કેન્દ્રનો મોટો નિર્ણયઃ નેપાળ અને ભૂતાન રૂટ પર પણ કડક ચેકિંગ
કેન્દ્ર સરકારે પડોશી દેશોના નાગરિકો માટે પાસપોર્ટ અને વિઝાના નિયમો વધુ કડક બનાવતા નવી નોટિફિકેશન બહાર પાડી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આ નિર્ણયથી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના લઘુમતીઓ તેમજ નેપાળ અને ભૂતાનના રસ્તેથી મુસાફરી કરતા મુસાફરો પર સીધી અસર પડશે. આ નવા નિયમો મુજબ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા છે. બિન-મુસ્લિમ સમુદાયોના લોકોએ ભારતમાં વસવાટ કરવા માટે નિયમ અનુસાર યોગ્ય શ્રેણીનો વિઝા મેળવવો હવે ફરજિયાત બનશે. આ નવા નિયમો હેઠળ હિન્દુ, સિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોનો સમાવેશ થાય છે. આ નિયમ ખાસ કરીને એવા લોકો પર લાગુ થશે જેઓ ધાર્મિક ઉત્પીડન કે તેના ડરથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં ભારતમાં આવ્યા હતા અને જેમની પાસે કાયદેસરના મુસાફરી દસ્તાવેજો નહોતા અથવા તો જેમના દસ્તાવેજોની મુદત પૂર્ણ થઈ ગઈ હતી. બુધવારે જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, હવે આવા લોકોએ ભારતમાં રહેવા માટે યોગ્ય વિઝા લેવો પડશે. અગાઉ સપ્ટેમ્બર ૨૦૨૫ના આદેશમાં આ સમુદાયોને પાસપોર્ટ અને વિઝાની શરતોમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
હવે ભારત, નેપાળ અને ભૂતાનના નાગરિકોને એકબીજાના દેશમાં આવવા-જવા માટે ?‘વિઝા મેન્યુઅલ’ હેઠળ નક્કી કરાયેલા માન્ય ઓળખકાર્ડ દર્શાવવા પડશે. જો કોઈ ભારતીય નાગરિક નેપાળ કે ભૂતાન થઈને કોઈ ત્રીજા દેશમાં જઈ રહ્યો હોય, તો તેની પાસે માન્ય પાસપોર્ટ હોવો જરૂરી છે અને તેણે નક્કી કરેલા ચેકપોઈન્ટ્સ પરથી જ પસાર થવું પડશે. નેપાળ અને ભૂતાનના નાગરિકો જો ચીન, પાકિસ્તાન, હોંગકોંગ કે મકાઉ થઈને ભારત આવી રહ્યા હોય, તો તેમના માટે પણ માન્ય પાસપોર્ટ અને વિઝા દર્શાવવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે.



