રમેશ પારેખ રંગદર્શન ખાતે ફૂડ ફેસ્ટિવલમાં સ્વાદરસિકો ઉમટશે, પરંતુ લાઇટિંગના સામાન્ય આયોજન સામે ભવ્યતાના દાવા અંગે સવાલો ઊઠ્યા
રેસકોર્સ રિંગ રોડ પર રંગબેરંગી રોશની સાથે પાંચ દિવસીય દિવાળી કાર્નિવલ શરૂ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની પરંપરા જાળવી આ વર્ષે પણ દિવાળી પર્વ નિમિત્તે પાંચ દિવસીય કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારે ધનતેરસના પાવન અવસરે રેસકોર્સ રિંગ રોડ પર રંગબેરંગી રોશનીના પ્રારંભ સાથે કાર્નિવલનો માહોલ જામ્યો હતો. સાંજે 7 વાગ્યે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ભવ્ય લેસર શો અને આતશબાજીએ ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આકાશમાં રંગબેરંગી આતશબાજીના નજારાઓ અને લેસર શોની આકર્ષક રજૂઆત વચ્ચે સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો.દિવાળીની રજાઓમાં શહેરીજનોને મનોરંજનની સાથે સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણવાની તક મળી રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આવેલા રમેશ પારેખ રંગદર્શન ખાતે પાંચ દિવસીય ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારે સાંજે ફૂડ ફેસ્ટિવલનો પ્રારંભ થતાં જ ખાણીપીણીના શોખીનો માટે ઉત્સવની મજા માણવાનો અવસર ઊભો થયો છે. આગામી પાંચ દિવસ દરમિયાન અહીં વિવિધ પ્રકારની વાનગીઓના સ્ટોલ વચ્ચે શહેરીજનો દિવાળીની રજાઓનો આનંદ માણી શકશે.બીજી તરફ, ધનતેરસ નિમિત્તે રેસકોર્સ રિંગ રોડ ફરતે આકર્ષક રોશનીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાલભવન પાસેથી સ્વિચ દબાવી લાઇટિંગનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જોકે, મનપા દ્વારા રંગબેરંગી રોશનીના ભવ્ય આયોજનના દાવા કરવામાં આવ્યા હોવા છતાં સ્થળ પર માત્ર સામાન્ય ટમટમિયા સિરીઝ લાઇટિંગ જ જોવા મળતાં આયોજનની ભવ્યતા સામે સવાલો ઊભા થયા છે.એક તરફ સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા વીજળીની બચત તથા ઊર્જાના કરકસરયુક્ત ઉપયોગ માટે સતત અપીલ કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા દિવાળીના કાર્નિવલ નિમિત્તે રોશનીના આયોજન પાછળ કરવામાં આવેલા ખર્ચ અને તેની વાસ્તવિક ભવ્યતા અંગે ચર્ચા શરૂ થઈ છે. કેટલાક લોકોના મતે શહેરીજનોને ઉત્સવનો માહોલ પૂરો પાડવો આવકારદાયક છે, પરંતુ માત્ર ઔપચારિકતા પૂરી કરવા કે દેખાડા પૂરતું આયોજન કરવાને બદલે નાગરિકોના ખર્ચે થતી વ્યવસ્થામાં ગુણવત્તા અને આકર્ષણનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.




