રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
સાયબર ક્રાઇમ પોલીસે અમદાવાદ-ભાવનગરની બેલડી પાસેથી 1.20 લાખનો મુદામાલ કબ્જે કર્યો
- Advertisement -
આરોપીઓએ છ ટકા કમીશન માટે બેન્ક ખાતા ભાડે આપ્યા હતા : રિકવરીના નામે શૂન્ય
રાજકોટના જાગનાથ પ્લોટમાં રહેતા અને સરકારી હોસ્પીટલના નિવૃત મહિલા તબીબને મની લોન્ડીંગના ગુનામાં ધરપકડ કરવાની ધમકી આપી ડિજિટલ એરેસ્ટ કરી સાયબર માફિયાઓ દ્વારા 58.50 લાખ પડાવી લીધાની ફરીયાદમાં સાયબર ક્રાઈમ પોલીસે અમદાવાદ અને ભાવનગરના બે શખસોની ધરપકડ કરી તેની પુછતાછ કરતા છ ટકા કમીશન માટે બેંક ખાતા ભાડે આપ્યાનું રટણ કરતા પોલીસે સાળા-બનેવી બન્નેની ધરપકડ કરી મોબાઈલ અને લેપટોપ સહીત 1.20 લાખનો મુદામાલ કબજે કરી વિશેષ તપાસ હાથ ધરી છે. રાજકોટના જાગનાથ પ્લોટમાં રહેતા નિવૃત મહિલા તબીબ દમયંતીબેનએ ફોન કરનાર અને કોટક બેંકના ખાતા ધારકના નંબરો સામે ફરિયાદ નોંધાવી હતી ફરીયાદમાં જણાવ્યું હતુ કે તા.૨૧-૯ના રોજ સવારે અજાણ્યા નંબર ઉપરથી વોટ્સએપમાં ફોન કરી તે મુંબઈ પોલીસ મથકમાંથી પીઆઈ સંજયસિંહ હિન્દીમાં બોલતો હોય અને મની લોન્ડીંગ સાથે સંકળાયેલા મુંબઈના ઈન્ડીયા કો-ઓપરેટીવ બેન્કના મેનેજર હિતેશના ઘરે દરોડામાં તમારા આધાર કાર્ડ અને બેંકના એટીએમ કાર્ડ મળેલ હોય જે મની લેન્ડીંગમાં તમારૂ નામ ખુલ્યુ હોવાની અને તમારી ધરપકડ કરવાની વાત કરી હતી. બાદમા તેને ડિજિટલ એરેસ્ટ કરી તેની પાસેથી કટકે કટકે 58.50 લાખ ટ્રાન્સફર કરાવ્યાની ફરીયાદ કરી હતી દરમ્યાન રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઇ એસ ડી ફૂલતરીયા, પી આર ડોબરીયા, એમ ડી ગઢવી સહિતની ટીમે બાતમી આધારે અમદાવાદમાંથી ધોલેરાના ભાણગઢ ગામનો દર્શન રમેશ મકવાણા અને ભાવનગર રહેતો અને મુળ બોટાદનો શુભમ દિલીપ પરમારને ઝડપી લઈ તેની પુછતાછ કરતા તેને બેન્ક ખાતા છ ટકા કમીશન માટે ભાડે આપ્યા હોવાનુ જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
રાજકોટમાં 3.51 લાખનો કોપર સ્ક્રેપ ચોરી કરનાર સગીર સહીત સાત ઝડપાયા : તાલુકા પોલીસે ચોરીમાં ગયેલ સ્ક્રેપ, વાહન સહીત 6.06 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
- Advertisement -
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પાસે યુટીલિટી વાનમાંથી રૂ.3.51 લાખની કિંમતનો 260 કિલો કોપર સ્ક્રેપની થયેલ ચોરીના બનાવમાં તાલુકા પોલીસે સગીર સહિત સાત શખસોની ટોળકીને ઝડપી લીધી હતી. પોલીસે આ ટોળકી પાસેથી કોપર સ્ક્રેપ, વાહન સહિત રૂ.6.06 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર ઉમિયા ચોક નજીક હિમાલય સોસાયટીમાં રહેતા ટ્રાન્સપોર્ટર નીકુલભાઇ ખોડાભાઇ જેઠાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.22 રાત્રીના આશરે સવા નવ વાગ્યે ફરિયાદીનો ડ્રાઇવર અસલમ બડા દોસ્ત ગાડી જેમાં કોપર સ્ક્રેપ ભર્યો હોય તે ઘર પાસે ગાડી પાર્ક કરી ગયો હતો.