ડૉ. શરદ ઠાકર : મોર્નિંગ મંત્ર
મંત્રમાં અદ્ભૂત શક્તિ રહેલી હોય છે. આપણા ધર્મમાં પાંચ-સાત મંત્રો એવા છે જે પ્રાચીન કાળથી હાલના સમય સુધીમાં અબજો વાર રટાઈને સિદ્ધ થઈ ચૂક્યા છે. કેવા મોટા મોટા સંતો, ઋષિઓ, મુનિઓ, ભક્તો અને સામાન્ય જનો દ્વારા એ મંત્રના શબ્દોનું પૂનઃ પૂનઃ ઉચ્ચારણ થયું છે! કેટલાક નાસ્તિક લોકોને મંત્ર જાપ કરવો એ સમયનો બગાડ લાગે છે. એ લોકોને મંત્રમાં રહેલી શક્તિમાં પણ વિશ્વાસ નથી હોતો. શક્તિ તો કોઈ પણ શબ્દમાં સમાયેલી હોય છે. જો તમે કોઈ અજાણી વૃદ્ધાને એક અક્ષરના બનેલા શબ્દ ‘મા’ વડે બોલાવશો તો તરત જ એ વૃદ્ધા પ્રસન્ન થઈને તમને આશીર્વાદ આપવા લાગશે. જો તમે કોઈ યુવાન કે યુવતી ને બે અક્ષરના બનેલા શબ્દ ‘બેટા’ કહીને બોલાવશો તો એ તરત જ તમને આદર આપશે અને વંદન કરશે. જો તમે કોઈને ત્રણ અક્ષરનો શબ્દ ‘ગધેડો’ કહીને બોલાવશો તો એ તમારી સાથે ઝઘડવા માંડશે. જો તમે કોઈને ચાર અક્ષરની બનેલી ગાળથી સંબોધશો તો એ તરત જ તમારી સાથે મારામારી કરવા પર ઉતરી આવશે. જો આવા બે ચાર શબ્દોમાં આટલી ક્રિયા શક્તિ રહેલી હોય તો પવિત્ર મંત્રના શબ્દોમાં કેટલી ચેતના, કેટલી ઊર્જા સમાયેલી હશે! દિવસ અને રાત, જાગતા અને સૂતા, સભાન અને અભાન અવસ્થામાં તમારા મનને મંત્ર સાથે જોડાયેલું રાખો. થોડા મહિનાઓમાં જ તમને ચમત્કારી પરિવર્તન અનુભવવા મળશે.




