30 પેઢીઓની તપાસ, 841 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ અને ₹12,500નો દંડ ફટકા૨ાયો
રાજકોટ શહેરમાં ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહીના ભાગરૂપે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન વિવિધ વિસ્તારોની કુલ 30 પેઢીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં માનવ આરોગ્ય માટે જોખમી એવો કુલ 841 કિલોગ્રામ અખાદ્ય, વાસી, પડતર તેમજ એક્સપાયર્ડ ખાદ્ય સામગ્રીનો જથ્થો ઝડપી પાડી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. નિયમોના ઉલ્લંઘન બદલ કુલ 5 પેઢીઓને સ્ટોરેજ, લાયસન્સ અને હાઇજેનિક કન્ડિશન મામલે નોટિસ આપી ₹12,500/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો, જ્યારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ 6 ખાદ્ય ચીજોના નમૂના લઈ લેબોરેટરી પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવ્યા છે.
તપાસ દરમિયાન જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે, યોગી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી ઉત્પાદક પેઢી ‘ભારતી ફૂડ્સ & બેવરેજીસ’ ખાતેથી અંદાજે 800 કિલો વાસી અને પડતર નૂડલ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય માટે જોખમી આ સમગ્ર જથ્થાને મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) વાહનમાં સ્થળ પર જ નષ્ટ કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા પેઢીને હાઇજેનિક કન્ડિશન તેમજ યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ ફટકારી ₹10,000/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો અને હક્કા નૂડલ્સ (લૂઝ)નો નમૂનો લેબ ટેસ્ટિંગ માટે લેવાયો હતો.
આ ઉપરાંત, કાલાવડ રોડ પર રાધે ક્રિષ્ના પાર્ક-1 સ્થિત ‘ધ વ્હાઇટ ફ્યુમ્સ કાફે’માં તપાસ દરમિયાન એક્સપાયરી બેકરી પ્રોડક્ટ્સ, વાસી ફૂડ, પડતર લોટ, કાપેલા શાકભાજી, એક્સપાયરી પિઝા બેઝ, વાસી નૂડલ્સ અને મંચુરિયન સહિત અંદાજે 31 કિલો અખાદ્ય જથ્થો ઝડપાતાં તેનો સ્થળ પર નાશ કરી ₹2,000/- નો દંડ વસૂલાયો હતો. જ્યારે પરાબજારમાં ધર્મેન્દ્રસિંહ કાપડ માર્કેટ પાસે આવેલી ‘માં વૈષ્ણવી કેળાં વેફર’માંથી વારંવાર તળવામાં ઉપયોગમાં લેવાતું અંદાજે 10 કિલો દાઝિયું (બળેલું) તેલ નષ્ટ કરી ₹500/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.
સાંગણવા ચોક સ્થિત ‘ભરત ફરસાણ (ગૃહ ઉદ્યોગ)’ને હાઇજિન અને ટેકનિકલ પર્સન બાબતે નોટિસ આપી સેવ, હળદર પાવડર અને બેસનના નમૂના લેવાયા હતા. કિશાનપરા ચોક સ્થિત ‘કેફેટો રેસ્ટોરન્ટ’ને નોટિસ આપી ગોપી બ્રાન્ડ મલાઈ પનીર તેમજ માધાપર ચોકડી પાસે ‘જે.ડી. એન્ટરપ્રાઇઝ’માંથી બેઇલી પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરનો નમૂનો લેવામાં આવ્યો હતો. આ ડ્રાઇવ દરમિયાન કુવાડવા રોડ, કાલાવડ રોડ અને ખાસ કરીને સત્યસાંઈ મેઇન રોડ પર આવેલા ટ્વીંગ કાફે, અતુલ આઈસ્ક્રીમ, ખેતલાઆપા ટી-સ્ટોલ, બહુચરાજી દાળ પકવાન, શ્રી રાઘવેન્દ્ર સ્વીટ્સ, શુભમ ડેરી ફાર્મ, ઓમ ખમણ, નીલકંઠ ડાઇનિંગ હોલ અને બર્ગરીટો સહિત અન્ય 24 જેટલા એકમોમાં સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી.




