રોકાણકારોને આકર્ષવા મુંબઈ, દુબઈ અને સિંગાપોરમાં પ્રમોશનલ રોડ-શૉનું આયોજન
ભારતના એવિએશન સેક્ટરમાં માળખાકીય સુવિધાઓના વિસ્તરણ અને મોટા પાયે આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણ આકર્ષવાના હેતુથી કેન્દ્ર સરકાર એરપોર્ટ ખાનગીકરણના આગામી રાઉન્ડની તડામાર તૈયારીઓ કરી રહી છે. આ તબક્કામાં વારાણસી, અમૃતસર, રાયપુર, ભુવનેશ્વર અને તિરુચિરાપલ્લી જેવા વ્યૂહાત્મક અને મહત્ત્વના ૧૧ એરપોર્ટ્સનું સંચાલન ખાનગી હાથોમાં સોંપવાનું આયોજન છે. આ માટે બિડિંગ પ્રક્રિયા ડિસેમ્બર સુધીમાં શરૂ થઈ જશે અને નાણાકીય વર્ષ ૨૦૨૭ના અંત સુધીમાં તમામ ડીલને અંતિમ સ્વરૂપ આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. સંભવિત રોકાણકારોને આ નવી બંડલિંગ સિસ્ટમની પ્રક્રિયા સરળતાથી સમજાવવા અને તેમની પાસેથી જરૂરી ફીડબેક મેળવવા માટે સરકાર દ્વારા વૈશ્વિક કક્ષાએ પ્રમોશનલ રોડ-શો યોજવામાં આવશે. આ રોડ-શો દેશની આર્થિક રાજધાની મુંબઈ ઉપરાંત દુબઈ અને સિંગાપોર જેવા અગ્રણી આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સિયલ હબ્સમાં યોજવાની યોજના છે, જેથી વૈશ્વિક ફંડ્સ અને રોકાણકારોની મહત્તમ ભાગીદારી સુનિશ્ચિત કરી શકાય.
- Advertisement -
પ્રથમ વખત પાંચ ગ્રૂપનું ‘બંડલ મોડેલ’ અમલી બનશે
એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (અઅઈં) દ્વારા અગાઉની જેમ વ્યક્તિગત સંપત્તિ તરીકે એક-એક એરપોર્ટ ઓફર કરવાને બદલે પ્રથમ વખત એરપોર્ટનું પાંચ અલગ-અલગ ક્લસ્ટરમાં બંડલિંગ કરવામાં આવી રહ્યું છે. આ વ્યવસ્થા હેઠળ ૫૦ વર્ષના લીઝ એગ્રીમેન્ટ પર નાના અને પ્રાદેશિક એરપોર્ટને મોટા અને નફાકારક એરપોર્ટ સાથે જોડીને બિડિંગ માટે મૂકવામાં આવશે. આ વ્યવસ્થા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે ખાનગી ઓપરેટર્સ માત્ર મોટા શહેરોના નફાકારક એરપોર્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે દેશના નાના અને તીર્થસ્થળો સાથે જોડાયેલા પ્રાદેશિક હવાઈ મથકોના વિકાસ તેમજ સંચાલનની સંપૂર્ણ જવાબદારી પણ સમાન નિષ્ઠાથી ઉઠાવે.
વારાણસી એરપોર્ટ સાથે ગયા અને કુશીનગર એરપોર્ટ જોડવામાં આવશે.
અમૃતસર એરપોર્ટ સાથે કાંગડા એરપોર્ટ ક્લબ થશે.
ભુવનેશ્વર એરપોર્ટ સાથે હુબલી એરપોર્ટનું બંડલિંગ કરાશે.
રાયપુર એરપોર્ટ સાથે ઔરંગાબાદ એરપોર્ટ સામેલ રહેશે.
તિરુચિરાપલ્લી એરપોર્ટ સાથે તિરુપતિ એરપોર્ટની જોડી બનાવવામાં આવી છે.
ઈજારાશાહી તોડવા બિડિંગ પર કેપ લદાશે
વિમાનન ક્ષેત્રમાં સત્તા અને સંપત્તિ માત્ર ગણ્યાગાંઠ્યા જૂથોના હાથમાં કેન્દ્રિત ન થાય તે બાબતને ધ્યાનમાં રાખીને સરકારે બિડિંગ નિયમોમાં મહત્ત્વનો સુધારો કર્યો છે. માર્કેટમાં એકતરફી વર્ચસ્વ અટકાવવા અને કોઈપણ કંપનીની મોનોપોલી ન સર્જાય તે માટે એક જ બિડર કે કંપની મહત્તમ કેટલા એરપોર્ટ અથવા બંડલ માટે બોલી લગાવી શકશે તેની કડક મર્યાદા નિર્ધારિત કરવામાં આવશે. હાલમાં અદાણી ગ્રૂપ દેશનું સૌથી મોટું ખાનગી એરપોર્ટ ઓપરેટર છે અને જીએમઆર ગ્રૂપ પાસે દિલ્હી તેમજ હૈદરાબાદ જેવા મોટા હવાઈ મથકો છે, ત્યારે સરકારની આ નવી શરતથી સેક્ટરમાં સ્વસ્થ સ્પર્ધા જળવાઈ રહેશે.
આંતરરાષ્ટ્રીય સોવરિન ફંડ્સ અને ભારતીય કોર્પોરેટ્સનો રસ
સરકારને આશા છે કે વર્તમાન એરપોર્ટ ઓપરેટર્સ અદાણી ગ્રૂપ અને જીએમઆર ગ્રૂપ ઉપરાંત નવા રોકાણકારોનું મોટું જૂથ પણ આ રેસમાં ઝંપલાવશે. આ પ્રક્રિયામાં પશ્ચિમ એશિયાના જાણીતા સોવરિન વેલ્થ ફંડ્સ અને ભારતીય ઉદ્યોગ જગતના અગ્રણી જૂથ જેએસડબલ્યુ (JSW) જેવા કોર્પોરેટ ગૃહો પણ એરપોર્ટ એક્વિઝિશનમાં ઊંડો રસ દાખવી રહ્યા છે.




