ડૉ.મનીષ આચાર્ય : નેચરોપેથ
ઓસ્ટ્રેલિયા માટે જે સસલા ઉપદ્રવ હતા તેનો રણને સંવારવા ઉપયોગ
કુદરતી પડકારનો મોંઘા માટે થયેલા મુકાબલાની રોમાંચક વાત
એક ચોંકાવનારું સત્ય એ છે કે છેલ્લા ચાલીસ વર્ષ દરમિયાન પૃથ્વી પરનું પચ્ચાસ ટકા, એટલે કે અડધો અડધ વન્ય જીવન નાશ પામ્યું છે! જરા વિચારો કે આ કેટલું ગંભીર છે! જે વૈભવ નાશ પામ્યો છે તેનું સર્જન કરવામાં, તે સિસ્ટમ વિકસાવવામાં પ્રકૃતિને લાખો કરોડો વર્ષ લાગ્યા હતા. હવે ફરી આ વૈભવ ક્યારે……..!! માનવજાત સમક્ષ આજે અનેકાનેક પર્યાવરણીય પડકારો છે ત્યારે જે તે દેશ તેનો મુકાબલો કરવા શું આયોજન કરે છે તે તેનું ડહાપણ અને પડકારો સામે ઝઝૂમવાની કુનેહ દર્શાવે છે.
વિશ્વ સમક્ષના પર્યાવરણીય પડકારોમાં એક સહુથી મોટો પડકાર ડેઝર્ટિફિકેશન અર્થાત્ અમર્યાદ રીતે વિસ્તરતા રણોનો છે. વિકટ ડિઝાસ્ટર સામે ઝઝૂમવ પરસેવો લાવી દે તેવું હોય છે. ચીન પણ આવી સમસ્યાનો સામનો કરી રહ્યું હતું.
કુબુચી
ચીનનું 7મું સૌથી મોટું રણ એટલે કુબુચી રણ. તેનો કુલ વિસ્તાર 18,600 ચોરસ કિ.મી. – એટલે લગભગ આખું કુવૈત દેશ જેટલો છે!
1970-80 ના દાયકામાં આ રણ એટલું ખતરનાક હતું કે, ત્યાં વર્ષમાં પચ્ચાસ સાઈઠ વખત તો રેતીના ભયંકર તોફાનો આવતા. વાર્ષિક વરસાદ 100 મી.મી. થી પણ ઓછો રહેતો. ધરતી પર વનસ્પતિનું પ્રમાણ ફક્ત 3% જેટલું જ હતું. લોકો સવારે ઉઠે તો ઘરનો દરવાજો રેતીમાં દટાયેલો હોય! તેથી ચીનમાં જ તેને મોતનો સમુદ્ર કહેતા. તે પ્રદેશમાં પંખીઓ સહિતની જીવસૃષ્ટિ ખતમ થઈ ગઈ હતી.
રણ દર વર્ષે કેટલાયે ખેતરો, ગામો અને રસ્તા ગળી જતું હતું.
વાંગ વેનબિયાઓ; હીરોની એન્ટ્રી
1988માં આ વિષયે એક માણસ મેદાનમાં આવ્યો. તેનું નામ હતું – વાંગ વેનબિયાઓ તે એક નાની એવી મીઠાની ફેક્ટરીનો મેનેજર હતો.
તેણે જોયું કે જો રણ નહીં અટકે તો એની ફેક્ટરી પણ ક્યાંય દટાઈ જશે. તેથી આ વાંગ મહાશયે ચીનના એ ભેંકાર રણને હરિયાળા વિસ્તારોમાં તબદિલ કરવાનું બીડું ઝડપ્યું.આ તબક્કે તેના મનમાં એક ગજબનો વિચાર આવ્યો. તે સમજતો હતો કે રણમાં સીધા ઝાડ વાવો તો પવન ઉડાડી દે. એટલે એણે પહેલા પુરા રણને જાળીથી બાંધ્યું!
રેતીના રણમાં સૂકા ઘાસ અને સ્થાનિક વનસ્પતિ વિલોની ડાળીઓથી 1X1 મીટરના ચોરસ ખાના બનાવ્યા. આ ખાનાઓને “સેન્ડ વિલો ચેકરબોર્ડ” જેવું નામ પણ આપવામાં આવ્યું. આ ચોકઠાં પવનને રોકે, રેતીને પકડી રાખે, અને વચ્ચે વાવેલા છોડને બચાવે.
આ કામ એટલા વિશાળ સ્કેલનું હતું કે તે સંપન્ન થતા 1000 બુલડોઝર, હજારો મજૂરો અને 30 વર્ષ લાગ્યા!
તો આમાં રેક્સ સસલા ક્યાંથી આવ્યા?