બાદમાં તા. 23/09/2026 ના સવારના કોપર સ્ક્રેપ ભરેલી ગાડી જોવા જતાં બડા દોસ્ત ગાડીમાં ભરેલ 260 કિલો કોપર સ્ક્રેપનો માલ મળી આવેલ નહિ. જેથી રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો રૂ. 3.51 લાખની કિંમતનો 260 કિલો કોપર સ્ક્રેપ ચોરી જતાં ટ્રાન્સપોર્ટરે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ચોરીની આ ઘટનાને લઇ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ગુનાનો ભેદ ઉકેલવાની આપેલ સૂચનાથી તાલુકા પોલીસ મથકના પીઆઇ એસ.આર.મેઘાણીની રાહબરીમાં પીએસાઇ બી.આર.ભરવાડ તથા ટીમ તપાસમાં લાગી હતી. દરમિયાન જયપાલસિંહ સરવૈયા, બળભદ્રસિંહ જાડેજા, મુકેશભાઇ ડાંગર, કરણભાઇ જાદવને બાતમી મળી હતી કે, શંકાસ્પદ શખસો કોપર સ્ક્રેપ સાથે પરસાણા ચોક કણકોટ રોડ વૃપી વર્લ્ડ હોટલની સામે આવેલા મેદાનમાં એક રીક્ષા અને ત્રણ વાહન સાથે ઉભા છે. જેથી ટીમ તાકીદે દોડી જઈ અને સ્ક્રેપ સાથે સગીર સહિત સાત શખસો બાપુનગર ક્વાટરના અફઝલ નાસીર શેખ, અશરફ ઉર્ફે ભુરો નાસીર શેખ, દેવપરાના શકીલ સતાર સપ્પા, આજી જીઆઈડીસીના હમજા રફીક સૈયદ, જંગલેશ્વરના અનસ મન્નાખાન શેખ, ભવાની ચોકના કરણ અરવિંદ હુંબલ અને સગીરને ઝડપી લીધા છે પોલીસે આ ટોળકી પાસેથી ચોરીમાં ગયેલ 3.51 લાખનો કોપર સ્ક્રેપ, રીક્ષા, ત્રણ મોપેડ સહિત 6.06 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં તમામ આરોપી મિત્ર હોય અને સ્ક્રેપ ભરેલી ગાડી રેઢી જોતા ચોરી કરી હતી ચોરીનો માલ વેચે તે પૂર્વે પોલીસે ઝડપી લીધા હતાં અફઝલ સામે દારૂ, અશરફ સામે મારામારી, હમજા સામે આર્મ્સ એકટ, જુગાર અને મારામારીના ગુના નોંધાઇ ચૂકયા છે.
રેસકોર્ષ રિંગ રોડ પર બાઈક પર જીવલેણ સ્ટન્ટ કરતા બે નબીરા સામે ગુનો : પ્રનગર પોલીસે વાયરલ વિડીયો આધારે બંનેને સકંજામાં લઇ તપાસ હાથ ધરી
રાજકોટના રેસકોર્ષ રિંગ રોડ ઉપર બહુમાળી ભવન ચોકમાં રેસકોર્સ રીંગ રોડ પર બે નબીરાએ બાઈક પર સ્ટંટ કરી અન્ય લોકોના જીવ જોખમમાં મુકયા હોવાનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા પ્ર.નગર પોલીસ હરકતમાં આવી હતી.નંબર પ્લેટ આધારે બન્ને સ્ટંટ બાજોને શોધી લઈ તેની સામે ગુનો નોંધ્યો હતો. પ્ર.નગર પોલીસમાં ફરજ બજાવતા જમાદાર પ્રતાપભાઈ વદરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સોશ્યલ મીડિયામાં એક વાયરલ વિડિયો જોવા મળ્યો હતો.જેમાં એક બાઈકમાં બે નબીરાઓ રેસકોર્ષ રીંગ રોડ પર બહુમાળી ભવન ચોક પાસે ચાલુ બાઈકમાં જોખમી સ્ટંટ કરતા હતા.વીડીયોમાં રહેલ બાઈક નં જીજે ૦૩ CH ૭૪૫૩ જોવા મળેલ હતા જેથી વાહન નંબરના આધારે તપાસ હાથ ધરતા સ્ટંટ કરતી વેળાએ વાહન ચલાવતા આદીલ સકીલ અહેમદ ઈદ્રીસી તથા પાછળ બેસેલા મુસપ્યદ મુશાહીદ હુશેન રઝા હોવાનું જાણવા મળ્યું હતું.જેથી બન્નેને પોલીસ મથકે લાવી પૂછતાછ કરતા ગત.તા.૨૯ના બહુમાળી ભવન ચોક નજીક સ્ટંટ કર્યાની કબુલાત આપતા બન્ને સામે ગુનો નોંધ્યો હતો.
