સુપ્રસિદ્ધ સ્વરકાર ભાવિન શાસ્ત્રી સૂરીલા સ્વરે ભક્તિ, સુફી અને ફિલ્મી ગીતોની રમઝટ બોલાવશેઃ રૈયા રોડ સ્થિત પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં યોજાશે કાર્યક્રમ
રાજકોટ મહાનગરપાલિકાના ૫૩મા સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે શહેરીજનો માટે સંગીત અને સંસ્કૃતિના અનોખા સંગમ સમાન ભવ્ય સંગીત કાર્યક્રમ ‘નાદ–નિનાદ’ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે તા. ૧૯-૧૧-૨૦૨૬, ગુરુવારના રોજ રાત્રે ૮:૩૦ કલાકે રૈયા રોડ સ્થિત શ્રી પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં ગુજરાતના સુપ્રસિદ્ધ સ્વરકાર ભાવિન શાસ્ત્રી પોતાના સૂરીલા સ્વરથી ભક્તિ સંગીત, સુફી અને લોકપ્રિય ફિલ્મી ગીતોની મનમોહક પ્રસ્તુતિ કરશે.આ અંગે મેયર ડૉ. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયા, ઇ.ચા. મ્યુનિસિપલ કમિશનર ડૉ. ઓમ પ્રકાશ, શાસક પક્ષ નેતા ડૉ. હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષ ભટ્ટે એક સંયુક્ત યાદીમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેર વિકાસની સાથે કલા અને સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરા ધરાવે છે. આ પરંપરાને પ્રોત્સાહન આપવા યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન મનપા દ્વારા આયોજિત દિવાળી કાર્નિવલની રંગોળી સ્પર્ધાના વિવિધ કેટેગરીના વિજેતાઓને પુરસ્કાર વિતરણ પણ કરવામાં આવશે.મેયર ડૉ. નેહલ શુક્લના અધ્યક્ષસ્થાને યોજાનાર આ સમારોહમાં સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા પ્રેરણાદાયી ઉપસ્થિતિ આપશે. આ ઉપરાંત ધારાસભ્યશ્રીઓ ભાનુબેન બાબરિયા, રમેશભાઈ ટીલાળા, ડૉ. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ સહિત મનપાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેશે.ભક્તિ ગીતોની આધ્યાત્મિક અનુભૂતિ, સુફી સંગીતની ઊંડાઈ અને ફિલ્મી ગીતોના મનોરંજનથી ભરપૂર આ યાદગાર સંગીત સંધ્યાનો લાભ લેવા શહેરીજનોને મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.




