સખ્તાઈ, શિસ્તપ્રિય સ્વભાવ અને માનવીય અભિગમ માટે જાણીતા : ગુજરાતનાં જૂજ નોન-કરપ્ટ અધિકારીઓમાંથી એક ગણાય છે હસમુખ પટેલ.
સુભાષ ત્રિવેદી, શમશેરસિંહ અને હસમુખ પટેલમાંથી કોઈ એકને રાજકોટ મૂકવા જરૂરી.
- Advertisement -
હસમુખ પટેલે ઓસ્માન યુનિવર્સિટી હૈદ્રાબાદમાં તેમણે પોલીસ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી
રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુઘડ રીતે જળવાઈ રહે તેવા હેતુસર શહેરમાં નવા પોલીસ કમિશનર તરીકે એક નિડર અને નિ:સ્વાર્થ પોલીસ અધિકારીની નિમણૂંક થાય તે જરૂરી છે. ખાસ-ખબર છેલ્લા કેટલાંક દિવસોથી રાજકોટને પ્રામાણિક અને નિષ્ઠાવાન પોલીસ કમિશનર મળે તે માટે ઝુંબેશ ચલાવી રહ્યું છે, આ ઝુંબેશમાં ગુજરાતના બાહોશ અને બિનભ્રષ્ટાચારી આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદી તથા શમશેરસિંહ વિશેના વિશેષ અહેવાલો બાદ હવે ખાસ-ખબર આજે આઈપીએસ અધિકારી હસમુખ પટેલ પર વિશેલ અહેવાલ પ્રસિદ્ધ કરી રહ્યું છે. ગુજરાત સરકારે રાજકોટમાં નવા પોલીસ કમિશનર તરીકે સુભાષ ત્રિવેદી, શમશેરસિંહ ઉપરાંત હસમુખ પટેલનાં નામની પણ વિચારણા કરવી જોઈએ. આઈપીએસ અધિકારી હસમુખ પટેલ પોલીસ બેડામાં સિંઘમનાં નામથી જાણીતા છે તેમજ એક કડક અને નિષ્પક્ષ પોલીસ અધિકારીની ઓળખ ધરાવે છે. જો સુભાષ ત્રિવેદી કે શમશેરસિંહ નહીં તો હસમુખ પટેલની રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે નિમણૂંક થવી જોઈએ.
નશાબંધી ખાતામાં SP તરીકે હસમુખ પટેલે દારૂને દુર્લભ કરવા કમર કસી હતી
- Advertisement -
કમિશનકાંડને લઈને રાજકોટની ઝાંખી પડેલી શાન પાછી લાવવા માટે દમદાર CPની નિમણૂંક કરવી જરૂરી બન્યું છે. હાલ ગુજરાત પોલીસ હાઉસીંગ કોર્પો., ગાંધીનગરમાં મેનેજીંગ ડાયરેક્ટર તરીકે કાર્યરત IPS હસમુખ પટેલની અગાઉની કામગીરી કાબિલેદાદ રહી છે. રાજકોટમાં હસમુખ પટેલે પ્રોબેશનલ ASP તરીકે કામ કર્યું છે. રાજકોટથી પોરબંદરમાં તેમની બદલી થતાં ત્યાંપણ નોંધપાત્ર કામગીરી કરી હતી. આ ઉપરાંત ભાવનગરમાં SP તરીકે અને સુરતમાં રેન્જ IG તરીકે કામગીરી કરી છે. હસમુખ પટેલ SP તરીકે સ્ટેટ પ્રોહીબીશન ખાતામાં કામ કર્યું છે. નશાબંધી ખાતામાં રહીને દારૂને દૂર્લભ કરવા માટે હસમુખ પટેલે ભારે કમર કસી હતી અને સફળ રહ્યા હતા.
