નવી શાળા શરૂ કરવા માટે રાજ્ય સરકારે નિયમો હળવા કર્યા
શાળાના મુખ્ય પ્રવેશદ્વારથી 500 મીટરની અંદર આવેલા સલામત મેદાનનો ઉપયોગ કરી શકશે
- Advertisement -
સાંકડા વર્ગખંડને મંજૂરી, 60 વિદ્યાર્થીની મર્યાદા યથાવત
ગુજરાતમાં નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા અને શાળાની માન્યતા મેળવવાના નિયમોમાં રાજ્ય સરકારે ફેરફાર કર્યા છે. શાળાઓ ચલાવવી અને શિક્ષણ સંપાદનનું કાર્ય કરવું હવે સરકારની વ્યાખ્યા પ્રમાણે બિઝનેસ એટલે કે ધંધાની વ્યાખ્યામાં આવરી લેવાયું છે. એટલે જ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની નીતિને અનુસરીને સરકારે નવી શાળા શરૂ કરવાની મંજૂરીના નિયમો હળવા કરી દીધા છે જેથી આ બિઝનેસ કરવા ચાહતા લોકોને મુશ્કેલી ન નડે. ગુજરાત સરકારે 30 ઑક્ટોબર, 2026ના રોજ બહાર પાડેલા જાહેરનામા અનુસાર શાળામાં વર્ગખંડોનો વિસ્તાર નાનો હશે તો પણ ચાલશે અને શાળા પાસે પોતાનું મેદાન ન હોય તો પણ મંજૂરી મળી શકશે. નવા જાહેરનામા અનુસાર પોતાની માલિકીનું કે શાળાને અડીને રમતનું મેદાન ન હોય તો હવે મુખ્ય પ્રવેશદ્વારથી 500 મીટરની અંદર આવેલા સલામત મેદાનનો ઉપયોગ કરી શકાશે. તેના માટે મેદાનના માલિક કે સંબંધિત સત્તા સાથે ઓછામાં ઓછા 15 વર્ષનો નોંધાયેલ ભાડાકરાર અથવા કરાર કરવો પડશે. શાળાના ધાબાને પણ સલામતી અને પ્રવર્તમાન એફએસઆઈના નિયમોને આધીન રમતનું મેદાન ગણી શકાશે.
શિક્ષણ વિભાગના જાહેરનામાથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિનિયમોમાં સુધારા કર્યા છે. તેમાં રમતનાં મેદાન ઉપરાંત વર્ગખંડ, પ્રયોગશાળા, પીવાના પાણી, શૌચાલય, અગ્નિસુરક્ષા અને શાળા નોંધણી માટેની જોગવાઈઓમાં ફેરફાર કરાયો છે. સરકારનો હેતુ બિનજરૂરી નિયમનકારી શરતો ઘટાડીને શાળા શરૂ કરવાની અને તેનો વિસ્તાર કરવાની પ્રક્રિયા સરળ બનાવવાનો છે. વર્ગખંડમાં વધુમાં વધુ 60 વિદ્યાર્થીની મર્યાદા યથાવત્ રાખવામાં આવી છે. સરકારી અને અનુદાનિત શાળાઓમાં દરેક વર્ગમાં વિદ્યાર્થીઓની લઘુતમ અને મહત્તમ સંખ્યા શાળા કમિશનર નક્કી કરશે. પરંતુ અગાઉના નિયમ અનુસાર બેસવાના વિસ્તારનો વ્યાપ 400 ફૂટ હોવો અનિવાર્ય હતો તે જોગવાઇ દૂર કરી દેવાઇ છે. આથી વર્ગખંડ નાના હશે તો પણ શાળાને મંજૂરી મળશે.
- Advertisement -
એક જ વિસ્તારમાં એકથી વધુ શાળા ખોલવાની મર્યાદા દૂર, ગમે એટલી શાળા શરૂ કરી શકાશે
અગાઉ બોર્ડ કોઇ વિસ્તારમાં વધારાની શાળાની જરૂર છે તો જ ત્યાં અન્ય શાળા ખોલવાની મંજૂરી અપાતી હતી. ગ્રામ્ય વિસ્તારમાં 5 કિમીના અંતરમાં બીજી શાળા આવવાથી પહેલી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 20 ટકા કે તેથી વધુ ઘટી જાય તો બીજી શાળાને અનાવશ્યક ગણાતી હતી. આ જોગવાઇ દૂર કરાઇ છે એટલે હવેથી કોઈ એક વિસ્તારમાં ચાહે તેટલી શાળા ખૂલી શકશે. આ ઉપરાંત નવા વર્ગખંડ શરૂ કરવા, નવો પ્રવાહ શરૂ કરવા કે સાયન્સ સહિતના પ્રવાહમાં વિદ્યાર્થીની સંખ્યા વધારવા માટે હવે અરજી કરતી વખતે તેની જરૂરિયાત સાબિત કરતું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે નહીં.



