ભાજપ અને કોંગ્રેસના 9 કોર્પોરેટરોએ 11-11 પ્રશ્નો રજૂ કર્યા; ટી.પી. વિભાગની કામગીરી, સોલાર પેનલ અને મહિલા લોન સહાયના આંકડાઓ પર વિપક્ષે હિસાબ માંગ્યો
શહેરી વિકાસથી લઈને વહીવટી કામગીરી સુધીના મુદ્દે શાસક-વિપક્ષ વચ્ચે ગરમાગરમીના એંધાણ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાની આગામી તા. ૨૦ નવેમ્બરના રોજ સવારે ૧૧ વાગ્યે સામાન્ય સભા (જનરલ બોર્ડ) યોજાનાર છે. આ બેઠક પૂર્વે જ શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના કુલ ૯ કોર્પોરેટરો દ્વારા પ્રજાને સીધી અસર કરતા વિવિધ મુદ્દે કુલ ૨૨ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે, જેમાં બંને પક્ષના ફાળે ૧૧-૧૧ પ્રશ્નો આવ્યા છે. ખાસ કરીને કોંગ્રેસ દ્વારા ટાઉન પ્લાનિંગ (ટી.પી.) વિભાગની કામગીરી, ટી.પી. સ્કીમો અને ગેરકાયદેસર બાંધકામો મુદ્દે આકરા સવાલો ઉઠાવવામાં આવ્યા છે.જનરલ બોર્ડમાં પૂછવામાં આવેલા સવાલોમાં મનપાની મુખ્ય કચેરી અને બે ઝોન સહિતની તમામ બિલ્ડિંગોનું વીજળી બિલ કેટલું આવે છે અને તે પૈકી કેટલી બિલ્ડિંગો પર સોલાર પેનલ લગાવવામાં આવી છે તેની સ્પષ્ટ વિગતો માંગવામાં આવી છે. આ ઉપરાંત મિલકતવેરા અને પાણીવેરામાં વ્યાજમાફીની યોજના શરૂ થઈ ત્યારથી ૧૨ નવેમ્બર સુધીમાં કેટલા અરજદારોએ તેનો લાભ લીધો અને તેનાથી મનપાની આવકમાં કેટલો વધારો થયો તેના ચોક્કસ આંકડા રજૂ કરવા પણ જણાવાયું છે.બીજી બાજુ, પ્રોજેક્ટ શાખા દ્વારા છેલ્લા ૧ વર્ષમાં મહિલાઓને કયા-કયા પ્રોજેક્ટ હેઠળ કેટલી રકમની સહાય અને લોન આપવામાં આવી તેમજ તેનો લાભ કેટલી મહિલાઓએ લીધો તેની વિગતો માંગવામાં આવી છે. સાથે જ, ચાલુ નાણાકીય વર્ષ સહિત છેલ્લા ૫ નાણાકીય વર્ષમાં દિવાળી કાર્નિવલ પાછળ થયેલા કરોડો રૂપિયાના કુલ ખર્ચની વર્ષવાર વિગતો, ટેન્ડર અને રેઈટ કોન્ટ્રાક્ટ વગરની આઈટમોનો હિસાબ તેમજ ફાયર NOC અંગેના પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા છે. આ ઉપરાંત સામાન્ય સભાના એજન્ડામાં મચ્છરોના ઉપદ્રવને રોકવા બાયલોઝમાં સુધારા કરવા અને નવા બનેલા બે પાર્ટી પ્લોટ તેમજ કોમ્યુનિટી હોલના નિયમો નક્કી કરવા સહિતની દરખાસ્તો પર પણ ચર્ચા કરવામાં આવશે.




