ભારતીય ઈન્વેસ્ટર્સને અંબાણી તરફથી દિવાળી બોનસ
₹1119ના ઇશ્યૂ પ્રાઇસથી રોકાણકારોને 21% નફો મળ્યો, બીજી સૌથી મોટી કંપની બની : એરટેલને પાછળ છોડ્યું
- Advertisement -
અનંતની ઇમોશનલ સ્પીચમાં પિતા મુકેશ રડી પડયા
જિયો પ્લેટફોર્મ્સ બુધવારે, ૨૮ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. કંપનીનો શેર ૧,૩૫૮ રૂપિયા પર લિસ્ટ થયો છે, જે ૧,૧૧૯ રૂપિયાના ઇશ્યૂ પ્રાઇસ કરતાં ર૧ ટકા વધુ છે. લિસ્ટિંગ બાદ જિયો પ્લેટફોર્મ્સનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને ૧૨.૫૦ લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આ સાથે જિયો માર્કેટ કેપની દૃષ્ટિએ દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની છે. તેણે ભારતી એરટેલને પાછળ છોડી દીધી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧૫.૯૯ લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ સાથે પ્રથમ ક્રમે છે. જિયો પ્લેટફોર્મ્સનો શેર ૧,૧૧૯ રૂપિયાના ઇશ્યૂ પ્રાઇસની સામે ૧,૩૫૮ રૂપિયા પર લિસ્ટ થયો છે. એટલે કે, શેરદીઠ ૨૩૯ રૂપિયાનો વધારો નોંધાયો છે. ટકાવારીની દ્રષ્ટિએ આ લગભગ ૨૧.૪ ટકાનું પ્રીમિયમ છે. કંપનીના લિસ્ટિંગ પર રોકાણકારોની નજર હતી, કારણ કે તેના IPOને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના આંકડા મુજબ, ૨૧થી ૨૩ ઑક્ટોબર દરમિયાન ખુલેલા IPOને કુલ ૨૨.૧૯ ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું. લિસ્ટિંગ બાદ જિયો પ્લેટફોર્મ્સનું માર્કેટ કેપ ૧૨.૫૦ લાખ કરોડ રૂપિયા થયું છે. તેની સરખામણીમાં ભારતી એરટેલનું માર્કેટ કેપ આશરે ૧૨.૧૦ લાખ કરોડ રૂપિયા છે. આ રીતે જિયોએ માર્કેટ કેપની દૃષ્ટિએ એરટેલને પાછળ છોડી દીધી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧૫.૯૯ લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ સાથે દેશની સૌથી મૂલ્યવાન કંપની છે. જિયો પ્લેટફોર્મ્સ બીજા ક્રમે આવતાં રિલાયન્સ ગ્રુપની બે કંપનીઓ દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓમાં ટોચના સ્થાને પહોંચી છે.
