શૈલેષ સગપરિયા : શૈલવાણી
એકવાર ભગવાને ગધેડા, કૂતરા, વાંદરો અને માણસને બોલાવ્યા. ચારે ભગવાન સમક્ષ હાજર થયા. ભગવાને કહ્યું, મારે તમને તમારી ફરજો સોંપવી છે અને આ ફરજો બજાવવા માટે તમને આયુષ્ય આપવું છે. સૌ પ્રથમ ભગવાને ગધેડાને કહ્યું, તું સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી થાક્યા વગર તારી પીઠ પર બોજો ઉઠાવવાનું કામ કરશે. તને બુદ્ધિ નહીં હોય અને તું ૫૦ વર્ષ સુધી જીવશે. ગધેડો બોલ્યો, અરે પ્રભુ, આવી જિંદગી જીવવાની હોય તો ૫૦ વર્ષ કેમ નીકળે. મને માત્ર ૨૦ વર્ષનું આયુષ્ય આપો. ભગવાને તેની વિનંતી માન્ય રાખી. પછી ભગવાને કૂતરાને કહ્યું, તું મનુષ્યોના ઘરીની ચોકીદારી કરશે અને નાખેલા રોટલાના ટુકડા ખાઈને તારું જીવનનિર્વાહ કરીશ. હું તને ૩૦ વર્ષનું યુષ્ય આપું છું. કૂતરાએ કહ્યું, હે પ્રભુ ! ૩૦ વર્ષ ઓશિયાળું જીવન કેમનું જિવાશે! દયા કરો. ૧૫ વર્ષ રાખો. ભગવાને કૂતરાની વાત પણ સ્વીકારી. હવે ભગવાને વાંદરાને કહ્યું, તું ક્યાંય સ્થિર નહીં બેસી શકે. એક ડાળીથી બીજી ડાળી પર જુદાં જુદાં કરતબ કરતો કૂદાકૂદ કરશે અને અને લોકોને મનોરંજન પૂરું પાડશે. તું ૨૦ વર્ષ જીવીશ. વાંદરો બોલ્યો, ૨૦ વર્ષ તો ઘણાં કહેવાય. ૧૦ વર્ષ રાખો ભગવાને મંજૂર કર્યું.
- Advertisement -
છેલ્લે ભગવાને મનુષ્યને પોતાની પાસે બોલાવ્યો. તેના માથા પર હાથ ફેરવીને કહ્યું, પૃથ્વી પર તું એક માત્ર બુદ્ધિજીવી પ્રાણી હોઈશ. તું તારી અક્કલનાં ઉપયોગ વડે બધા પ્રાણીઓનો સ્વામી બનીશ. તું કુદરતની સામે બાથ ભીડવા પણ સક્ષમ બનીશ, અને તું ૨૦ વર્ષ જીવીશ. માણસ બોલ્યો, પ્રભુ, આપે મને આટલી બધી શક્તિઓ આપી છે તો ૨૦ વર્ષનું આયુષ્ય ઘણું ઓછું કહેવાય. મને ગધેડાએ નકારેલા ૩૦ વર્ષ, કૂતરાએ નકારેલા ૧૫ વર્ષ અને વાંદરાએ નકારેલા ૧૦ વર્ષ પણ આપી દો. ભગવાને મનુષ્યની ઈચ્છા સ્વીકારી લીધી. બસ, ત્યારથી માણસ પોતે માણસ તરીકે ૨૦ વર્ષ જીવે છે. લગ્ન કરીને પછીનાં ૩0 વર્ષ ગધેડાની જેમ સતત કામ કરતો રહે છે. બાળકો મોટા થાય એટલે ૧૫ વર્ષ કૂતરા તરીકે ઘરની ચોકી કરે છે અને છોકરાઓ જે ખાવા દે તે ખાઈ લે છે. અંતે જ્યારે વૃદ્ધ થાય ત્યારે નિવૃત્ત થઈને વાંદરા તરીકે ૧૦ વર્ષ સુધી આ પુત્રના ઘરથી પેલા પુત્રના ઘેર અથવા પુત્રીને ઘેર જઈને જુદાં જુદાં ખેલ કરીને પૌત્ર-પૌત્રીઓ અને દોહિત્ર-દોહિત્રીઓને મનોરંજન પૂરું પાડે છે. મોટા ભાગના લોકો એ ક્યારેય નથી શીખી શકતા કે જીવનનો સૌથી અગત્યનો હેતુ એને માણવાનો છે.




