શ્રી યુનિક વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટના 4 દિવ્યાંગોએ મેળવ્યા 9 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ
દિવ્યાંગો માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરતી સંસ્થા શ્રી યુનિક વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ છલ્લાં 15 વર્ષોથી દિવ્યાંગોમાં રહેલી પ્રતિભાને ઓળખીને તેમને તાલીમ અને અવસર આપી આગળ વધવામાં મદદરૂપ થાય છે. સંસ્થા રાજકોટ અને મોરબી બંને જિલ્લાના ખેલ મહાકુંભમાં સંયોજક અને જિલ્લાની પેરાલિમ્પિક કમિટી તરીકે સેવા આપે છે.ઉપરોક્ત પ્રવૃત્તિને અનુલક્ષી પેરાલિમ્પિક રાજ્ય કક્ષાની તરણ સ્પર્ધામાં તા. 27-2-2022 રવિવારના રોજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, ગાંધીનગર ખાતે સંસ્થાના 4 દિવ્યાંગો સિલેકટ થઈને ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં રાજકોટના દિવ્યાંગ તરવરીયા તરવૈયાઓએ 10 મેડલ મેળવેલ છે. દિવ્યાંગ પુરૂષોમાં જીગર ઠક્કર ક્લાસ-1થી 5માં 50 મીટર ફ્રી સ્ટાઈલ ઈવેન્ટ અને 100 મીટર ફ્રી સ્ટાઈલ ઈવેન્ટ બંનેમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. આ ઉપરાંત જીગર ઠક્કરે 50 મીટર બટરફ્લાય ઈવેન્ટમાં પણ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. જીગર ઠક્કરે અગાઉ નેશનલમાં મેડલ મેળવેલ છે.

- Advertisement -
દિવ્યાંગ સ્વીમર પ્રશાંત પરમારે પહેલી વખત ભાગ લીધો હોવા છતાં 50મી બેકસ્ટ્રોક ઈવેન્ટમાં દ્વિતિય પદક મેળવીને પોતાની પ્રતિભા દર્શાવી છે.દિવ્યાંગ મહિલાઓમાં ઈન્દ્રેશ પલાણે ક્લાસ 9માં 50 મીટર ફ્રી સ્ટાઈલ ઈવેન્ટ અને 100 મીટર ફ્રી સ્ટાઈલ ઈવેન્ટમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, તદુપરાંત ઈન્દ્રેશ પલાણે 50 મીટર બેકસ્ટ્રોક ઈવેન્ટમાં પણ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. તેમણે નેશનલ લેવલે પણ મેડલો જીતેલ છે. પ્રથમ વખત ભાગ લેતા હોવા છતાં નીતિ રાઠોડે કલાસ 14માં 50 મીટર બેકસ્ટ્રોક ઈવેન્ટ અને 50 મીટર બટર ફ્લાય ઈવેન્ટમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે,આ તકે સંસ્થાના પ્રમુખ શૈલેષભાઈ પંડ્યાએ વિજેતા દિવ્યાંગોને અભિનંદન પાઠવ્યા હતા અને આશા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સ્વીમીંગમાં રાજકોટના દિવ્યાંગોએ નેશનલ જ નહીં ઈન્ટરનેશનલ સુધી ગુજરાત અને ભારતનું ગૌરવ વધારશે.


