150 ફૂટ રિંગ રોડ પર કોઝી યાર્ડ પાસે 15 વર્ષ જૂના દબાણો પર બુલડોઝર ફરી વળ્યું; 70 ઝૂંપડાં અને 4 પાકા મકાનો તોડી પડાયા
રાજકોટ શહેરમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. શહેરના ૧૫૦ ફૂટ રિંગ રોડ પર કોઝી યાર્ડ પાસે મોટામવા ગામના સરકારી ખરાબાના સર્વે નંબર ૧૮૦ પૈકીની જમીનમાં છેલ્લા ૧૫ વર્ષથી ખડકાયેલા દબાણો પર રાજકોટ તાલુકા મામલતદારની ટીમે સપાટો બોલાવ્યો છે.મંગળવારે બપોરે રાજકોટ તાલુકા મામલતદાર કે.એલ. મકવાણા, સર્કલ ઓફિસર ધર્મેશ વઘાસિયા અને રેવન્યુ તલાટી સહિતના અધિકારીઓનો કાફલો પોલીસ બંદોબસ્ત સાથે ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ મેગા ડિમોલિશન ઓપરેશન દરમિયાન બુલડોઝર ફેરવી દઈને ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા ૭૦ ઝૂંપડાં અને ૪ પાકા મકાનો જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા.તંત્રની આ કડક કાર્યવાહીના પગલે અંદાજે ૭ કરોડની બજાર કિંમત ધરાવતી ૧૦૦૦ ચોરસ મીટર જેટલી કિંમતી સરકારી જમીન દબાણમુક્ત કરીને ખુલ્લી કરાવવામાં આવી છે.




