ઓઝોન ગ્રુપે 30 થી 33 કરોડની મિલકતનાં દસ્તાવેજ ન કરી આપતાં ભર્યું અંતિમ પગલું
મહેન્દ્ર ફળદુએ રાજકોટનાં નક્ષત્ર-3 કોમ્પ્લેક્સમાં પોતાની જ ઓફિસમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
વર્ષ 2007માં ‘ધ તસ્કની બીચ સિટી’ નામના પ્રોજક્ટમાં પરિવારના નામે જમીન બૂક કરાવીને અમદાવાદની ઓઝોન ગ્રુપ કંપનીને નાણાં ચૂકવ્યા હતાં
IPS અને IASના નામે મહેન્દ્ર ફળદુને ધાક-ધમકીઓ અપાતી હતી
પ્રેસને સ્યુસાઈડ નોટ મોકલી ન્યાય અપાવવાની કરી વિનંતી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના જાણીતા એડ્વોકેટ, બિલ્ડર, યુવી કલબના ચેરમેન અને પાટીદાર આગેવાન મહેન્દ્ર ફળદુએ આજ રોજ પોતાની ઓફિસમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર મચી ગઈ છે. મહેન્દ્ર ફળદુએ પોતાની સ્યુસાઈડ નોટમાં રાજકોટ શહેરનાં બિલ્ડર એમ.એમ. પટેલ (સુરજા), અમિત ચૌહાણ, અતુલ મહેતા તેમજ અમદાવાદનાં ઓઝોન ગ્રુપનાં જયેશ કાન્તિલાલ પટેલ, દિપક મણીલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ, પ્રણય કાન્તિલાલ પટેલ સામે આત્મહત્યાનું પગલું ભરવા માટે મજબૂર કર્યાના આક્ષેપો કર્યા છે.
- Advertisement -
મહેન્દ્ર ફળદુની સ્યુસાઈડ નોટમાં જાણવા મળ્યું છે કે, અમદાવાદના ઓઝોન ગ્રુપના જયેશકુમાર કાન્તિલાલ પટેલ, દિપક મણીલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ, પ્રણયકુમાર કાન્તિલાલ પટેલ સાથે મળીને અમદાવાદ જિલ્લાનાં બાવળા તાલુકાનાં ગામ બલદાણાંમાં આશરે પાંચેક લાખ વાર જગ્યામાં ધ તસ્કની બીચ સીટી નામનો પ્રોજેક્ટ બનાવી રહ્યા છે. આ પ્રોજેક્ટમાં મહેન્દ્ર ફળદુએ વર્ષ 2007માં પોતાના સગા વ્હાલાંના નામે આશરે 48000 ચોરસ વાર જમીન બુક કરાવી હતી. તેમજ મહેન્દ્ર ફળદુના નાના ભાઈ રમેશ ફળદુ, શૈલેષ ફળદુ અને કાકા વિનયકાંત ફળદુએ આશરે 1 લાખ વાર જમીન બુક કરાવી હતી. આ જમીનનું પેમેન્ટ પણ ત્યારે જ કરી આપ્યું હતું. જેની કિંમત આશરે ત્રણ કરોડથી પણ વધુ થાય છે. આ બાબતે કંપનીના ભાગીદારો સાથે ઘણાં સમયથી વિવાદો ચાલતાં હતા. કંપની વતી બુકિંગમાં મધ્યસ્થી તરીકે મહેન્દ્ર ફળદુ હતા તેથી કંપની રોકાણકારોને યોગ્ય રકમ ચુકવી હિસાબ પૂર્ણ કરે તેવા સતત પ્રયત્નો કરતાં હતા. પરંતુ સમાધાનને બદલે કંપનીના ડાયરેકટરો અવાર નવાર ધમકીઓ આપતાં હતા.

