જે હાથ આખું વર્ષ આપણી સુખ-સુવિધા માટે કામ કરે છે એ હાથમાં થોડી સંપત્તિ મૂકીએ!
આપણું નાનું-મોટું કામ કરતા સેવકો – સહાયકો – શ્રમજીવીઓને ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપજો. વળી, આપો તો જમણા હાથે એ રીતે આપજો કે ડાબા હાથને ખબર ન પડે
- Advertisement -
દિવાળી – નૂતન વર્ષ માત્ર પરિવારજનો સાથે સમય વિતાવવાનો, બાળકોને શુકન આપવાનો, સગાંવહાલાંને સોગાદ ધરવાનો અવસર નથી. દિવાળી – નૂતન વર્ષ આખું વર્ષ આપણી જિંદગીને સરળ, સુખદ, સુવિધાજનક બનાવવામાં નાનાંમોટાં યોગદાન આપતા સહાયકોને સહાય કરવાનો પણ અવસર છે. ઘરમાં દીવડાં પ્રગટાવીને ઉજાસ પાથરવાની સાથે કોઈના જીવનમાં ઉત્સાહનો દીપ પ્રગટાવવાનો તહેવાર એટલે દિવાળી – નૂતન વર્ષ. આ દિવાળી – નૂતન વર્ષમાં તમારાથી નાની ઉંમરનાં બાળકો કે સગાંવહાલાં તમને પગે લાગે તો આશીર્વાદરૂપી શુકનના ₹૫૦થી ₹૫૦૦ તમે આપશો પણ એમની સાથે વર્ષભર ઘરમાં કામ કરતી બાઈ હોય, સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ હોય, રસ્તા પરથી કચરો ઉપાડતા સફાઈ કામદાર હોય કે પછી દૂધવાળો, છાપાવાળો, ઈસ્ત્રીવાળો, વાળ કાપનારો હોય.. આપણા રોજિંદા જીવનમાં કોઈ ને કોઈ રીતે સહભાગી બનતા સૌ સેવકોને યાદ રાખજો. તમારી આર્થિક ક્ષમતા પ્રમાણે રોકડ રકમ આપજો અથવા તેમને ઉપયોગી થાય એવી ચીજવસ્તુની ભેટસોગાદ આપજો. સાથોસાથ શિક્ષક, ડૉક્ટર, પત્રકાર કે નિઃસ્વાર્થભાવે સમાજ માટે કામ કરતી વ્યક્તિઓને તમારી યાદીમાં સમાવજો. દરેક વ્યક્તિને આપણી પાસેથી મોટી રકમની અપેક્ષા નથી હોતી, ક્યારેક માનભેર આપેલી નાનકડી ભેટ પણ તેમના માટે મોટી ખુશી બની જાય છે. અને હા… દાનનો દેખાડો નહીં, લાગણીનો વ્યવહાર કરજો. ફૂલ નહીં તો ફૂલની પાંખડી.. વળી, આપો તો જમણા હાથે એ રીતે આપજો કે ડાબા હાથને ખબર ન પડે. તહેવારોના આ રૂડા દિવસોમાં થોડો સમય કાઢીને અનાથઆશ્રમ અને વૃદ્ધાશ્રમની મુલાકાત લેજો. સમાજમાં અસંખ્ય એવા ગરીબ – નિરાધાર – ખુદ્દાર જીવ છે જેમનામાં અભાવ તો ઘણો છે પણ સ્વાભિમાન એટલું મોટું છે કે કોઈની સામે હાથ ફેલાવી શકતા નથી, આવા જરૂરિયાતમંદો પાસે સામે ચાલીને જજો અને સન્માનપૂર્વક ઉપકારની ભાવના રાખ્યા વિના ઉપહાર આપજો. જો દેવું કરીને દિવાળી – નૂતન વર્ષ ઉજવી શકાય તો પાંચ-પચ્ચીસનું દાન દિલ ખોલીને કેમ ન કરી શકાય? અને આ દાન દેખાડા વિના આવનારી પેઢીઓ માટે કરીને પણ પુણ્ય કમાવી શકાય છે. આ દિવસોમાં ફક્ત એક વૃક્ષ વાવવાનું છે, તેને ઉછેરવાનું શરૂ કરવાનું છે. આજે વાવેલું એક વૃક્ષ આવનારી પેઢીઓ માટે ફાયદાકારક બનતાની સાથે તેમના અદ્રશ્ય આશીર્વાદ આપણી ઝોળી ભરી દેશે. આપણા શાસ્ત્રો કહે છે કે લક્ષ્મીની ત્રણ ગતિ હોય છે: દાન, ભોગ અને નાશ. જે સંપત્તિ સત્કર્મમાં નથી વપરાતી કે યોગ્ય રીતે ભોગવાતી નથી તેનો અંતે નાશ નિશ્ચિત છે. તિજોરીઓમાં કેદ થયેલી લક્ષ્મી માત્ર અંકોનો ખડકલો છે, એ ક્યારેય જીવંત નથી હોતી. પણ એ જ લક્ષ્મી જ્યારે કોઈ ભૂખ્યાના પેટનો કોળિયો બને છે, કોઈ ગરીબ વિદ્યાર્થીની ફી બને છે, કોઈ લાચાર વ્યક્તિના આંસુ લૂછવાનો સહારો બને છે, જીવશ્રુષ્ટિ માટે લાભદાયી થાય છે ત્યારે એ નાણાં મટીને સાક્ષાત નારાયણનું સ્વરૂપ ધારણ કરી લે છે. હથેળીઓ ભીડી મુઠ્ઠીવાળી રાખશો તો એમાં કશું સમાશે પણ નહીં, જે હાથ વહેંચવા માટે ખૂલે છે બ્રહ્માંડ હંમેશાં એ જ હાથને ભરવા માટે નવું અન્ન અને નવું ધન મોકલે છે. કુદરતનો નિયમ બહુ સ્પષ્ટ છે: જૂનું ખાલી કરશો તો જ નવું ભરાશે. તેથી લોભ કર્યા કે લાભ જોયા વિના લક્ષ્મી દાન કરો. સરસ્વતી જેમ જ એ વહેંચવાથી વધશે અને સંઘરવાથી સંકુચિત થશે. પરબ્રહ્મ પાસે માગવા તો આપણે આખું વર્ષ હાથ ફેલાવીએ છીએ, વર્ષના નવલા દિવસોમાં ઈશ્વરે આપણને આપવા જેવા હાથ બનાવ્યા છે. આ નવા વરસે સંબંધોને ગણતરીઓથી મુક્ત કરીએ… ચરણસ્પર્શ તો ઠીક છે પણ આપણા હૃદયસ્પર્શ કરનાર એ દરેક પવિત્ર ખભા – મસ્તક પર એક હાથ સ્નેહથી ફેરવજો અને બીજા હાથે કંઈક એવું સમર્પિત કરજો જે તેમના દિલને સ્પર્શી જાય. યાદ રાખજો, સંપત્તિ તો વહેંચાઈ-ખર્ચાઈ જશે પણ એ નાનકડા શ્રમજીવી જીવના અંતરમાંથી તમારા માટે નીકળેલા અસીમ આશીર્વાદ જિંદગીના વળાંકો પર તમારું રક્ષણ કરતા – તમને રાજી રાખતા રહેશે.



