SBIના હજારો કસ્ટમર્સના પર્સનલ ડેટા લીક: નામ, નંબર અને સરનામા ડાર્ક વેબ પર એક્સપોઝ, બેંકે સાયબર ઍટેક થવાનું સ્વીકાર્યું
ડાર્ક વેબ પર મળેલાં 3.75 લાખ રેકોર્ડ્સની બેંક દ્વારા તપાસ કરાઈ
- Advertisement -
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ એક શંકાસ્પદ ડેટા લીકની સત્તાવાર પુષ્ટિ કરી છે. બેંકના જણાવ્યા અનુસાર, તેના લગભગ ૩,૮૯૭ ગ્રાહકોનો પર્સનલ ડેટા ડાર્ક વેબ પર લીક થઈ ગયો છે. ડાર્ક વેબ પર જાહેર થયેલી આ સંવેદનશીલ માહિતીમાં ગ્રાહકોના નામ, મોબાઈલ નંબર, ઈમેઈલ એડ્રેસ, જન્મ તારીખ અને તેમના ઘરના સરનામા જેવી અત્યંત અંગત માહિતી સામેલ છે. SBIએ જણાવ્યું કે તેને આ શંકાસ્પદ ડેટા લીક વિશે સૌથી પહેલા ૧૬ ઓક્ટોબરે એલર્ટ મળ્યું હતું. આ એલર્ટ બેંકને ઘણી એજન્સીઓ દ્વારા મળ્યું હતું. જેમાં તેની થ્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસ પ્રોવાઈડર એજન્સી, દેશની સુરક્ષા સાથે જોડાયેલી “ડિફેન્સ સાયબર એજન્સી’ અને ઈન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) સામેલ છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ આ મામલાની ગંભીરતાને જોતાં તરત જ આંતરિક તપાસ શરૂ કરી દીધી છે. બેંક દ્વારા ડાર્ક વેબ પર મળી આવેલા લગભગ ૩.૭૫ લાખ શંકાસ્પદ રેકોર્ડ્સની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં જણાઇ આવ્યુ કે માત્ર ૩, ૮૯૭એન્ટ્રીઝ એવી હતી, જેમાં SBIના ગ્રાહકોની અસલી અને વ્યક્તિગત માહિતીઓ હાજર હતી. આ સંવેદનશીલ જાણકારીઓમાં ગ્રાહકોના જેન્ડર, તેમની બેંક બ્રાન્ચની વિગતો, કસ્ટમર ઈન્ફોર્મેશન ફાઇલ (CIF) આઈડેન્ટિફાયર્સ, લીડ IDs અને લોનની અરજીઓ સાથે જોડાયેલા જરૂરી મેટાડેટા તેમજ અન્ય સંબંધિત રેકોર્ડ્સ સામેલ છે.
બેંકે હજુ સુધી આ ડેટા લીકના મુખ્ય સ્ત્રોત કે આ ઘટના પાછળના સાચા કારણોની પુષ્ટિ કરી નથી. બેંકનું કહેવું છે કે લીક થયેલા ડેટાનું વેરિફિકેશન કરવા, તેને સંપૂર્ણપણે કન્ફર્મ કરવા અને ગ્રાહકોને થનારા સંભવિત નાણાકીય તથા સાયબર જોખમોનું આકલન કરવા માટે હજુ વધુ તપાસની જરૂરિયાત રહેશે.