રાજકોટમાં વેપારીનો મોબાઈલ હેક કરી ખાતામાંથી 2 લાખ ઉપાડી લીધા : અજાણી ફાઈલ મોકલી એક્સેસ મેળવી કામ પાર પાડ્યું : ભક્તિનગરમાં ગુનો
રાજકોટના હરિ ધવા રોડ પરના સુભાષનગરમાં રહેતાં અને ગોંડલ ચોકડી નજીક રિલેક્ષ પંપ ઇન્ડસ્ટ્રીઝ નામે સબમર્સિબલ પંપનું કામ કરતાં સંજયભાઈ ડાભીને ગઠીયાઓએ અજાણી ફાઈલ મોકલી તેનો મોબાઈલ ફોન હેક કરી એક એપીકે ફાઈલ મારફત મોબાઈલ ફોન સ્ક્રીન મીરર કરી તેનું એકસેસ મેળવી લઈ તેના ખાતામાંથી 2.21 લાખ ઉપાડી લીધા હતા. ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં સંજયભાઈએ જણાવ્યું છે કે ગઈ તા.23ના રોજ ઈન્ડસઈન બેન્કમાંથી તેના ખાતામાંથી 99 હજાર ઉપડી ગયાનો મેસેજ આવતાં બેન્કની એપમાં બેલેન્સ ચેક કરવા જતાં મોબાઈલ ફોન હેક થઈ ગયાનું જણાયું હતું. સ્ક્રીન ઉપર એરર દેખાઈ હતી. બેન્કની એપ ઓપન થઈ ન હતી. તત્કાળ સગા નાનાભાઈ વિજયની દુકાને જઈ બેન્કની એપ ડિલીટ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સફળતા મળી ન હતી.તે સાથે જ મોબાઈલ ફોન રિસ્ટાર્ટ કરતાં બેન્કમાંથી ચાર ટ્રાન્ઝેકશન દ્વારા 2 લાખ ઉપડી ગયાની માહિતી મળી હતી. સાયબર ક્રાઈમના હેલ્પલાઈન નંબર ઉપર ફરિયાદ કર્યા બાદ આજે ભક્તિનગર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જેમાં જે બેન્ક ખાતામાં સાયબર ફ્રોડની રકમ જમા થઈ હતી તેને અને અન્યોને આરોપી બનાવાયા છે.
