નિયમબદ્ધ-મર્યાદાસભર 25 વર્ષની ભવ્ય સફર પૂર્ણ; નવે-નવ દિવસ અવનવી થીમ આધારિત રાસ રમાશે
9 હજાર ખેલૈયાઓ માટે વિશાળ પંડાલ અને ચુસ્ત સુરક્ષા; પરંપરાગત પરિધાન સાથે જોડાવા અપીલ
- Advertisement -
રંગીલા રાજકોટની સંસ્કૃતિ અને ઓળખ સમાન નવરાત્રી મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગરબારસિકો જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તેવા ‘સહિયર રાસોત્સવ’નું ભવ્ય આયોજન આગામી ૧૧ ઓક્ટોબર, રવિવારથી શહેરના હાર્દસમા ઐતિહાસિક રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. સહિયર ક્લબ માટે વર્ષ ૨૦૨૬નું આયોજન અત્યંત વિશેષ બની રહેશે, કારણ કે સતત ૨૫ વર્ષ સુધી કોઈ પણ વિવાદ વિના, પરંપરાગત મર્યાદા અને ગરિમા જાળવીને રાજકોટવાસીઓને શ્રેષ્ઠ આયોજન આપ્યા બાદ આ વર્ષે ક્લબ ૨૬મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી એક નવો ઇતિહાસ રચવા જઈ રહી છે. સહિયર ક્લબના અધ્યક્ષ સુરેન્દ્રસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ મહોત્સવમાં ખેલૈયાઓ માટે નવે-નવ દિવસ અનોખું નજરાણું પીરસવામાં આવશે. આ વખતે દરરોજ અલગ-અલગ થીમ આધારિત રાસ અને ગરબાનું આયોજન કરાયું છે, જેમાં નિયોન રાસ, વૃંદાવન થીમ રાસ, રેડ એન્ડ બ્લેક થીમ રાસ તેમજ રેટ્રો ગરબા અને ફ્યુઝન ગરબા રાસ મુખ્ય આકર્ષણ રહેશે.
ગરબા કિંગ તરીકે ખ્યાતનામ રાહુલ મહેતા, પૂનમ ગોંડલીયા તથા તેજસ શીશાંગીયા જેવા જાણીતા કલાકારો અને ખેલૈયાઓની ઉપસ્થિતિ ગ્રાઉન્ડ પર ગરબાનો માહોલ જમાવશે. ખેલૈયાઓ મોકળાશથી અને નિશ્ચિંત બનીને રમી શકે તે માટે રેસકોર્સ ગ્રાઉન્ડમાં વિશાળ પંડાલ સાથે અત્યાધુનિક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ગ્રાઉન્ડમાં એકસાથે અંદાજે ૯ હજાર જેટલા ખેલૈયાઓ અને દર્શકો સમાઈ શકે તેવી ક્ષમતા છે. આરોગ્ય સુરક્ષાના ભાગરૂપે ગ્રાઉન્ડ પર મેડિકલ ટીમ, બે તબીબો, નર્સિંગ સ્ટાફ અને એક એમ્બ્યુલન્સ સતત તહેનાત રહેશે. ઝળહળતી એલઇડી લાઇટિંગથી સમગ્ર પરિસર રોશન થશે. સુરક્ષા વ્યવસ્થામાં બાઉન્સરો દ્વારા મેટલ ડિટેક્ટરથી ચકાસણી બાદ જ પ્રવેશ અપાશે તેમજ સમગ્ર ગ્રાઉન્ડ ડિજિટલ સીસીટીવી કેમેરાની બાજ નજર હેઠળ રહેશે. ક્લબના ચેરમેને ખેલૈયાઓને પ્રાચીન સંસ્કૃતિને અનુરૂપ પરંપરાગત પરિધાનમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કર્યો છે. પાસ બુકિંગ માટે સહિયર ક્લબ, ૩૧૨-સિલ્વર ચેમ્બર, ટાગોર રોડ, અતુલ મોટર્સ સામે (મો. ૮૯૮૦૦ ૨૧૩૨૧) સંપર્ક કરવાનો રહેશે.
