અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઈટને અચાનક કેન્સલ કરી દેવાઈ: 100થી વધુ મુસાફરનો એરપોર્ટ પર રઝળપાટ
‘રિફન્ડ નથી જોઈતું, તમને-તમારી કંપનીને ડોનેટ કરૂ છું ભિખારી’ ઉશ્કેરાયેલા મુસાફરે સ્પાઈસ જેટના કર્મચારીઓનો ઉધડો લીધો
- Advertisement -
અમદાવાદ એરપોર્ટ પર ફરી એકવાર સ્પાઈસજેટ એરલાઇન્સની મોટી બેદરકારી સામે આવી છે. બુધવારે રાત્રે ૧૦:૨૦ વાગ્યે અમદાવાદથી નવી દિલ્હી જતી ફ્લાઇટને ૧૦ વખત ડિલે કર્યા બાદ રાત્રે ૧૨ વાગ્યે અચાનક કેન્સલ કરી દેવામાં આવી હતી, જેના કારણે ૧૦૦થી વધુ મુસાફરો એરપોર્ટ પર રઝળી પડયા છે. દૂરથી આવેલી મહિલા મુસાફરો માટે એરલાઈન્સ દ્વારા ન તો રહેવાની કોઈ વ્યવસ્થા કરાઈ છે કે ન તો બીજી ફ્લાઇટની સુવિધા અપાઈ છે. સ્ટાફ દ્વારા કોઈ યોગ્ય જવાબ ન મળતા મુસાફરોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સ્પાઈસજેટના કર્મીએ રિફન્ડ આપવાની વાત કરતા એક મુસાફરે કહ્યું કે, રિફન્ડ નથી જોઈતું, તમને અને તમારી કંપનીને હું ડોનેટ કરું છું ભિખારી…આ ઉપરાંત સ્પાઇસજેટના કર્મચારીએ લોકોને મુશ્કેલીની મજાક ઉડાવી હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. ૧૮ નવેમ્બરના રોજ રાત્રે ૧૦:૨૦ કલાકે અમદાવાદ એરપોર્ટ પરથી ટેકઓફ થનારી દિલ્હીની ફ્લાઇટને એરલાઇન્સ દ્વારા એક-બે વાર નહીં, પરંતુ અંદાજે ૧૦ વખત ડિલે કરવામાં આવી હતી. મુસાફરો કલાકો સુધી એરપોર્ટ પર ફ્લાઇટની રાહ જોતા બેસી રહ્યા હતા અને અંતે રાતે ૧૨ વાગ્યે એરલાઇન્સ દ્વારા ફ્લાઇટ કેન્સલની જાહેરાત કરતા ૧૦૦થી વધુ મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતાં. આ ઘટનાને પગલે મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને સ્પાઈસજેટના કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. લોકોના જણાવ્યાં મુજબ, એરલાઈન્સના સ્ટાફ દ્વારા શરૂઆતમાં ફ્લાઇટ જશે, તેવો ખોટો ભરોસો આપીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા, જેના કારણે તેઓ કોઈ બીજો ઓપ્શન પણ પસંદ કરી શક્યા નહોતા.
એરલાઇન્સ દ્વારા મુસાફરોને પાણીનું પણ ન પૂછવામાં આવ્યું
સૌથી વધુ કફોડી હાલત દૂર-દૂરથી આવેલી મહિલા મુસાફરો અને પરિવારોની થઈ છે. ફ્લાઈટ રદ થયા બાદ એરલાઇન્સ દ્વારા મુસાફરો માટે ન તો રહેવાની હોટેલ અથવા સ્ટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે, કે ન તો અન્ય કોઈ ફ્લાઇટમાં વૈકલ્પિક મુસાફરીની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. આ ઉપરાંત, કલાકોથી હેરાન થઈ રહેલા મુસાફરોને એરપોર્ટ પર પ્રાથમિક સુવિધા કે પીવાના પાણી માટે પણ પૂછવામાં ન આવ્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે મુસાફરોએ એરપોર્ટ પર ભારે હોબાળો મચાવ્યો હતો.