નર્સિંગ ઓફિસરે મહિલા તબીબને “કેન આઈ ટચ યુ’ કહી કમર-ખભા પર અડપલા કર્યા હતા : મહિલા તબીબે કહ્યું “તમને આ ન શોભે’, નર્સિંગ ઓફિસરે કહ્યું ‘ઘર કી દાલ ડેઈલી કૌન ખાતા હૈ’ : રાજકોટની એઈમ્સ હોસ્પિટલના ડ્રેસિંગ રૂમમાં બનેલી ઘટના અંગે અંતે ગુનો નોંધાયો
રાજકોટ એઇમ્સ હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરતી ફિમેલ ઇન્ટર્ન ડોક્ટર સાથે નર્સિંગ સ્ટાફના કર્મચારીએ છેડતી કરી હોવાની ઘટનામાં અંતે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. મે-2026થી એઇમ્સ હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરી એમબીબીએસનો અભ્યાસ કરનાર એક મહિલા ઇન્ટર્નએ એઈમ્સ હોસ્પિટલમાં જ નર્સિંગ ઓફિસર તરીકે ફરજ બજાવનાર લલિત શર્મા સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તા.30 સપ્ટેમ્બરે સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી ઇન્ટર્નની ડ્રેસિંગ વિભાગમાં ડયુટી હતી આ દરમિયાન પેશન્ટ ન હોવાથી લલિતે રૂમનો દરવાજો આડો કરી ઇન્ટર્ન સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો અને બહાર જમવા જવાનું કહ્યું હતું. ઈન્ટર્ને મેસમાં જમવાનું હોવાનું કહી ના પાડતાં તેણે પાર્ટી આપવાની વાત કરી હતી. ઇન્ટર્ને તેને લગ્ન થઈ ગયા હોવાનું જણાવી આવી રીતે વારંવાર ફ્લર્ટ કરવાનું સારું ન લાગતું હોવાનું કહ્યું હતું. તેમ છતાં તેણે ઘર કી દાલ ડેઇલી કોન ખાતા હે કહી ફ્લર્ટ કરી માનસિક પજવણી કરી હતી. ઇન્ટર્ન ડ્રેસિંગ રૂમમાં ખુરશી પર બેઠી હતી ત્યારે લલીતે તેને ખુરશી સહિત પોતાની તરફ ખેંચી હતી. બાદમાં ઇન્ટર્ન ત્રણ ખુરશી જોડીને બનાવેલા બાકડા પર બેઠી હતી ત્યારે લલિત તેની બાજુમાં આવીને બેઅનેઆયુદ્ધ કમરના ભાગે હાથ લગાડવાનો બે-ત્રણ વખત ઇશારો કર્યો હતો. ઇન્ટર્ને આપ ઐસા નહીં કર શકતે કહી વિરોધ કર્યો હતો. તેમ છતાં ફરિયાદ મુજબ લલીતે અચાનક તેની કમરમાં હાથ નાખી પકડી લીધી હતી અને બાદમાં ખભા પર હાથ મૂક્યો હતો. અગાઉ પણ નર્સિંગ ઓફિસરે છેડતી કર્યાનો આક્ષેપ કરાયો છે.
શાપરમાં કારખાનામાં અકસ્માતે વીજ શોક લાગતાં બેના મોત : શેડનો દરવાજો ફિટ કરવાની કામગીરી ચાલતી હતી ત્યારનો બનાવ
રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ પંથકમાં એક હૃદયદ્રાવક અકસ્માતમાં કારખાનામાં કામ કરતા બે યુવાનના વીજશોકથી મોત નીપજ્યાં. શાપરથી શંકડા સાઈડ પર આવેલા ન્યારા પેટ્રોલ પંપ અને શંકડા પાણીના ટાંકા વચ્ચેના કાચા રોડ ૫ર એક બાંધકામ હેઠળના કારખાનામાં શેડનો ગેટ ફિટ કરવાની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન ઉપરથી પસાર થતી વીજલાઇનના સંપર્કમાં ગેટ આવતાં બન્નેને વીજ કરંટ લાગ્યો હતો કામગીરી કરી રહેલા બે યુવાન ગંભીર રીતે દાઝી ગયા. સ્થળ પર જ તેમનાપ્રાણ નીકળી ગયા. મૃત્યુ પામનાર યુવાનોમાં એક હિરેનભાઈ અરવિંદભાઈ રાઠોડ હોવાનું જાણવા મળ્યું છે. બીજો મૃતક દિપેશભાઈ હરીભાઈ હોવાનું સામે આવ્યું છે. હિરેનભાઈ માતાના એકના એક પુત્ર હોવાનું પણ સામે આવ્યું છે. બન્ને યુવાનોના પરિવારને અકસ્માતની જાણ થતાં અત્યંત કરુણ દ્રશ્યો સર્જાયા. બન્ને યુવાનોના પરિવારજનો શોકાતુર બન્યા. ઘટનાની જાણ થતાં જ શાપર-વેરાવળ પોલીસ મથકનો કાફલો સ્થળ પર પહોંચ્યો. બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શાપર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથધરી છે. દરમિયાન કારખાનામાં વીજલાઇનના સંપર્કમાં ગેટ કેવી રીતે આવ્યો તે અંગે પણ તપાસ ચાલી રહી છે. કારખાનામાં સલામતીના કયા-કયા પગલાં લેવાયા હતા તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે.
