ડેપ્યુટી કમિશનર એસ.જે.ધડુકે ઇન્ટરવ્યૂ લીધા વિના 19 પેનલ એડવોકેટ નીમી દીધાઃ યોગ્યતા કે રાજકીય ઓળખ?, તંત્રની કામગીરી શંકાના ઘેરામાં
રાજકોટ મહાનગરપાલિકામાં ‘કાજુકતરી કાંડ’નો વિવાદ હજુ માંડ શમ્યો છે, ત્યાં તંત્રનો વધુ એક વહીવટી નિર્ણય વિવાદના વમળમાં ફસાયો છે. મનપાના ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર સમીર ધડુકે કોઈ પણ પ્રકારના ઇન્ટરવ્યૂ લીધા વિના અને પ્રસ્થાપિત નિયમોનું પાલન કર્યા વગર જ 19 પેનલ એડવોકેટ્સની સીધી નિમણૂક કરી દેતા ભારે ચકચાર મચી ગઈ છે.ગત જુલાઈ મહિનામાં મનપા દ્વારા પેનલ એડવોકેટની નિમણૂક માટે જાહેર નિવિદા બહાર પાડવામાં આવી હતી, જેમાં 31 જુલાઈ સુધીમાં 50થી વધુ વકીલોએ અરજી કરી હતી. જોકે, ચાર મહિનાના લાંબા સમયગાળા બાદ ગુરુવારે કોઈ પણ અરજદારનો ઇન્ટરવ્યૂ લીધા વિના જ 19 પેનલ વકીલોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. આ યાદીમાં પસંદ કરાયેલા મોટાભાગના વકીલો અથવા તેમના પરિવારજનો શાસક પક્ષ ભાજપના કાર્યકર કે નેતા હોવાનું સામે આવતા પસંદગી પ્રક્રિયાની પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. તદુપરાંત, જાહેર નિવિદામાં 10 વર્ષનો અનુભવ ધરાવતા વકીલોને પ્રથમ પ્રાધાન્ય આપવાનો ઉલ્લેખ હતો, પરંતુ જાહેર થયેલા લિસ્ટમાં તમામ 19 વકીલો 20 વર્ષનો અનુભવ ધરાવતા હોવાનું દર્શાવવામાં આવ્યું છે.આ વિવાદ અંગે ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર સમીર ધડુકે પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, પેનલ એડવોકેટની નિમણૂક કરવા કે ઇન્ટરવ્યૂ લેવા અંગે કોઈ ચોક્કસ નિયમ નથી. આસિસ્ટન્ટ કમિશનર સાથે મળીને તૈયાર કરાયેલી દરખાસ્તને મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી મળ્યા બાદ જ આ નિમણૂકો કરાઈ છે અને 20 વર્ષના અનુભવનો માપદંડ પણ વહીવટી રીતે નક્કી કરાયો છે. બીજી તરફ, મનપાના જ લીગલ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ વર્ષ 2016માં જ્યારે પેનલ એડવોકેટની વરણી કરવામાં આવી હતી, ત્યારે સિનિયર ધારાશાસ્ત્રી મહર્ષિ પંડ્યા સહિતના નિષ્ણાત એડવોકેટ્સ અને અધિકારીઓની એક પસંદગી સમિતિ બનાવવામાં આવી હતી અને તે સમિતિ દ્વારા અરજદારોના ઇન્ટરવ્યૂ લઈને સક્ષમ ઉમેદવારોની જ પસંદગી કરાઈ હતી. આમ, ભૂતકાળમાં ઇન્ટરવ્યૂની પ્રક્રિયા થઈ હોવા છતાં ડેપ્યુટી કમિશનરે આવો કોઈ નિયમ ન હોવાનો દાવો કરતા તંત્રની કામગીરી સામે તર્ક-વિતર્ક શરૂ થયા છે.




