કેસોમાં અમદાવાદમાં 50% સુધીનો ઉછાળો : જાસુસીમાં ફિયાન્સી પર વોચ રાખવાનું પ્રમાણ સૌથી વધુ, રૂ. 60 હજાર સુધીના પેકેજ !
કોઇન સાઇઝ ટ્રેકર અને પાવર બૅંક કેમેરા જેવા ગેજેટ્સની માગ
- Advertisement -
સંતાનો નશાખોરી કે ખોટી સંગતમાં ન પડે તે માટે વાલીઓ પણ સતર્ક બન્યા
ગુજરાતના સૌથી લોકપ્રિય અને ઊર્જાસભર પર્વ નવરાત્રી ટાણે ગરબાની રમઝટની સાથે સાથે ખાનગી ડિટેક્ટિવ્સ એટલે કે જાસૂસોની ડિમાન્ડમાં અસાધારણ ઉછાળો જોવા મળ્યો છે. ટેકનોલોજીના આજના આધુનિક યુગમાં ડિટેક્ટિવ એજન્સીઓ માત્ર ગ્રાઉન્ડ પર રૂબરૂ નજર રાખવા પૂરતી સીમિત રહી નથી, પરંતુ સાથોસાથ અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો પણ બહોળો ઉપયોગ કરી રહી છે. નવરાત્રી દરમિયાન યુવક-યુવતીઓ મોડી રાત સુધી ઘરની બહાર રહેતા હોવાના કારણે શંકાશીલ પાર્ટનર્સ તેમજ સંતાનોની ચિંતા કરતા માતા-પિતા શંકાના સમાધાન માટે જાસૂસીનો સહારો લઈ રહ્યા છે.
આજના આ ટ્રેન્ડમાં કોઈન સાઇઝ લોકેશન ટ્રેકર, પાવર બેંક કેમેરા અને મેગ્નેટિક ઓડિયો ટ્રેકર જેવા અતિસૂક્ષ્મ અને હાઇટેક સાધનોની માગ સૌથી વધુ રહે છે. સુરતની જાણીતી ડિટેક્ટિવ એજન્સીઓ નવરાત્રી પર્વ માટે દૈનિક રૂ. ૭,૦૦૦ થી લઈને રૂ. ૬૦,૦૦૦ સુધીના સ્પેશિયલ નવરાત્રી પેકેજ ગ્રાહકોને ઓફર કરી રહી છે. સુરત અને ગોવામાં ‘સેવન્થ સેન્સ ગ્રુપ’ નામની એજન્સી ચલાવતા પ્રકાશ પ્રજાપતિના જણાવ્યા અનુસાર, મોટાભાગના લોકો પોતાના પાર્ટનરનું અન્ય કોઈ જગ્યાએ અફેર તો નથી ને તેની ખરાઈ કરવા માટે એજન્સીનો સંપર્ક સાધે છે. આ ઉપરાંત પેરેન્ટ્સ પણ પોતાના દીકરા કે દીકરી મોડી રાત સુધી કોની સંગતમાં ફરે છે, કોઈ નશા કે ડ્રગ્સ-દારૂના રવાડે તો નથી ચડયા ને તે સુનિશ્ચિત કરવા માટે પ્રોફેશનલ જાસૂસોની સેવા લઈ રહ્યા છે. બીજી તરફ, અમદાવાદ શહેરમાં આ વર્ષે ડિટેક્ટિવ એજન્સીઓ પાસે પહોંચતા કેસોમાં સીધો ૫૦ ટકા જેટલો વધારો નોંધાયો છે. જેમાં સૌથી મોટો હિસ્સો સગાઈ થઈ ગઈ હોય તેવા ફિયાન્સી પર વોચ રાખવાના કેસોનો છે. લગ્નજીવન શરૂ થાય તે પહેલાં જ ભાવિ જીવનસાથીના ચારિત્ર્ય અને દૈનિક ગતિવિધિઓ અંગે ખાતરી કરવા માટે પરિવારો સતર્ક બન્યા છે.




