અંદાજે 1.67 લાખથી વધુ વાહનચાલકોને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, 6 ખેડૂતોની 2 એકર જમીન સંપાદન કરવાની પ્રક્રિયા તેજ
‘ફાટક મુક્ત રાજકોટ જિલ્લા’ના અભિયાન હેઠળ પડધરી તાલુકાના નારણકા ગામ પાસે ગૌરીદળ રોડ પર આવેલા રેલવે ક્રોસિંગ નંબર 135 ફાટક પાસે રૂ. 44.81 કરોડના ખર્ચે નવો ઓવરબ્રિજ તથા સર્વિસ રોડ પ્રોજેક્ટ સાકાર થવા જઈ રહ્યો છે. આ ઓવરબ્રિજના નિર્માણ માટે રાજકોટ પ્રાંત ગ્રામ્યના ડેપ્યુટી કલેક્ટર દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત 6 ખેડૂતોની અંદાજે 2 એકર જમીન કપાતમાં લેવામાં આવશે.નારણકા-ગૌરીદળ રોડ પર આવેલા આ રેલવે ટ્રેક પરથી પ્રતિદિન 35 જેટલી પેસેન્જર અને ગુડ્સ ટ્રેનો પસાર થાય છે. જેના કારણે દિવસમાં અંદાજે 70 વખત ફાટક ખોલ-બંધ કરવી પડે છે. પરિણામે, અહીંથી પસાર થતા અંદાજે 1,67,022 થી વધુ વાહનચાલકોને ભારે ટ્રાફિક સમસ્યા અને સમયના બગાડનો સામનો કરવો પડે છે. નવો ઓવરબ્રિજ બનવાથી વાહનચાલકોને ફાટક પર ઉભા રહેવામાંથી કાયમી મુક્તિ મળશે અને રેલવે ટ્રેનો પણ વધુ સુરક્ષિત રીતે પસાર થઈ શકશે.વહીવટી તંત્ર દ્વારા સર્વે નંબર 223, 212 પૈકી 1, 212 પૈકી 2, 165, 260 અને 163 ની 6 ખેડૂતોની જમીનમાંથી અંદાજે 2 એકર જમીન સંપાદિત કરવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. ખેડૂતોને નિયમ મુજબ જમીનનું વળતર ચૂકવાયા બાદ અને જમીનનો કબ્જો મળતાની સાથે જ રાજકોટ રેલવેની નિયત કરેલી કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા ઓવરબ્રિજનું બાંધકામ શરૂ કરી દેવામાં આવશે.
- Advertisement -
આસપાસના 15 ગામોની 50 હજારની વસ્તીને સીધો ફાયદો
નવા ઓવરબ્રિજ નિર્માણથી નારણકા, ગૌરીદળ અને તેની આસપાસના 5 થી 10 કિલોમીટરના ઘેરાવામાં આવતા તરઘડી, મોવિયા, રતનપર, ખામટા સહિતના 10 થી 15 ગામોની અંદાજે 50,000 ની વસ્તીને અવરજવરમાં મોટી સરળતા રહેશે. આ ઉપરાંત, આ માર્ગ રાજકોટ-જામનગર હાઈવે અને મોરબી રોડને જોડતો મહત્વનો આંતરિક રસ્તો હોવાથી દરરોજ અહીંથી પસાર થતા હજારો સ્થાનિક મુસાફરો, ખેડૂતો અને ઔદ્યોગિક વાહનોને ટ્રાફિક જામમાંથી મોટી રાહત મળશે.