માએ કહ્યું જીઓ મેરે લાલ, દાદીએ કહ્યું જૂગ જૂગ જીઓ, મિત્રોએ કહ્યું જીઓ યારઃ અનંત અંબાણી : ઇશા દીદીએ બીજ વાવ્યું અને આકાશભૈયાએ પોતાનું સપનું બનાવ્યું
જિયો પ્લેટફોર્મ્સની શેરબજારમાં આઈપીઓ લિસ્ટિંગ સેરેમની અંબાણી પરિવાર માટે માત્ર એક મોટી બિઝનેસ સિદ્ધિ જ નહીં, પરંતુ ભાવનાઓનો એક અનોખો સંગમ બની રહી હતી. આ ઐતિહાસિક અવસર પર અનંત અંબાણીએ આપેલા હૃદયસ્પર્શી સંબોધણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું, જેમાં તેમણે વ્યવસાયને પૂજા અને આરાધના સાથે સરખાવ્યો હતો. અનંતે જિયોની આ સફળતાનો પૂરો શ્રેય દેશવાસીઓના અખૂટ વિશ્વાસને આપતાં કહ્યું કે, એક્સચેન્જની ઘંટડી તેમના માટે મંદિરની ઘંટડી સમાન છે અને જિયોને દેશની જનતા સાથે વહેંચવું એ ‘પ્રસાદ’ વહેંચવા જેવું પવિત્ર કામ છે. પિતા મુકેશ ‘અંબાણીના ભારતને આગળ વધારવાના સપનાનો ઉલ્લેખ કરતી વખતે અનંતના આ શબ્દો સાંભળીને મુકેશ અંબાણી પોતે પણ ભાવુક થઈ ગયા હતા, જે આ સમગ્ર સેરેમનીની સૌથી ચર્ચિત ક્ષણ બની ગઈ હતી. અંતમાં અનંતે આકાશ અને ઈશા અંબાણી સાથે મળીને એક સંયુક્ત સંકલ્પ સાથે આગળ વધવાની અને દેશ માટે પ્રતિબદ્ધ રહેવાની મજબૂત ખાતરી આપી હતી. અનંત અંબાણીએ પોતાની સ્પીચમાં કહ્યું કે, જામનગરની ઉજ્જડ જમીન પર દુનિયાની સૌથી મોટી રિફાઈનરી ઊભી કરીને બતાવ્યું. તેમણે કરી બતાવ્યું કે જ્યારે ભારત બનાવે છે તો દુનિયા જોવે છે. પછી આવ્યું નવું ભારત, યુવા ભારત, એક નવું ભારતનું સપનું. દરેક હાથમાં ઇન્ટરનેટનું સપનું. દરેક ગામમાં દુનિયાના આ સપનાનું નામ હતું જીયો, આ સપનાના બીજને ઈશા દીદીએ વાવ્યું અને આકાશ ભાઈએ આ બીજને પોતાનું સપનું બનાવ્યું. જીયોને આખા દેશે દુઆ આપી. માતાએ કહ્યું જીઓ મેરે લાલ, દાદીએ કહ્યું જુગ જુગ જીઓ. અને મિત્રોએ કહ્યું, જીઓ યાર… અનંત અંબાણીએ પોતાના ભાષણમાં કહ્યું કે આજે તેમના માટે સૌથી મહત્વનો શબ્દ ‘કૃતજ્ઞતા’ છે. તેમણે કહ્યું, ‘આજે એક્સચેન્જમાં વાગનારી ઘંટડી મારા માટે મંદિરની ઘંટડી જેવી હશે. મારા માટે વ્યવસાય પૂજા છે અને દરેક પૂજાનો અંત પ્રસાદથી થાય છે.’ તેમના આ નિવેદને કાર્યક્રમને ભાવુક ક્ષણ આપી. અનંતના જણાવ્યા મુજબ જિયોને સમગ્ર દેશ સાથે વહેંચવું તેમના માટે પ્રસાદ વહેંચવા જેવું છે. તેમણે તે લાખો લોકોનો આભાર માન્યો જેમણે જિયો પર વિશ્વાસ મૂક્યો અને તેને આગળ વધવાની તક આપી.
- Advertisement -
રેકોર્ડબ્રેક IPO
જિયો પ્લેટફોર્મ્સના IPO માટે ૧.૩ કરોડથી વધુ અરજીઓ મળી હતી. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે ઇશ્યૂ શરૂ થયાની માત્ર ૯૫ મિનિટમાં સંપૂર્ણ સબસ્ક્રિપ્શન મળી ગયું હતું. IPO માટે કુલ માંગ ૭.૫ લાખ કરોડ રૂપિયાથી વધુ રહી હતી. ૨૩ ઑક્ટોબરે બંધ થયેલા આ IPOને કુલ ૨૨.૧૯ ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB)નો હિસ્સો ૭૦.૫૫ ગણો, નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સનો હિસ્સો ૧૪ ગણો અને રિટેલ રોકાણકારોનો હિસ્સો ૨.૭૨ ગણો સબસ્ક્રાઇબ થયો હતો.