આજીવન શિક્ષક IPS હસમુખ પટેલ
હસમુખ પટેલ આ સાત અક્ષરનું નામ સાંભળતાની સાથે જ પોલીસ તેમજ ગુનેગારોના પગ તળેથી ધરતી સરકી જાય. આમમાનસ પટ પર આ અધિકારીની ‘કડક’ છાપ તો છે જ પરંતુ આજે આપણે તેમના એક બીજા પાસાની વાત કરવી છે. બહુ ઓછા લોકોને એ ખ્યાલ હશે કે હસમુખભાઈ આજીવન વિદ્યાર્થી છે. મૂળ ઊંઝા તાલુકાના કરલી ગામના વતની હસમુખ પટેલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ આઇપીએસની પરીક્ષા પાસ કરી અધિકારી તરીકે ફરજ બજાવવા લાગ્યા હતા. આ ફરજકાળ દરમિયાન તેમણે અભ્યાસ કરવાનું ચાલુ જ રાખ્યું હતું. તેમણે ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાંથી એમબીએની પદવી મેળવી છે. આ ઉપરાંત ઓસ્માન યુનિવર્સિટી હૈદ્રાબાદમાં તેમણે પોલીસ મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી છે. તો ચાઇલ્ડ, ડિઝાસ્ટર અને હ્યુમન રાઇટ્સના સર્ટિફિકેટ કોર્સ પણ તેમણે ઇન્દિરા ગાંધી યુનિવર્સિટીમાંથી કર્યા છે. આટલું જ નહીં, તેમણે ભાવનગર શહેરના ટ્રાફિકને ધ્યાને લઈ ભાવનગર યુનિવર્સિટીના પ્રો. ડો. જે.પી. મજમુદારના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી.નો અભ્યાસ પણ કર્યો છે. આ ઉપરાંત બાળકોને હિંસા તરફ જતા અટકાવી એ રીતે આતંકવાદને નાબૂદ કરવાનું અભિયાન પણ તેઓ ચલાવી
રહ્યા છે.
બાળકોનો સારો ઉછેર કરવા માટે હસમુખ પટેલનાં પ્રયત્નો
ખાખી અને ખાદીનો અનોખો સમન્વય જોવો હોય તો તમારે એક વખત શિક્ષક, કવિ, આઈ.પી.એસ. એવા હસમુખ પટેલને મળવું પડે, જે કોઈ પણ જાતની પ્રસિદ્ધિ વિના 2014 થી વિશ્વશાંતિ માટે પ્રયત્નો કરી રહ્યા છે. હસમુખ પટેલ ન માત્ર આવનાર ભારતની પેઢીને ઘડવાનો પ્રયત્ન કરી રહ્યા છે બલ્કે આવનાર ભારતના ભવિષ્યનું ઘડતર કરી રહ્યા છે અને હસમુખ પટેલની છેલ્લા 8 વર્ષોની અથાગ મહેનત હવે રંગ લાવી છે, બાળકોને કઈ રીતે ઉછેરવા, એમના પ્રશ્નો, માતા પિતા તરીકે કઈ રીતે વર્તવું, લગ્ન પહેલા, લગ્ન પછીની સમસ્યાઓ, આવા અનેક પ્રશ્ર્નોનાં જવાબ હવે ગુજરાત વિદ્યાપીઠમાં પેરેનિ્ંટગ ફોર પીસ કોર્ષનો અભ્યાસ કરીને મળશે. હસમુખ પટેલની એક પોલીસ અધિકારી તરીકેની કોઈ આવી જવાબદારી ન હોવા છતાં તે સમાજને કંઈક શ્રેષ્ઠ આપવાના ભાગ રૂપે કરી રહ્યા છે. હસમુખ પટેલ પેરેન્ટિંગ ફોર પીસ નામનો એક કાર્યક્રમ ચાલવી રહ્યા છે. જે અંતર્ગત જીવનના વિવિધ પાસાઓ જેવા કે લગ્ન, જીવનસાથીની પસંદગી, બાળક જન્મ, બાળ ઉછેર, જેવા અનેક ન ચર્ચાતા મુદ્દાઓ યુવાનો સાથે ચર્ચા કરે છે, એમને સમજ આપે છે અને ભવિષ્યના ભારતના નાગરિકો તૈયાર કરે છે.


