UPI કાયમ માટે ફ્રી રહેશે તેવી ક્યારેય ખાતરી આપી જ નથીઃ કેન્દ્ર સરકાર; વેપાર ઘટવો એ મૌલિક અધિકારનું ઉલ્લંઘન નથી
દિવાળી બાદ લાગુ થશે 0.40% ચાર્જઃ સિસ્ટમના લાંબા ગાળાના સુચારુ સંચાલન માટે MDR અનિવાર્ય હોવાનો સરકારનો દાવો
- Advertisement -
વેપારીઓના ‘નો-યુપીઆઈ ડે’ વિરોધ સામે સરકારનો સુપ્રીમમાં મજબૂત બચાવ
ગત મહિને લાગુ થનારા યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) ચાર્જ સામેના ભારે વિરોધ અને તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને તેને દિવાળી બાદ લાગુ કરવાનો નિર્ણય લેવાયો હતો. દરમિયાન, કેન્દ્ર સરકારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આ પેમેન્ટ સિસ્ટમ કાયમ માટે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) થી મુક્ત રહેશે તેવી કોઈ ખાતરી આપવામાં આવી જ નથી.ગત ૨ ઓક્ટોબરના રોજ રૂ.૨૦૦૦ થી વધુના વ્યવહારો પર ૦.૪૦% મર્ચન્ટ બેન્કિંગ ચાર્જ લાગુ કરવાના વિરોધમાં દેશભરમાં વેપારીઓએ ‘નો-યુપીઆઈ ડે’ મનાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરકારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા જવાબમાં બચાવ કરતા જણાવ્યું છે કે આ પેમેન્ટ સિસ્ટમનું લાંબા ગાળા સુધી સુચારુ સંચાલન કરવા માટે ચાર્જ જરૂરી છે. આ નિર્ણય લેતા પૂર્વે સંબંધિત પક્ષો સાથે વ્યાપક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સરકાર દ્વારા અપાતી સબસીડી ફરજિયાત નથી પરંતુ સરકારની ઇચ્છા પર આધારિત છે.નાના અને છૂટક વેપારીઓ આ પ્રકારના ચાર્જ ભોગવવાની સ્થિતિમાં હોતા નથી, તેથી તેમને કોઈ વધારાનો બોજો ન પડે તે માટે રૂ. ૨૦૦૦ સુધીના વ્યવહારો નિશુલ્ક રાખવામાં આવ્યા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ કોઈ ટેક્સ કે ફી નથી અને આ ચાર્જનો એક પણ રૂપિયો સરકારને મળતો નથી, પરંતુ આ એક કારોબારી પેમેન્ટ સિસ્ટમનો ચાર્જ છે જેનું સંચાલન નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા કરવામાં આવે છે. વેપાર ઘટવો એ મૌલિક અધિકારનું ઉલ્લંઘન નથી તેમ પણ સરકારે ઉમેર્યું છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે રૂ. ૨૦૦૦ થી વધુના યુપીઆઈ વ્યવહારો પર મર્ચન્ટ બેન્કિંગ ચાર્જ વસૂલવાનો નિર્ણય લાંબા ગાળાના સંચાલનને ધ્યાનમાં રાખીને લેવાયો છે, જેમાં નાના વેપારીઓને રાહત આપવામાં આવી છે અને આ ચાર્જનો લાભ સરકારને મળતો નથી.



