બેદરકાર તબીબને બચાવવા તંત્રના ધમપછાડા: નામ અને CCTV ફૂટેજ આપવામાં ગલ્લાતલ્લા, દર્દીના પરિવારમાં ભારે રોષ
છાતીમાં બે વેંત બહાર લટકતો તાર અને ખુલ્લા ઘા સાથે દર્દી કણસતો રહ્યો, સારવારની ફાઈલ પણ ગાયબ: અધિક્ષક ડો. કમલ ડોડીયાનો સ્ટાફને છાવરવાનો પ્રયાસ
- Advertisement -
રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર તબીબોની ગંભીર અને અક્ષમ્ય બેદરકારીના કારણે વિવાદમાં સપડાઈ છે. હોસ્પિટલમાં ગાંઠનું ઓપરેશન કરાવવા માટે આવેલા દિલીપ બારોટ નામના દર્દીની છાતીના ભાગે ચેકો મારીને તાર નાખવામાં આવ્યો હતો, પરંતુ આ તારને બહાર કાઢવાને બદલે અંદર જ રહેવા દેવામાં આવ્યો હોવાનો અત્યંત ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં, છાતીના ભાગે ચેકો માર્યો હોવા છતાં ટાંકા પણ લેવામાં આવ્યા નથી અને તાર સાથે જ માત્ર સાદું ડ્રેસિંગ કરી દેવામાં આવ્યું છે. હાલ દર્દી રાજકોટ સિવિલ હોસ્પિટલના સર્જિકલ વિભાગમાં સારવાર હેઠળ છે અને છાતીમાં અસહ્ય દુઃખાવાની ફરિયાદ કરી રહ્યા છે.આ સમગ્ર મામલે દર્દી દિલીપ બારોટના પુત્ર સંજય બારોટે આપવીતી જણાવતા હોસ્પિટલ તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. સંજય બારોટના જણાવ્યા મુજબ, તેઓ ૨૦ તારીખે ગાંઠનું ઓપરેશન કરાવવા માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. સારવાર દરમિયાન દર્દીને બાટલો ચડાવવા માટે નિડલ લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ૧૫-૧૫ વખત પંચર કરવા છતાં તે ચડી નહોતી. ત્યારબાદ તબીબોએ દર્દીને બેભાન કર્યા વગર જ છાતીના ભાગે સોય નાખી હતી, જે દરમિયાન સોયમાં રહેલો તાર (વાળો) અંદર હાડકામાં વીંટાઈ ગયો હતો. હાલમાં આ તાર બે વેંત જેટલો બહાર લટકી રહ્યો છે અને બાકીનો ભાગ છાતીની અંદર જ ફસાયેલો છે. તાર અંદર ફસાઈ જતાં તબીબોએ છાતીના ભાગે ચેકો મારીને તેને ખેંચીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નીકળ્યો નહોતો. ચેકો માર્યા બાદ ટાંકા લેવાના બદલે ઘાને ખુલ્લો જ રાખી દેવામાં આવ્યો હતો અને બે કલાક સુધી કોઈ ડ્રેસિંગ કરવા પણ આવ્યું નહોતું. આખરે તાર અંદર હોવા છતાં માત્ર સાદું ડ્રેસિંગ કરી દેવાયું હતું.દર્દીના પુત્રએ વધુમાં આક્ષેપ કર્યો છે કે, ગઈકાલે બપોરે ૧૨ વાગ્યાથી આ જ ગંભીર પરિસ્થિતિ ચાલી રહી છે અને હવે હોસ્પિટલના તબીબો દર્દીને અહીંથી લઈને અમદાવાદ જતા રહેવાનું કહી રહ્યા છે. જો રસ્તામાં દર્દીને કંઈ થઈ જાય તો તેની જવાબદારી કોની તેવો સવાલ તેમણે ઉઠાવ્યો છે. વધુમાં, જે સિનિયર ડૉક્ટર દ્વારા સારવાર કરવામાં આવી હતી તેઓ ગઈકાલે બપોરે ૩ વાગ્યાથી ભાગી ગયા છે અને હજુ સુધી પરત આવ્યા નથી. હોસ્પિટલનો સ્ટાફ તે ડૉક્ટરનું નામ આપતો નથી અને દર્દીની સારવારની ફાઈલ પણ લઈ લેવામાં આવી છે, જે પરિવારજનોને આપવામાં આવતી નથી. હોસ્પિટલ તંત્ર તરફથી પણ કોઈ અધિકારી મુલાકાતે આવ્યા નથી કે સંતોષકારક જવાબ આપ્યો નથી, જેને લઈને હવે પરિવારજનો જવાબદાર ડૉક્ટરનું નામ અને સીસીટીવી ફૂટેજ મેળવી કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ ફરિયાદ નોંધાવવા જઈ રહ્યા છે.બીજી તરફ, આ ગંભીર બેદરકારી મામલે રાજકોટ સિવિલ અધિક્ષક ડો. કમલ ડોડીયાએ સમગ્ર ઘટના અંગે ગોળ-ગોળ જવાબો આપી પોતાના સ્ટાફને છાવરવાનો પ્રયાસ કર્યો હોવાનું સ્પષ્ટ જણાયું છે. દર્દીની છાતીમાં તાર ઘૂસી ગયો હોવાના આક્ષેપ અંગે તેમણે જણાવ્યું હતું કે, આ વાત દર્દીના સગા કહેતા હશે પરંતુ સાચું શું છે તે તપાસનો વિષય છે, જ્યારે દર્દીને પ્રાથમિક ટ્રીટમેન્ટ અત્યારે જ આપવામાં આવશે. ચોંકાવનારી બાબત એ રહી કે કયા ડોક્ટરે આ પ્રક્રિયા શરૂ કરી હતી તેનું નામ પણ સિવિલ અધિક્ષક બોલી શક્યા નહોતા અને જવાબદાર તબીબનું નામ જાહેર કરવાનું ટાળ્યું હતું.




