહોંચીએ તો ખખડાવવામાં આવે છે. ઘરનાં કામ થતા નથી.
- Advertisement -
ડેટા એન્ટ્રી પછી નોન NFSAની જાણ થાય
આંગણવાડીનાં બહેનોને કહેવામાં આવ્યું નથી કે નોન NFSA ધારકોની એન્ટ્રી કરવાની નથી. પહેલા એન્ટ્રી થયા બાદ મેસેજ મળે છે કે આ નોન NFSA ધારક છે. સંકલનનાં આભાવે બહેનોને પરેશાની વેઠવી પડે છે. જો પહેલેથી જ જાણ હોય તો આવા ધારકોની એન્ટ્રી જ ન કરે.
NFSA ધારકોને જ ચણા, તુવેર મળશે
આ યોજનામાં NFSA ધારકોને જ ચણા, તુવેર અને તેલ આપવામાં આવશે. નોન NFSAને આ યોજનાનો લાભ નહી મળે. જેના કારણે અનેક લોકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.
જૂનાગઢમાં 179 આંગણવાડી કેન્દ્ર
જૂનાગઢ શહેરમાં 179 આગણવાડી કેન્દ્ર આવેલા છે. તેમાથી 40 જેટલા કેન્દ્રમાં કામગીરી થઇ નથી. સતત એરરનાં કારણે કામગીરી અટકી પડી છે. યોગ્ય રસ્તો કરવા માંગ ઉઠી છે.