સાયકલ કારમાં અથડાતા નુકશાન થયાનું કહી મહિલાને ગાળો ભાંડી વાળ ખેંચી, ફડાકા ઝીકી દીધા : કારનો ખર્ચ નહીં આપો તો જાનથી મારી નાખીશ, અહીં રહેવા નહીં દઉં કહી ધમકી આપી
રાજકોટના વાવડી વિસ્તારમાં આવેલી મનસુખભાઈ છાપીયા ટાઉનશીપમાં બાળકો વચ્ચે સાયકલ અથડાવા જેવી નજીવી બાબતે મોટો ઝઘડો થયો હતો. પાર્ક કરાયેલી કાર સાથે સાયકલ અથડાતાં ઉશ્કેરાયેલા પાડોશી અને તેના મિત્રોએ એક મહિલા પર હુમલો કરી, ગાળો ભાંડી માર મારી ધમકી દીધી હતી. વાવડી ખાતે મનસુખભાઈ છાપીયા ટાઉનશીપમાં રહેતા પ્રજાવતીબેન રાજેશભાઈ ઈગોલેએ મિલન, તેના પત્નિ હીનાબેન, રમાબેન અને બે અજાણયા સામે તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 27 તારીખે બપોરે તેમનો 12 વર્ષનો દીકરો કાવ્ય નીચે સાયકલ ચલાવીને ઘરે આવ્યો હતો. ત્યાર બાદ બપોરે સામેની વિંગમાં રહેતો મિલન અને તેના બે મિત્રો સહિતના ઘરે આવ્યા હતા અને કહ્યું હતું કે કાવ્યની સાયકલ તેની પાર્ક કરાયેલી કાર સાથે અથડાઇ છે અને નુકસાન થયું છે, હવે ૫૦ હજારનો ખર્ચો આવશે. પ્રજાવતીબેન અને તેમનો પુત્ર નુકસાન જોવા નીચે ગયા ત્યારે કારના પાછળના બમ્પર પર માત્ર એક સામાન્ય લીસોટો જોવા મળ્યો હતો પ્રજાવતીબેને મિલનને રાડારાડી ન કરવા જણાવતા મિલન ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપવા લાગ્યો હતો. આ પછી તેણે પ્રજાવતિબેનને બે ફડાકા મારી દીધા હતાં અને તેના બે મિત્રોએ પાછળથી પ્રજાવતીબેનના વાળ ખેંચ્યા હતાં અને મિલનએ પાછળના ભાગે લાત મારી હતી અને કારનો ખર્ચ નહીં આપો તો જાનથી મારી નાખીશ. તેવી ધમકી આપી હતી. આ પછી મહિલા પોતાના પુત્રને લઈને ઘરે પહોંચ્યા ત્યારે મિલનના મમ્મી રમાબેનએ આવીને ગાળો દીધી હતી તેણી નીચે જતાં મિલન, તેની પત્નિ હીનાએ ફરીથી ઝઘડો કરી સામો આરોપ મુકી તે કેમ મિલનને માર્યુ? તેમ કહી ગાળો દીધી હતી આથી લોકો ભેગા થઇ જતાં બધાને છુટા પાડયા હતાં. પ્રજાવતીબેને કારખાનામાં કામ કરતા પોતાના પતિ રાજેશભાઈને ફોન કરતા તેઓ ઘરે આવ્યા હતા. ત્યાર બાદ પણ મિલન સહિતે અહીં રહેવા નહીં દઉં તેવી ધમકી આપી હતી જેથી અંતે ફરિયાદ નોંધાવી હતી.
