196 કી.મી.ના હાઈવે માટે 2125.55 કરોડના પ્રોજેકટને મંજુરી
અમરેલી બાયપાસ, જસદણ – આટકોટ – બાબરા સેકશન તથા ચોટીલા શહેરના માર્ગોને ‘પેવ્ડ શોલ્ડર્સ’ વાળા ફોરલેનમાં અપગ્રેડ કરાશેઃ નીતિન ગડકરીની જાહેરાત
- Advertisement -
કેન્દ્ર સરકારે સૌરાષ્ટ્રના વધુ એક મહત્વાકાંક્ષી માર્ગ પ્રોજેકટને મંજુરી આપી છે. નાગેશ્રી- અમરેલી-ચોટીલા સેકશનના ૧૯૬ કી.મી.ના માર્ગને પહોળો કરીને કાયાકલ્પ કરવાના આ પ્રોજેકટ માટે ૨૧૨૫.૨૫ કરોડ મંજુર કરવામાં આવ્યા છે. નાગેશ્રી હેઠળ આવતા જાફરાબાદ, ખાંભા, ચલાલા, અમરેલી, બાબરા, જસદણ, આટકોટ થઈને ચોટીલા સુધીના આ માર્ગનો કાયાકલ્પ થશે. સૌરાષ્ટ્રની લાઈફલાઈન ગણાતા આ પ્રોજેકટથી સુરત અને ત્યાંથી પુના સુધીની કનેકટીવીટી બનશે અને મુસાફરીનો સમય એકથી બે કલાક જેટલો બચશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતાં જણાવ્યું કે નેશનલ હાઇવે-351Gના નાગેશ્રી-અમરેલી-ચોટીલા સેક્શનના અપગ્રેડેશન માટે ૨,૧૨૫.૫૫ કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. આ સમગ્ર હાઇવે સેક્શનની લંબાઈ લગભગ ૧૯૬ કિલોમીટર છે અને પ્રોજેક્ટને હાઇબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ વિકસાવવામાં આવશે. પ્રોજેક્ટ હેઠળ NH-351Gના મુખ્ય નાગેશ્રી-અમરેલી-ચોટીલા માર્ગને બંને બાજુ પાકા સાઈડ પટ્ટા સાથેની બે લેન રોડમાં અપગ્રેડ કરવામાં આવશે. આ ઉપરાંત અમરેલી બાયપાસ, જસદણ-આટકોટ-બાબરા સેક્શન અને ચોટીલા શહેરમાંથી પસાર થતા માર્ગને પેવ્ડ શોલ્ડર્સ સાથેની ૪ લેન રોડમાં વિકસાવવાની યોજના છે. આ અપગ્રેડેશનથી હાઇવે પર વધતા ટ્રાફિકને વધુ સારી રીતે સંભાળી શકાશે અને મુસાફરોને વધુ સુરક્ષિત તથા ઝડપી મુસાફરીની સુવિધા મળી શકે છે.
હાલના માર્ગ પર અનેક સ્થળોએ ટ્રાફિક જામ અને માર્ગ અકસ્માતો ની સમસ્યા જોવા મળે છે. નવા પ્રોજેક્ટનો મુખ્ય હેતુ આ મહત્વપૂર્ણ હાઇવે કોરિડોરની ક્ષમતા, માર્ગ સુરક્ષા અને ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવાનો છે. રોડ પહોળો થવાથી વાહનોની અવરજવર સરળ બનશે, ખાસ કરીને વ્યસ્ત વિસ્તારોમાં ટ્રાફિકનું દબાણ ઓછું થવાની અપેક્ષા છે. અમરેલી બાયપાસ અને અન્ય મહત્વપૂર્ણ શહેર વિસ્તારોમાં ૪ લેન રસ્તાના નિર્માણથી લાંબા અંતરની મુસાફરી વધુ સરળ બની શકે છે. આ હાઇવે કોરિડોરના વિકાસથી સૌરાષ્ટ્રના ૩ મહત્વપૂર્ણ જિલ્લાઓ અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગર વચ્ચેનું રોડ નેટવર્ક વધુ મજબૂત બનશે. પરિણામે મુસાફરો ઉપરાંત માલસામાનની હેરફેર પણ વધુ ઝડપી અને સરળ બનવાની શક્યતા છે. આ પ્રોજેક્ટથી સ્થાનિક વેપાર, ઉદ્યોગ અને કૃષિ ઉત્પાદનોના પરિવહનને પણ ફાયદો મળી શકે છે. સૌરાષ્ટ્રના વિવિધ શહેરો અને બજારો વચ્ચે મુસાફરીનો સમય ઘટવાની સાથે પ્રદેશની આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળવાની અપેક્ષા છે. ૨,૧૨૫.૫૫ કરોડના આ NH-351G પ્રોજેક્ટને મંજૂરી મળતાં નાગેશ્રીથી અમરેલી અને ચોટીલા સુધીના મહત્વપૂર્ણ માર્ગને આધુનિક બનાવવાની દિશામાં મોટું પગલું ભરાયું છે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ સૌરાષ્ટ્રમાં સુરક્ષિત, ઝડપી અને વધુ અસરકારક રોડ કનેક્ટિવિટી ઊભી થવાની આશા છે. અમરેલી, સુરેન્દ્રનગર તથા રાજકોટ જીલ્લાને આવરી લેતા ૧૯૬ કીમીના હાઈવેના કાયાકલ્પ તથા તેને પહોળો કરવાના પ્રોજેકટથી છેક મહારાષ્ટ્રના પુના સુધીની હાઈવે કનેક્ટિવિટીમાં મોટો લાભથશે. જાફરાબાદથી ચોટીલા પ્રોજેકટ સીધો નેશનલ હાઈવે ૪૭ સાથે કનેક્ટ થશે ત્યાંથી અમદાવાદ-વડોદરા એકસપ્રેસવે તથા મુંબઈ-અમદાવાદ હાઈવે મારફત સુરત પહોંચી શકાશે. સૌરાષ્ટ્ર-ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચેની કનેક્ટિવિટી વધશે.
ત્રણ જિલ્લાનાં ક્યા શહેરોને લાભ થશે?
કેન્દ્ર સરકારે અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગર જીલ્લાના શહેરોને સાંકળતા મહત્વાકાંક્ષી હાઈવે પ્રોજેકટને મંજુરી આપી છે તેમાં અમરેલી જીલ્લાના જાફરાબાદ, ચલાણા, અમરેલી શહેર, બાબરા, રાજકોટ જીલ્લાના જસદણ તથા આટકોટ અને સુરેન્દ્રનગર જીલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલાને આવરી લેવામાં આવશે. આ શહેરોના માર્ગોની કનેક્ટિવિટી વધશે.




