વિશ્વ હિન્દૂ પરિષદના મોટા માથા છીએ, નોકરી ખાઈ જઈશુ કહી 3 TRB જવાનોને લાફા ઝીકી દીધા
સીટબેલ્ટ, ઓવરલોડ અને પરમિટ ન હોવા સહિતના ટ્રાફિક નિયમોના ભંગ બદલ મેમો ભરવાનું કહેતા આચરેલું કૃત્ય
- Advertisement -
રાજકોટ-ગોંડલ હાઈવે પર ઢોલરા ગામના પાટિયા પાસે ટ્રાફિક નિયમન કરી રહેલા પોલીસ કર્મચારીઓ સાથે રાજસ્થાન પાસિંગની સ્કોર્પિયો કારમાં સવાર લોકો દ્વારા બોલાચાલી, ઝપાઝપી અને મારામારી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. વાહન ચેકિંગ દરમિયાન સીટબેલ્ટ નહીં બાંધવા, ઓવરલોડ અને પરમિટ ન હોવા સહિતના ટ્રાફિક નિયમોના ભંગ બદલ મેમો ભરવાનું કહેતાં કારમાં સવાર લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને ત્રણ TRB જવાનને ફડાકા ઝીંકી દીધા હતા અને VHPના મોટા માથા છીએ, નોકરી ખાઈ જઈશું તેરી ધમકી આપી હતી. જેથી આજીડેમ પોલીસ મથકમાં 7 શખ્સો સામે ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ શહેર ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ મુન્નાભાઈ મકવાણા સહિતના પોલીસ કર્મચારીઓ અને TRB જવાનો ઢોલરા ગામના પાટિયા પાસે રાજકોટ-ગોંડલ હાઈવે પર સવારે 7થી બપોરે 3 વાગ્યા સુધી ટ્રાફિક નિયમનની ફરજ બજાવી રહ્યા હતા. દરમિયાન સવારે આશરે 10:50 વાગ્યે ગોંડલ તરફથી રાજકોટ તરફ આવતી સફેદ રંગની રાજસ્થાન પાસિંગની સ્કોર્પિયો કાર (નંબર RJ10UA5940) શંકાસ્પદ જણાતાં તેને ચેકિંગ માટે રોકવામાં આવી હતી.પોલીસના જણાવ્યા મુજબ, કારના કાળા કાચ, ક્ષમતા કરતાં વધુ મુસાફરો, ચાલકે સીટબેલ્ટ નહીં બાંધ્યો હોવા સહિતની બાબતો ધ્યાનમાં આવતાં વાહનચાલકને પૂછપરછ કરી જરૂરી દસ્તાવેજો માગવામાં આવ્યા હતા. ટ્રાફિક નિયમોના ભંગ બદલ મેમો ભરવાનું કહેતાં કારચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાનો ભાઈ વકીલ હોવાનું કહી ચલણ નહીં ભરવાની જીદ પકડી હતી.આ દરમિયાન કોન્સ્ટેબલ મકવાણાની નેમપ્લેટમાં તેમની અટક જોઈ કારચાલકે જાતિ વિષયક અપમાનજનક શબ્દો કહ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. ત્યારબાદ કારમાં સવાર અન્ય પુરુષો અને મહિલાઓ પણ નીચે ઉતરી પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી કરવા લાગ્યાં હતાં. એક વ્યક્તિએ કાર રસ્તાની વચ્ચે ઊભી રાખી દેતાં હાઈવે પર ટ્રાફિકને અવરોધ ઊભો થયો હતો.ફરિયાદ મુજબ, કારમાં સવાર લોકોએ પોતે વિશ્વ હિન્દુ પરિષદના મોટા આગેવાનો હોવાની ઓળખ આપી પોલીસ કર્મચારીઓને ‘તું હજુ અમને ઓળખતો નથી, અમે તારી નોકરી ખાઈ જઈશું’ તેવી ધમકી આપી હતી. મામલો વધુ ઉગ્ર બનતાં કારમાં સવાર લોકો દ્વારા પોલીસ કર્મચારીઓ અને TRB જવાનો સાથે ઝપાઝપી અને ધક્કામુક્કી કરવામાં આવી હતી. આ દરમિયાન TRB જવાન રફીકભાઈ ચવાણ, હસનભાઈ સૈયદ અને દીપકભાઈને ગાલના ભાગે ફડાકા મારી મુંઢ ઈજાઓ પહોંચાડવામાં આવી હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં, ઝપાઝપી દરમિયાન પોલીસ કર્મચારીઓનાં યુનિફોર્મ પણ ફાડી નાખવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં ટ્રાફિક કંટ્રોલરૂમને જાણ કરવામાં આવી હતી અને વિસ્તારના ઇન્ચાર્જ PSI એલ.કે. સોઢાતર પણ સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારબાદ 112 જનરક્ષકની ટીમ પણ પહોંચી હતી અને હાઈવે પર સર્જાયેલી ટ્રાફિકની સ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી.આ બનાવ અંગે ટ્રાફિક કોન્સ્ટેબલ મુન્નાભાઈ મકવાણાએ કારચાલક ઉમેશભાઈ અને તેમની સાથેના પાર્વતીબેન, ખુશીબેન અને શ્વેતલબેન સહિત 7 સામે સરકારી કર્મચારીઓની ફરજમાં રૂકાવટ, ધમકી, મારામારી, જાતિ વિષયક અપમાન અને જાહેર માર્ગ પર ટ્રાફિક અવરોધ ઊભો કરવા સહિતના આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે ફરિયાદના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