અહીંથી ચાલવાનો રસ્તો છે, તમે દીવાલ બનાવી શકશો નહિ તેમ કહી ઝઘડો કર્યો હતો : ઢાંઢણી ગામે ખરીદેલી જમીનમાં બનાવેલી દીવાલ તોડી નાખી : ચાર શખ્સો સામે ફરિયાદ
રાજકોટના ત્રંબા નજીક ઢાંઢણી ગામે ફુવાએ ખરીદેલી જમીન ફરતે દિવાલ બનાવવા મામલે ઢાંઢણી ગામના ચાર શખ્સોએ અહિ ચાલવાનો રસ્તો છે, દિવાલ કરી શકો નહિ તેમ કહી બોલાચાલી કરી પ્રૌઢને મારી નાંખવાની ધમકી આપતાં પોલીસને જાણ કર્યા બાદ ઘરમેળે સમાધાન થઇ ગયુ હતું પરંતુ આ પછી આ લોકોએ અત્યારે ભલે દિવાલ બનાવતાં પછી પાડી દેશું તેમ કહ્યા બાદ ખરેખર દિવાલ પાડી નાંખતા અંતે ફરિયાદ નોંધાવાઇ છે. રાજકોટના નવા 150 ફુટ રીંગ રોડ પર ઓપેરા હાઇટ્સ ફલેટમાં રહેતાં અને વડાલીયા ફૂડમાં નોકરી કરતા વિજયભાઇ હીરાભાઇ કંટેસરીયા રાજકોટના ત્રંબા નજીકના ઢાંઢણી ગામે રહેતાં વિજય પોપટભાઇ કડવાણી, રાજુ બીજલભાઇ કડવાણી, મુન્નો લવાભાઇ કડવાણી અને મનસુખ પોપટભાઇ કડવાણી સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે કૌટુંબિક ફુવા નવનીતભાઈ ગોકળભાઈ વડાલીયાએ આશરે ત્રણ મહિના પહેલા ઢાંઢણી ગામ ખાતે જમીન ખરીદી હતી. ગઈ તારીખ 1ના રોજ જમીનની ફરતે દિવાલ બનાવવાનું કામ કરી રહ્યા હતાં. ત્યારે વિજયભાઈ કડવાણી, રાજુભાઈ કડવાણી, મુન્નો કડવાણી અને મનસુખ કડવાણી નામના ચાર શખ્સોએ આવીને અહીંથી ચાલવાનો રસ્તો છે, તમે દીવાલ બનાવી શકશો નહિ તેમ કહી બોલાચાલી અને ઝઘડો કર્યો હતો. તે સમયે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યા બાદ ઘરમેળે સમાધાન થતાં દિવાલનું ચણતર કામ શરુ કર્યું હતું. ત્યાર બાદ આરોપીઓએ અત્યારે ભલે દિવાલ બનાવી લેતા, પછી પાડી નાંખશું તેવી વાતો કરી હતી પોતે જ્યારે જમીન જોવા માટે ગયા ત્યારે જમીન ફરતે બનાવેલી દિવાલમાંથી આશરે 20 ફૂટ જેટલી દિવાલ તોડી પાડેલી જોવા મળી હતી. આ ચારેય શખ્સોએ ભેગા મળી દીવાલ તોડી પાડી આશરે 20થી 25 હજારનું નુકસાન કર્યું હોય જેથી ફરિયાદ નોંધાવતા પીઆઇ એચ. અને. પટેલની રાહબરીમાં હેડકોન્સ. એએચ. ગોહિલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઉપલેટાના નાગવદર ગામે વેણુ નદીમાંથી ખનીજની ચોરી કરતા 6 ઝડપાયા : 1 જેસીબી, 1 લોડર, 2 ટ્રેકટર મળી કુલ 35 લાખનો મુદ્દામાલ કબ્જે કરતી રાજકોટ રેન્જની ટીમ
રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદે પ્રવૃતિ આચરનારા ઇસમો ઉપર અંકુશ લાવવા તથા સરકારની સંપતીને તેમજ કુદરતી સંપતીને નુકશાન કરતા ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા આપેલી સૂચના અન્વયે રાજકોટ રેન્જના પીઆઇ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા, એ.વાય.ઉધાસ તથા સ્ટાફ દ્વારા જરૂરી વર્કઆઉટ તથા હ્યુમન સોર્સનો ઉપયોગ કરી રહ્યા હતા. દરમ્યાન સ્ટાફને મળેલ ચોકકસ બાતમી આધારે કુલદિપસિંહ ચુડાસમા, રવીરાજસિંહ વાળા, દિવ્યેશભાઇ સુવા, નિકુલભાઇ પંપાણીયાએ રાજકોટ જિલ્લાના ઉપલેટા વિસ્તારના નાગવદર ગામ ગધેથડ રોડ વેણુ નદીમાંથી ગેરકાયદેસર ખનીજની ચોરી કરતા કસુરદારોને 4 વાહનો સાથે પકડી લીધા છે પોલીસે જામજોધપુરના જેસીબી ડ્રાઈવર સાગરભાઈ દાસાભાઈ ખાંભલા, ઉપલેટાના નાગવદરના જેસીબી માલિક હિતેશ કારાભાઈ ભીંટ, નાગવદરના ટ્રેકટર ડ્રાઈવર રણછોડભાઈ દેવાભાઈ ભીંટ, નાગવદરના લોડર ડ્રાઈવર દર્શનભાઈ કનુભાઈ મકવાણા, નાગવદરના લોડર માલિક મયુરભાઈ ગોવાભાઈ ભીંટ અને નાગવદરના આઈસર ટ્રેક્ટર ડ્રાઈવર રાણાભાઈ મસરીભાઈ ભીંટને સકંજામાં લઇ તેમની પાસેથી 1 જેસીબી, 1 લોડર તથા 2 ટ્રેકટર સહીત કુલ 35 લાખનો મુદ્દામાલ સીઝ કરી ઉપલેટા પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવી ખાણખનીજના અધિકારીઓને જાણ કરી આગળની કાયદેસરના દંડની કાર્યવાહી કરવા સારુ કસુરદારોને તથા મુદ્દામાલને સોંપી દીધા છે.
