પ્રદેશ પ્રભારી તરુણ ચુઘ, પ્રદેશ પ્રમુખ જગદીશવિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને નિમુબેન બાંભણીયા સહિતના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહેશે
રાજકોટ ભારતીય જનતા પાર્ટી દ્વારા ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન-૨૦૨૬’ અંતર્ગત આજે રાજકોટ ખાતે એક વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય ચૂંટણી પંચ અને બંધારણીય સંસ્થાઓ પર સવાલો ઉઠાવી જે ભ્રામક પ્રચાર તથા અરાજકતા ફેલાવવામાં આવી રહી છે, તેનો પ્રજા વચ્ચે જઈને સીધો જવાબ આપવા માટે આ અભિયાન હાથ ધરાયું છે.
આ પદયાત્રાનો પ્રારંભ સાંજે ૪:૩૦ કલાકે બહુમાળી ભવન ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે સભા યોજીને કરવામાં આવશે. ત્યારબાદ યાત્રા યાજ્ઞિક રોડ સ્થિત અકિલા ચોક, સર્વેશ્વર ચોક, રામકૃષ્ણ આશ્રમ, માલવીયા ચોક થઈને ત્રિકોણબાગ ખાતે સંપન્ન થશે. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રભારી તરુણ ચુઘ, પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા, પ્રદેશ મહામંત્રી અને રાજકોટ શહેર સંગઠન પ્રભારી અનિરુદ્ધભાઈ દવે, પ્રદેશ સહસંગઠન મહામંત્રી અરુણ બિન્નાડી, પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા તેમજ પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત સૌરાષ્ટ્ર ઝોનના સાંસદો, ધારાસભ્યો અને અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.આ પદયાત્રાને બૌદ્ધિક નાગરિકો, સાધુ-સંતો, તબીબો, વકીલો, વેપારી મંડળો, શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકો તેમજ વિવિધ સામાજિક સંગઠનોનું વ્યાપક સમર્થન પ્રાપ્ત થયું છે. શહેર સંગઠનના હોદ્દેદારો, ૧૮ વોર્ડના કાર્યકર્તાઓ, પેજ પ્રમુખો અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ સહિત હજારોની સંખ્યામાં જનમેદની જોડાવાની શક્યતા સાથે રાજકોટના મુખ્ય માર્ગો ભાજપમય બનશે.




