‘2008ને ભૂલશો નહીં, બિગ સરપ્રાઈઝ ફોર ઈન્ડિયન ગવર્નમેન્ટ’નો ધમકી ભર્યો ઈ-મેઈલ ગુજરાતની DGP ઓફિસને મળ્યો
ખાલિસ્તાનના નામથી કોઈ અજાણ્યા શખસે આ ઈમેલ મોકલ્યો હોવાનું ખુલ્યુ
- Advertisement -
તાત્કાલિક હાઈ એલર્ટ જાહેર, સાયબર ક્રાઈમ દ્વારા મેલ મોકલનારનું IP એડ્રેસ ટ્રેસ કરવાની કાર્યવાહી ચાલુ
‘2008ને ભૂલશો નહીં, બિગ સરપ્રાઈઝ ફોર ઈન્ડિયન ગવર્નમેન્ટ’નો ધમકી ભર્યો ઈમેઈલ ગુજરાતની DGP ઓફિસને મળ્યો છે. જે ધમકીભર્યાં મેઈલમાં DGP ઓફિસ ગાંધીનગર, કલેક્ટર ઓફિસ, 1 મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. ખાલિસ્તાનના નામથી કોઈ અજાણ્યા શખસે આ ઈમેલ મોકલ્યો છે. રાજ્ય પોલીસ વડાની કચેરી દ્વારા તમામ જેલ અધિક્ષકો અને જિલ્લા પોલીસ વડાઓને તાત્કાલિક અસરથી હાઈ ઍલર્ટ પર રહેવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને સ્થાનિક પોલીસ ટીમોએ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે પહોંચીને સંવેદનશીલ બેરેકો અને પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને મેલ મોકલનારનું આઈપી એડ્રેસ ટ્રેસ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતની જેલને ટાર્ગેટ કરવાનો ઉલ્લેખ
સૂત્રોના જણાવ્યાનુસાર, ડીજીપી ઓફિસમાં આવેલા ઈ-મેલમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતની જેલોને ટાર્ગેટ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મેલની ગંભીરતાને ધ્યાને રાખીને સાબરમતી જેલ ખાતે સ્નિફર ડોગ્સ, મેટલ ડિટેક્ટર અને આધુનિક સર્ચિંગ સાધનો સાથે તપાસ હાથ ધરવામાં આવી છે. જેલ પરિસરમાં બહારથી આવતા મુલાકાતીઓ, વાહનો અને સપ્લાયની ચકાસણી વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત જેલ સ્ટાફ સિવાયના કોઈપણ અનધિકૃત વ્યક્તિના પ્રવેશ પર અસ્થાયી પ્રતિબંધ લગાવીને ચોકી-પહેરા વધુ કડક કરી દેવાયા છે.
- Advertisement -
હાઈ સિક્યોરિટી સેલ અને સંવેદનશીલ બેરેકો પર ચાંપતી નજર
સાબરમતી જેલમાં સિરિયલ બ્લાસ્ટ કેસના દોષિતો, ગેંગસ્ટરો અને આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા કેદીઓ બંધ હોવાથી હાઈ સિક્યોરિટી ઝોન તથા અંડા સેલની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. પેરીમીટર વોલ પર આવેલા વોચ ટાવર અને સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી મોનિટરિંગ શરૂ કરી દેવાયું છે.