જંગલેશ્વરમાં સામું જોવા બાબતે થયેલી તકરારનો ખાર રાખી મોડી રાત્રે પ્રૌઢની પાઇપના ઘા ઝીકી હત્યા : હત્યાને અંજામ આપનાર શખ્સો મુર્ગા ગેંગના સાગરીત હોવાનો આક્ષેપ : ત્રણ શખ્સો સામે નોંધાતો ગુનો
રાજકોટમાં વધુ એક હત્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે જુના ગણેશનગરમાં રહેતાં રિક્ષાચાલક યુવાનને જંગલેશ્વર મેઇન રોડ પર ત્રણ શખ્સોએ સામુ જોવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી લોખંડના પાઇપના આડેધડ ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી ગઇ છે મુળ જુનાગઢના રિક્ષાચાલક ઇકબાલભાઇ જુનાગઢી તરીકે ઓળખાતા હતાં. હત્યા કરી ભાગી ગયેલા શખ્સો મુરગા ગેંગના સાગ્રીતો હોવાનો તેમના દિકરાએ આક્ષેપ કર્યો છે ભક્તિનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે ક્રાઇમ બ્રાંચ, એલસીબી ઝોન-૧ ટીમ પણ તપાસમાં સામેલ થઇ છે. રાજકોટની ગોંડલ ચોકડી પાસે આવેલ જુના ગણેશનગરમાં રહેતાં રિક્ષાચાલક ઇકબાલભાઇ ઉર્ફે જુનાગઢી ઇબ્રાહીમભાઇ લોધી-પઠાણ ઉ.56 રાત્રે એકાદ વાગ્યે જંગલેશ્વર મેઇન રોડ પર ખ્વાજા એપાર્ટમેન્ટ નીચે હતાં ત્યારે તેમના પર દાનીશ સહિતના શખ્સોએ પાઇપથી હુમલો કરતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં ભક્તિનગર પીઆઇ જે. ડી. પરમાર, રાઇટર એએસઆઇ નિલષેભાઇ મકવાણા સહિતની ટિમ હોસ્પિટલે અને ઘટના સ્થળે દોડી ગઈ હતી પોલીસે મૃતક ઇકબાલભાઇના દિકરા ન્યુ સાગર સોસાયટીમાં રહેતા સોહિલભાઇ ઇકબાલભાઇ લોધીની ફરિયાદ પરથી જંગલેશ્વરમાં જ રહેતાં દાનીશ અમીનભાઇ, સુફીયાન હનીફભાઇ આરબ અને રીયાઝ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવ્યું છે કે હું રીક્ષા ડ્રાઇવિંગ કરુ છું અમેં ચાર ભાઈઓ છીએ મારા પિતા ઇકબાલભાઈનું હુલામણું નામ જૂનાગઢી છે. અમે મુળ જૂનાગઢના વતની હોવાથી આ નામ પડયું હતું. મારા પિતા રીક્ષા ડ્રાઇવિંગ કરે છે મારા માતા જીન્નતબેનની તબિયત બરાબર ન હાઇ જેથી તેઓ ઊના ઊંઝા દાતાર બાપુની જગ્યાએ રહે છે. શુક્રવારે રાત્રિના હું મારા ઘરે હતો ત્યારે પિતા ઇકબાલભાઈનો મને ફોન આવેલ અને મને વાત કરેલ કે જંગલેશ્વરમાં રહેતાં દાનિશ સાથે મારે ઝઘડો થયેલ છે તું તપાસ કર તો દાનીશએ કેસ કરેલ છે કે કેમ? તેમ કહીને ફોન કાપી નાંખ્યો