નામાંકિત ધારાશાસ્ત્રી અને બિલ્ડર મહેન્દ્ર ફળદુએ શહેરનાં નક્ષત્ર-3 કોમ્પ્લેક્સમાં કલ્પતરૂ પ્રોપર્ટીઝ નામની પોતાની ઓફિસમાં જ આજે ગળાફાંસો ખાઈ લીધો હતો. મહેન્દ્ર ફળદુની આત્મહત્યાનાં સમાચાર વાયુવેગે રાજકોટમાં પ્રસરી ગયા હતા અને રાજકોટ શહેર ભાજપનાં પ્રમુખ કમલેશ મીરાણી, પુષ્કર પટેલ સહિતનાં અગ્રણીઓ ઘટના સ્થળે અને મહેન્દ્ર ફળદુનાં નિવાસસ્થાને પહોંચી ગયા હતા.
આ ઉપરાંત માનસિક ત્રાસ આપીને એમ.એમ.પટેલ અને અતુલ મહેતાએ ખોટા કારણો ઊભા કરીને પોલીસ ફરિયાદ પણ કરવાનું પણ જાણવા મળ્યું છે. આઈ.એસ., આઈ.પી.એસ., અને મંત્રીઓ અમારા જ માણસો છે, અમારી સાથે જ બેસે ઉઠે છે તેવી ધાક-ધમકીઓ આપીને તેમને ડરાવતાં હતા અને જમીન મફતમાં પડાવી લેવાના ઈરાદાથી દસ્તાવેજ કરી આપ્યા નહોતા. કંપનીના ડાયરેકટરોને કારણે મહેન્દ્ર ફળદુની આર્થિક સ્થિતિ પડી ભાંગી હતી. કંપની વતી તેમણે નાણાં ચુકવ્યા હોવા છતાં તેમને રકમની ચૂકવણી પણ નહોતી કરી અને જવાબ પણ આપતાં નહોતા. ડાયરેકટરોના આવા વ્યવહારને કારણે બુકીંગ કરનારાઓ પૈકીના ત્રણ – ચાર લોકો અવસાન પામ્યા છે.
- Advertisement -
કંપની ડાયરેક્ટરોના ગેરકાયદેસરના કૃત્યોને કારણે મહેન્દ્ર ફળદુને ઓફિસ અને સામજિક પ્રસંગોમાં જવા નાનપ અનુભવવા લાગ્યા હતા. મહેન્દ્ર ફળદુએ સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, મારું જીવવું હવે મુશ્કેલ બની ગયું છે. તેમની તબિયત પણ બગડી ગઈ હતી. અંતે આર્થિક, શારીરિક, માનસિક સ્થિતિથી કંટાળીને કંપનીના ડાયરેકટરોને જવાબદાર ઠેરવી આત્મહત્યાનું પગલું ભર્યું. મહેન્દ્ર ફળદુની આત્મહત્યાને કારણે તેમના પરિવારજનો અને મિત્રોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
1994ની સાલથી વકીલાતની શરૂઆત…
મહેન્દ્ર ફળદુએ 1994થી વકીલાતની શરૂઆત કરી હતી. તેમના કાકા ડી.ડી. ફળદુ અને જયંતીભાઈ સાથે બોર્ડ ઓફ નોમીની કોર્ટમાં પ્રેક્ટીસ પણ કરી છે. મહેન્દ્ર ફળદુએ સહકારી મંડળી, સરકારી બેંકોના કેસ લડતા હતા.રાજકોટની જાજરમાન યુવી કલબ હેઠળ નવરાત્રીનું આયોજન પણ કરેલ છે. તેમણે એલીગન્સ બંગલાનો પ્રોજેક્ટ ઈશ્વરીયામાં કર્યો હતો. આ ઉપરાંત રાજકોટ બેસીને અમદાવાદના સાણંદમાં વિકેન્ડવીલા પ્રોજેક્ટના 3000 થી 7000 વારના પ્લોટનું સેલીંગ કર્યું છે. તેમને સંતાનમાં એક પુત્ર પ્રિયાંક ફળદુ છે. પુત્ર પણ તેમના પિતાના વ્યવસાયમાં જોડાયેલો છે.