અહીં જ અસલી ટ્વિસ્ટ છે! વાત જાણે એમ છે કે
ચીન સરકારે રણમાં પશુઓ ચરાવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે રણમાં રહેતા માલધારીઓ બિચારા શું કરે? એમના ઘેટા-બકરા ચરાવવા ક્યાં જાય?એટલે વાંગ ભાઈએ એમના માટે એક નવું ગામ બનાવ્યું – રેક્સ રેબિટ ટાઉન!
અહીં સસલાંને રણમાં છોડવામાં ન્હોતા આવ્યા, સસલાંને આ ગામમાં પાંજરામાં, ઉછેરવામાં આવતા હતા.
આ ખાસ નસ્લના રેક્સ સસલાઓ જ શા માટે?
આ મહાઅભિયાન માટે રેક્સ સસલાની પસંદગી પાછળનું એક કારણ છે તેનું ફર! આ સસલાનું ફર દુનિયામાં સૌથી મોંઘુ ગણાય છે. તેમાંથી કોટ, ટોપી, હેન્ડબેગ વગેરે બને છે. આ જ સસલાની પસંદગી પાછળનું બીજું મહત્વનું કારણ છે તેનું માંસ! તેનું માંસ બહુ ઊંચા ભાવે વેચાય છે. એક સસલું વર્ષમાં 4-5 વખત બચ્ચા આપે, એટલે આવક ઝડપથી વધે છે. હિસાબ સમજીએ તો પહેલા માલધારીની આવક ઘેટા ચરાવીને માંડ ગુજરાન ચલાવવા જેટલી જ થતી, રેક્સ રેબિટ પછી આવક 8 ગણી વધી ગઈ! ચીનમાં આજે દર વર્ષે 30 લાખથી વધારે રેક્સ સસલાં વેચાય છે, આમ એક ખેડૂતની વાર્ષિક આવક લગભગ 9,600 ડોલર એટલે 8 લાખ રૂપિયા જેટલી થઈ ગઈ!
અને સૌથી મોટો ફાયદો? જે માણસ સસલાં ઉછેરતો થયો, એણે રણમાં ઘેટા ચરાવવાના બંધ કરી દીધા. એટલે રણને આરામ મળ્યો અને વનસ્પતિઓનો વિકાસ થવા લાગ્યો.
સસલાંએ રણને સીધું લીલુંછમ નથી કર્યું, સસલાંએ માણસોને પૈસા આપીને રણને બચાવવા માટે મનાવ્યા! આ જ અસલી જાદુ છે!
ચીનની સરકારી ન્યૂઝ એજન્સી Xinhua એ 2026 માં જ કહ્યું છે કે રણમાં પ્રાણીઓ છોડીને રણ રોકવાની કોઈ પદ્ધતિ છે જ નહીં. પ્રાણી રણની નાજુક પરતોનો નાશ કરી નાખે.
આંકડા જે દુનિયાને ચોંકાવી દે!
આ અભિયાન 30 વર્ષ ચાલ્યા પછી શું થયું તેના આંકડા જાણો.
પહેલા ત્યાં
3% વનસ્પતિઓ હતી, અને હવે ત્યાં 50% વનસ્પતિઓ છે. પહેલા ત્યાં વાર્ષિક વરસાદ 100 મી.મી. જેટલો રહેતો, હવે ત્યાં એ વરસાદ 400 મી.મી. થી 600 મીમી જેટલો પડે છે. રેતીના તોફાનની સંખ્યા વર્ષમાં પચાસમાંથી ઘટીને એક જેટલી થઈ ચૂકી છે. રણના કુલ વિસ્તારમાંથી 35% ઉપરાંત વિસ્તારમાંથી રણ સમૂળગું નાબૂદ થયું છે.
1,02,000 લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.
આ પ્રોજેક્ટમાં 38 અબજ યુઆન (લગભગ 45,000 કરોડ રૂપિયા) રોકાયા હતા. 2015 માં UN એ આ પ્રોજેક્ટને “Champions of the Earth” એવોર્ડ આપ્યો છે.
હવે તો એ રણમાં દુનિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ પણ છે. પેનલ ઉપર વીજળી બને, નીચે જેઠીમધ જેવી દવા ઉગે! ઉપર પાવર, નીચે ખેતી!
આ દાસ્તાન પરથી આપણે એ સમજવાનું છે કે માનવી પોતાની બુધ્ધિથી કુદરતની પરિસ્થિતિઓનો અકલ્પ્ય ઉપયોગ કરી પોતાનું જીવન ગુલઝાર કરી શકે છે.
સસલાં તો ફક્ત એક બહાનું હતું – લોકોને રોજી આપવાનું બહાનું. અને જ્યારે માણસને રોજી મળી ગઈ, ત્યારે રણ પોતાની મેળે લીલું થવા લાગ્યું!