હતો. ત્યાર બાદ ફરી મોડી રાત્રિના મિત્ર સોહીલ મહમદભાઈ વીશળનો ફોન આવ્યો હતો તેના ફોનમાંથી મારો બીજો મિત્ર સાહિલ ઉર્ફે ગુંદી કરીમભાઈ પરમાર બોલતો હતો અને તેણે મને કહ્યું કે તું જલ્દી ખ્વાજા એપાર્ટમેન્ટ પાસે આવ અહીં તારા પપ્પાને દાનીશ સાથે માથાકૂટ થયેલ છે તારા પપ્પા અહીં બેભાન થઇને પડેલા છે જેથી હું તુરંત જ ત્યાં પહોંચ્યો હતો અહીંયા ઘણા બધા માણસો ભેગા થયા હતા મારા પિતા કંઈ બોલતા નહોતા મને સાહિલ ઉર્ફે ગુંદીએ જણાવેલ કે રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં તારા પપ્પા ઇકબાલભાઈ અહીં નિસ્બત પાન ખાતે બેઠા હતાં. ત્યારે દાનિશ તથા સુફિયાન તથા રિયાઝ આવ્યા હતા અને સીધો દાનિશ ગાળો બોલવા લાગેલ અને તેના હાથમાં લોખંડનો પાઈપ હતો. તે પાઇપથી એક ઘા છાતીમાં મારી દીધેલ અને દાનિશના હાથમાંથી તે રિયાઝ અને ત્યાર બાદ સુફિયાને વારાફરતી પાઇપના ઘા તારા પપ્પાને શરીરે ખંભાના ભાગે માર મારતા તારા પિતા ત્યાં પડી ગયા હતા ત્યાર બાદ આ ત્રણેય તારા પપ્પાને પાટા તથા ઢીકા મારવા લાગ્યા હતા અને તારા પપ્પા બેભાન જેવા થઈ ગયા હતા. કાંઈ બોલતા ન હતા. આ વાત મને મારા મિત્ર સાહિલ ઉર્ફે ગુંદીએ કરી હતી. ત્યાર બાદ મારા પિતાને અમે બધા રીક્ષામાં નાખીને ઢેબર રોડ ઉપર આવેલ મધુરમ હોસ્પિટલ લઈ ગયા હતાં. ત્યાં ડોક્ટરે ચેક કરતા મારા પિતાને ધડકન ચાલતી નથી સિવિલ હોસ્પિટલે ઇમરજન્સી વોર્ડમાં લઈ જવાનું કહેતા હું મારા પિતાને સિવિલ ખાતે ઇમર્જન્સી વોર્ડમાં લાવતાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતાં.રાત્રે નવેક વાગ્યે મારા પિતા અને દાનીશ વચ્ચે સામુ જોવા બાબતે બોલાચાલી થઇ હતી. તેનો ખાર રાખી બાદમાં રાતે એકાદ વાગ્યે દાનીશ સહિતના ત્રણેયએ મારા પિતાને પાઇપના ઘા ફટકારી આડેધડ માર મારી તેની હત્યા કરી નાંખી હતી. તેમ જણાવતાં પીઆઇ જે. ડી. પરમાર, એએસઆઇ નિલેષભાઇ મકવાણાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મૃતક ઇકબાઇલભાઇ બે ભાઇ અને પાંચ બહેનમાં બીજા હતાં મૃતકના દિકરાએ આક્ષેપ કર્યો હતો કે આરોપીઓ મુરગા ગેંગના સાગ્રીતો છે અને એકાદ મહિના પહેલા જામીન પર છુટયા છે પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે બનાવને પગલે પરિવારમાં માતમ છવાઇ ગયો છે.




