પોલીસ કમિશનર કચેરી ખાતે થયો પ્રારંભ : હેલ્પલાઇન 24 કલાક ચાલુ રહેશે
કાયદાકીય કાર્યવાહી જ નહીં, પરંતુ માનસિક સ્થિતિ સમજી જીવન બચાવવાના પ્રયાસો કરશે
- Advertisement -
રાજકોટમાં વધતા જતા આત્મહત્યા અને આપઘાતના પ્રયાસોના બનાવો વચ્ચે પોલીસ હવે માત્ર ઘટનાસ્થળે પહોંચીને કાયદાકીય કાર્યવાહી જ નહીં, પરંતુ વ્યક્તિની માનસિક સ્થિતિ સમજી તેનું જીવન બચાવવાના પ્રયાસો પણ કરશે આ માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા આજથી પોલીસ કમિશનર કચેરી ખાતે ‘જીવન આસ્થા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે ડીસીપી ઝોન-1 હેતલ પટેલની પહેલથી આ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) ના તાજેતરના અહેવાલ મુજબ, સમગ્ર ગુજરાતમાં આત્મહત્યાનો સરેરાશ દર પ્રતિ ૧ લાખની વસ્તીએ ૧૨.૪ છે, જેની સામે રંગીલા રાજકોટ શહેરમાં આ દર ૩૯.૩ જેટલો ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. દેશના 53 મુખ્ય શહેરોની યાદીમાં રાજકોટ આત્મહત્યાના દરની બાબતમાં દેશમાં બીજા ક્રમે છે, જ્યાં વર્ષ દરમિયાન ૫૪૬ જેટલા અકાળે મોતના બનાવો નોંધાયા છે. આ ગંભીર સામાજિક અને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાને નાથવા માટે તેમજ હતાશામાં સરી પડેલા યુવાનો, વિદ્યાર્થીઓ અને નાગરિકોને યોગ્ય સમયે હૂંફ અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી આજરોજ રાજકોટ શહેર પોલીસ દ્વારા એક વિશેષ “જીવન આસ્થા કેન્દ્ર” ‘આત્મહત્યા નિવારણ હેલ્પલાઈન’ શરૂ કરવામાં આવી છે આ હેલ્પલાઈન નંબર [૯૭૧૨૩૪૭૭૪૪] દિવસ-રાત ૨૪*૭ કાર્યરત રહેશે હેલ્પલાઈન પર અનુભવી કાઉન્સિલર્સ અને ટ્રેઈન્ડ પોલીસ કર્મચારીઓની ટીમ તૈનાત રહેશે, જે ફોન કરનાર વ્યક્તિની વાત શાંતિથી સાંભળીને માનસિક સધિયારો અને યોગ્ય ઉકેલ આપશે સંપર્ક કરનાર વ્યક્તિની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે કોઈ અતિ ગંભીર પરિસ્થિતિમાં ભોગબનનારનું લોકેશન મેળવી નજીકની પોલીસ ટીમ (PCR વાન) તાત્કાલિક સ્થળ પર પહોંચીને જીવ બચાવવાની કામગીરી કરવામાં આવશે.
નાગરિકોને ખાસ અપીલ
આર્થિક સંકડામણ, અભ્યાસનું ભારણ, કૌટુંબિક વિખવાદ કે અન્ય કોઈપણ માનસિક તણાવને કારણે જ્યારે કોઈ વ્યક્તિ હતાશા કે નિરાશા અનુભવે, ત્યારે કોઈ અંતિમ પગલું ભરતા પહેલા અમારી હેલ્પલાઈન [૯૭૧૨૩૪૭૭૪૪] અથવા પોલીસ કંટ્રોલ રૂમ ૧૧૨ નો અવશ્ય સંપર્ક કરે. “તમારું જીવન અમૂલ્ય છે, કોઈપણ સમસ્યાનો ઉકેલ વાતચીત અને યોગ્ય માર્ગદર્શનથી લાવી શકાય છે – “ અમને જીવન આસ્થા કેન્દ્રને એક તક આપો.”



