શૈલેષ સગપરિયા : શૈલવાણી
લારીમાં નાની-મોટી ઘરવપરાશની વસ્તુઓ વેચનારો એક સામાન્ય માણસ એક આઈસક્રીમ પાર્લર પાસે આવીને ઊભો રહ્યો. આઈસક્રિમ ખરીદવા માટે ખિસ્સામાંથી રૂપિયા કાઢ્યા. ગણ્યા અને પાછા ખિસ્સામાં મૂકી દીધા. આઇસક્રીમ ખરીદ્યા વગર જ એ પાછો વળી ગયો. આઈસક્રીમ પાર્લરના માલિકે આ જોયું એટલે એને પાછો બોલાવીને પૂછ્યું, આઈસક્રીમ લીધા વગર કેમ જઈ રહ્યો છે?
પેલા ફેરિયાએ કહ્યું, સાહેબ, ખિસ્સામાં રહેલા પૈસા ગણ્યા તો ખ્યાલ આવ્યો કે, જો ઘરના સભ્યો માટે આઇસક્રીમ લઈ જઈશ તો પછી કરિયાણાના બીલની રકમ ચૂકવવા માટે પૂરતા પૈસા નહીં વધે. આઇસક્રીમ તો પછી પણ ખવાશે, પહેલા કરિયાણાનું બીલ ચૂકવી દઉં. આ બંને જણા વાત કરતા હતા ત્યાં એક સજ્જન આઇસક્રીમ લેવા આવ્યા. એ આ ફેરિયાને સારી રીતે ઓળખતા હતા. એણે દુકાનના માલિક સાથે આ ફેરિયાનો પરિચય કરાવતા કહ્યું, આ માણસ ભલે સામાન્ય સ્થિતિનો રહ્યો પણ એક સંત જેવું એનું જીવન છે. પેલા સજ્જને આગ્રહ કરીને આ ફેરિયાને પોતાના તરફથી આઇસક્રીમ ખવડાવ્યો. સજ્જન તો આઈસક્રીમ લઈને જતા રહ્યા. ફેરિયાએ આઇસક્રીમની પ્લેટ પૂરી કરી એટલે એ ઊભો થઈને આઈસક્રીમ પાર્લરના માલિક પાસે આવ્યો અને કહ્યું, શેઠ, મને ત્રણ ડબી આઇસક્રીમ પેક કરી દો. પાર્લરના માલિકે આશ્ચર્ય સાથે કહ્યું, હમણા તો તું કરિયાણાનું બીલ ભરવાની વાત કરતો હતો અને હવે આઈસક્રીમનું પાર્સલ કરવાનું કહે છે! કેમ તારો વિચાર બદલાઈ ગયો ? ફેરિયાએ કહ્યું, શેઠ, મારા પરિવારમાં પત્ની, એક દીકરી અને એક દીકરો છે. મેં અહીં આઇસક્રીમ ખાધો એ ઘેર ભલે કોઈને ખબર ન હોય પણ ભગવાન તો જાણે જ છે કે મેં મારા પરિવારને મૂકીને આઇસક્રીમ ખાધો છે. હવે જો કરિયાણાના બીલની ચિંતા કરીને હું ખાલી હાથે ઘેર જાઉં તો પછી ઉપરવાળાને શું જવાબ આપી શકીશ ? પરિવારનો પ્રેમ ઝંખતા એ તમામ એકલપેટા મહાનુભાવોને આદર સાથે અર્પણ જે એકલા એકલા મોટી મોટી મહેફિલો માણે છે.
- Advertisement -
પ્રત્યેક મકાન ઘર નથી હોતું અને પ્રત્યેક ઘરમાં કુટુંબ નથી હોતું. અજ્ઞાત




