શૈલેષ સગપરિયા : શૈલવાણી
એક રાજાએ રાજ્યના ત્રણ ખ્યાતનામ ચિત્રકારોને રાજદરબારમાં બોલાવ્યા. ત્રણે ચિત્રકારો એક એકથી ચડિયાતા હતાં. રાજાએ કહ્યું, મેં તમને આજે મારું પોતાનું ચિત્ર દોરવા માટે બોલાવ્યા છે. તમારે ત્રણેએ મારું ચિત્ર બનાવવાનું છે અને જેનું ચિત્ર સૌથી સારું હશે એને ઇનામ આપવામાં આવશે. રાજાને એક આંખ જ નહોતી એટલે ચિત્રકારો મૂંઝાયા કે, આવા એક આંખે કાણા રાજાનું ચિત્ર કેવી રીતે બનાવવું ?
પ્રથમ ચિત્રકારે વિચાર કર્યો કે, ‘જો હું એક આંખે કાણા રાજાનું ચિત્ર બનાવીશ તો રાજાને નહીં ગમે. કદાચ એવું પણ બને કે ઇનામ આપવાને બદલે મને સજા પણ કરે. માટે રાજાને કાણો ચિતરવો યોગ્ય નથી.’ આથી એણે રાજાનું એવું ચિત્ર બનાવ્યું કે જેમાં રાજાને બંને આંખો હોય.
બીજા ચિત્રકારે વિચાર કર્યો કે, ‘રાજા હોય તો શું થયું. જે સત્ય છે એ જ રજૂ કરવું જોઈએ. સત્યને છુપાવીશ તો દરબારીઓને નહીં ગમે અને મને ઇનામ નહીં મળે.”
એણે જે ચિત્ર બનાવ્યું એમાં રાજાને એક આંખે કાણો બતાવ્યો.
ત્રીજા ચિત્રકારે વિચાર કર્યો કે, ‘રાજાને બંને આંખ વાળો બતાવીશ તો હું સત્યને છુપાવીશ અને એક આંખે કાણો બતાવીશ તો રાજાના ગૌરવને ઝાંખપ લાગશે.’ એણે રાજાનું એક એવું ચિત્ર તૈયાર કર્યું, જેમાં રાજા બાણથી કોઈ નિશાન તાકતો હોય અને નિશાન તાકતા આ ચિત્રમાં રાજાની જે આંખ કાણી હતી; એ આંખ નિશાન તાકવાના હેતુથી બંધ કરેલી બતાવી. રાજા સહિત તમામ દરબારીઓએ આ ત્રીજા ચિત્રકારના ચિત્રને ઇનામ માટે પસંદ કર્યું; જેમાં સત્ય યોગ્ય રીતે રજૂ કરવામાં આવ્યું હતું. સત્યને છુપાવવું જો આપણે યોગ્ય ન ગણતા હોઈએ તો તેને વરવી રીતે રજૂ કરવું પણ અયોગ્ય જ છે. સત્યને યોગ્ય રીતે રજૂ કરવાની આ ત્રીજા ચિત્રકાર જેવી રીત શીખવાની જરૂર છે.
જો તમે સદંતર જૂઠું બોલો અને વારંવાર બોલો તો લોકો તેના પર પણ વિશ્વાસ કરી લેશે. એડોલ્ફ હિટલર