આ આયોજનને સફળ બનાવવા સુરેન્દ્રસિંહ વાળાના નેતૃત્વમાં ચંદુભાઈ પરમાર, કૃષ્ણસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા, ધૈર્ય પારેખ, ક્રિષ્નપાલસિંહ વાળા, રવિરાજસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, પ્રકાશ કણસાગરા, જયદીપ રેણુકા, સમ્રાટ ઉદ્દેશી, પિયુષ રૈયાણી, રાજવીરસિંહ ઝાલા, જયંતીભાઈ ઝાલા, જતીન આડેસરા, યુવરાજસિંહ ચુડાસમા, પ્રતિકભાઈ, હિરેન ચંદારાણા, નરેન્દ્રસિંહ જાડેજા, શૈલેષ ખખ્ખર, દીપકસિંહ જાડેજા, અભિષેક અઢિયા, ભરત વ્યાસ, કિરણ આડતિયા, નીરવ પોપટ, રવિ આડેસરા, સુશીલ ફીચડીયા અને ધવલ નથવાણી સહિતની ટીમ ખડેપગે તૈયારીમાં લાગી છે.
- Advertisement -
સહિયર રાસોત્સવની સફળગાથા
વીતેલા સમયના કેલેન્ડર માં જોઈએ તો પી. ડી. માલવિયા કોલેજ સામેના પટાંગણમાં રજવાડી નામથી શરૂ થયેલ સહિયર ક્લબનું સુકાન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા વાઈસ પ્રેસિડેન્ટ તરીકે સફળ રહ્યા બાદ દર વર્ષે ખેલૈયાઓને પ્રિય કલાકારો અને વાદકો ને મંચ ગજાવવા નિમંત્રિત કરાતા સૌરાષ્ટ્ર ના શ્રેષ્ઠ ગાયકો અને આયોજન માટેની ચીવટ અને કાળજી તથા સિક્યોરેટી ના કારણે સહિયર લોક હૃદય માં સ્થાન પામવામાં સફળ રહ્યું છે. પ્રત્યેક વર્ષ કઈક શીખવી જાય એ શીખતા શીખતા દર વર્ષે નાવિન્યસભર ફેરફારો લાવવામાં આવ્યા.ડોમ ના બદલે હાઇટેક ટ્રસ લાઈટિંગ, ડેસ્કટોપ સાઉન્ડના બદલે લાઇન એરે, સીમિતના બદલે વિશાળ ગ્રાઉડ, કાંકરા ને ધૂળ પર રમતા ખેલૈયાઓની વ્યથા સમજી ગ્રાઉન્ડ ફ્લોરિંગ શરૂ કરવામા આવ્યું.નવા આયોજનો માટે સહિયર હંમેશા પ્રેરણા દાયક અને અનુસરણીય બની રહ્યુ છે. વર્ષ ૨૦૧૫ માં વિશ્વવિખ્યાત કિર્તીદાન ગઢવીને સહિયર માં બૂક કરવાનું સાહસ પછી જ્યારે આવા લોકભોગ્ય ગાયક ૨૦૧૬ માં ના હોય તો પણ સહિયર ક્યારેય ખેલૈયાઓને નિરાશ નથી થવા દીધા. કોરોના લોકડાઉન સમયે પણ જ્યારે જાહેર કાર્યક્રમો બંધ હતા ત્યારે ઓનલાઈન નવરાત્રી કરી. ગાયકો, વાદકો, ટેકનિશિયન તમામ ને પુરસ્કાર આપી ને આયોજકો એ ઉદાહરણ પુરુ પાડયું કે નવરાત્રી કમાવા નો તહેવાર નથી.. કારણ કે સતત બે વર્ષ ઓનલાઇન સહિયર રાસોત્સવ આયોજકો એ સ્વખર્ચે કોઈ સ્પોન્સરશીપ વિના કરી બતાવ્યો હતો.




