‘ડેસ્ટિનેશન ઑફ ધ યર’નો ખિતાબ મળ્યો, દુનિયાભરના પ્રવાસીઓનું દિલ જીત્યું
ભારતની પ્રાચીન સંસ્કૃતિ, કુદરતી સૌંદર્ય સહિતની ખૂબીઓએ જીત્યું દુનિયાનું દીલ
- Advertisement -
ભારતને આંતરરાષ્ટ્રીય પર્યટન ક્ષેત્રે એક મોટી ઓળખ મળી છે. દુનિયાની પ્રખ્યાત ટ્રાવેલ મેગેઝિન ‘ટ્રાવેલ + લીઝર’ (Travel + Leisure) એ ભારતને વર્ષે ૨૦૨૭ માટે ‘Destination of the Year’ એટલે કે ‘વર્ષનું સર્વશ્રેષ્ઠ પર્યટન સ્થળ’ તરીકે પસંદ કર્યું છે. આ જાહેરાત સાથે જ ભારતને દુનિયાના એવા દેશોમાં સામેલ કરવામાં આવ્યું છે, જેમને આવનારા વર્ષમાં ફરવાના હેતુથી ખાસ આકર્ષક માનવામાં આવી રહ્યા છે. આ સન્માનની જાહેરાત નવેમ્બર ૨૦ર૬માં મેગેઝિન દ્વારા કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે ભારતને આ ઓળખ કોઈ એક શહેર, ઐતિહાસિક ઇમારત કે પર્યટન સ્થળને કારણે નથી મળી. તેની પાછળ દેશની સાંસ્કૃતિક વિવિધતા, ઐતિહાસિક વારસો, પ્રાકૃતિક સુંદરતા, વન્યજીવન, ખાનપાન અને શાનદાર હોટેલ તેમજ હોસ્પિટાલિટી સુવિધાઓની મોટી ભૂમિકા છે. આ જાહેરાત બાદ આંતરરાષ્ટ્રીય પર્યટનના નકશા પર ભારતની વિવિધતા ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે.
મેગેઝિને ભારતના એવા ઘણા હિસ્સાઓને પણ દુનિયાની સામે રજૂ કર્યા છે, જેમના વિશે વિદેશી પ્રવાસીઓને હજુ ઘણી ઓછી જાણકારી છે.
ભારતની સૌથી મોટી ખાસિયત તેની વિવિધતા છે. અહીં થોડા જ દિવસોની મુસાફરીમાં પ્રવાસીઓને ઐતિહાસિક સ્મારકોથી લઈને બરફથી ઢંકાયેલા પહાડો, દરિયાકિનારા, ગાઢ જંગલો, વન્યજીવ અભયારણ્યો અને અલગ-અલગ સંસ્કૃતિઓને નજીકથી જોવાનો મોકો મળે છે. મેગેઝિને પણ પોતાના વિશેષ રિપોર્ટમાં ભારતના અલગ-અલગ ક્ષેત્રો અને અનુભવોને સ્થાન આપ્યું છે.
કોણે આપ્યો ભારતને આ ખિતાબ?
ભારતને આ ઓળખ અમેરિકાની પ્રતિષ્ઠિત ટ્રાવેલ મેગેઝિન Travel + Leisure એ આપી છે. આ મેગેઝિન દુનિયાભરના પર્યટન સ્થળો, હોટેલો, ખાનપાન અને મુસાફરીના અનુભવો પર પોતાના રિપોર્ટ અને ગાઇડ પ્રકાશિત કરે છે. મેગેઝિનના એડિટર-ઇન-ચીફ જેકી ગિફોર્ડે પોતાના સંપાદકીયમાં ભારતને ૨૦૨૭નું “Destination of the Year’ જાહેર કર્યું. તેમણે ભારતને લગભગ ૧.૫ અબજની વસ્તી ધરાવતો દેશ ગણાવતા તેની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા અને શાનદાર હોસ્પિટાલિટી સુવિધાઓનો ઉલ્લેખ કર્યો. જેકી ગિફોર્ડના જણાવ્યા અનુસાર, ભારત એક એવો દેશ છે જ્યાં દરેક મુસાફરી દરમિયાન કંઈક નવું જોવા અને અનુભવવા મળે છે. તેમણે પોતાના બાળપણમાં ભારતની પ્રથમ મુલાકાતને યાદ કરતા અહીંના રંગો, ખાનપાન, સાડીઓ, લોકોની ઉષ્મા અને જીવંત માહોલનો ઉલ્લેખ કર્યો.
ભારતનાં માત્ર મોટા શહેરો જ નહીં, નાના અને અજાણ્યા પર્યટન સ્થળો પણ ચર્ચામાં
લક્ષદ્વીપ : અરબ સાગરમાં આવેલો આ દ્વીપસમૂહ પોતાના દરિયાકિનારા, સ્વચ્છ પાણી અને પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતો છે. અહીંના કેટલાક ટાપુઓ પર જવા માટે વિશેષ પરવાનગીની જરૂર પડે છે.
ઉદયપુર : રાજસ્થાનનું આ શહેર પોતાના મહેલો, તળાવો અને ઐતિહાસિક ઇમારતો માટે પ્રખ્યાત છે. તેને ઘણીવાર ‘તળાવોનું શહેર’ અને ‘પૂર્વનું વેનિસ’ પણ કહેવામાં આવે છે.
ચેટ્ટીનાડ : તમિલનાડુનો આ વિસ્તાર પોતાની વિશિષ્ટ સ્થાપત્યકલા, ઐતિહાસિક હવેલીઓ અને પારંપરિક ખાનપાન માટે જાણીતો છે.
મેઘાલય : અહીંની પ્રાકૃતિક ગુફાઓ, પહાડો અને અસાધારણ વરસાદ ધરાવતો વિસ્તાર પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ છે.
ધર્મશાળા અને મેકલોડગંજ : હિમાલયની સુંદર ખીણો અને બૌદ્ધ સંસ્કૃતિ માટે ઓળખાતા આ સ્થળો પણ ભારતના ખાસ પર્યટન અનુભવોમાં સામેલ છે.
- Advertisement -
દર વર્ષે પસંદ થાય છે દુનિયાનું એક ખાસ પર્યટન સ્થળ
Travel + Leisure R ‘Destination of the Year’ની જાહેરાત દર વર્ષે કરવામાં આવે છે. આ અંતર્ગત કોઈ એક દેશને આવતા વર્ષે ફરવા માટે ખાસ પર્યટન સ્થળ તરીકે રજૂ કરવામાં આવે છે. ભારત પહેલા પણ ઘણા દેશોને આ ઓળખ મળી ચૂકી છે. વર્ષ ૨૦૨૪ માટે કોસ્ટા રિકા, ૨૦૨૫ માટે થાઈલેન્ડ અને ૨૦૨૬ માટે બ્રાઝિલની પસંદગી કરવામાં આવી હતી. હવે ૨૦૨૭ માટે ભારતને આ સ્થાન મળ્યું છે.



