“સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત મનપા તંત્ર સઘન એક્શન મોડમાં
હોકર્સ ઝોનમાં કચરા નિકાલ અંગે કડક સૂચના અપાઈઃ જાગૃત નાગરિકોએ લીધા ‘સ્વચ્છતા સંકલ્પ
- Advertisement -
રાજકોટ શહેરને સ્વચ્છ, સુંદર અને કચરામુક્ત રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલા “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત તંત્ર સઘન એક્શન મોડમાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ મોડી રાત્રે શહેરના વિવિધ માર્ગો અને બજારોની આકસ્મિક ફિલ્ડ વિઝિટ કરી રાત્રિ સફાઈ વ્યવસ્થાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું.કમિશનરે ભક્તિનગર સર્કલથી સોરઠિયાવાડી સર્કલ સુધીના મુખ્ય માર્ગ અને આસપાસ આવેલા હોકર્સ ઝોનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રસ્તાઓ પર રાત્રિ સફાઈની સ્થિતિ, કચરાના એકત્રીકરણ અને વૈજ્ઞાનિક નિકાલની વ્યવસ્થાની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. કમિશનરશ્રીએ સ્થળ પર હાજર સફાઈ અધિકારીઓ અને કર્મચારીઓને કામગીરીમાં સહેજ પણ બેદરકારી ન દાખવવા અને જાહેર સ્થળો પર સતત મોનિટરિંગ રાખવા કડક સૂચનાઓ આપી હતી.
આ ઝુંબેશ દરમિયાન સ્થાનિક લોકોમાં પણ વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. જાગૃત નાગરિકોએ સ્વયંભૂ આગળ આવી “સ્વચ્છતા સંકલ્પ પત્ર” ભર્યા હતા. તેઓએ માત્ર પોતાના ઘર પૂરતું જ નહીં, પરંતુ જાહેર સ્થળોએ ગંદકી ન કરવા અને પરિવાર તેમજ આસપાસના લોકોને સ્વચ્છતા રાખવા પ્રેરિત કરવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાએ આ ઝુંબેશને એક લોકચળવળ બનાવવાની નેમ વ્યક્ત કરતા શહેરીજનોને અપીલ કરી છે કે જાહેર માર્ગો પર કચરો ફેંકવાને બદલે નિયત જગ્યાએ જ નિકાલ કરે. તંત્રના પ્રયાસો સાથે જ્યારે નાગરિકોનો સહયોગ જોડાશે ત્યારે જ રાજકોટને સાચા અર્થમાં સ્વચ્છ અને સુંદર બનાવી શકાશે.
તુષાર સુમેરાનો હળવો અંદાજ: કરાઓકે ગ્રૂપની મુલાકાત લઈ સંગીતની મહેફિલ માણી
રાત્રિ રાઉન્ડ દરમિયાન મ્યુનિ. કમિશનર જાહેર સ્થળે ગીતો ગાઈ રહેલા એક સ્થાનિક મ્યુઝિક કરાઓકે ગ્રૂપ વચ્ચે પહોંચ્યા હતા. તેમણે ત્યાં સામાન્ય નાગરિકની જેમ બેસીને કરાઓકે સિંગર્સ દ્વારા રજૂ કરવામાં આવી રહેલા જૂના હિન્દી ગીતોનો આનંદ માણ્યો હતો. કમિશનરને પોતાની વચ્ચે જોઈ કલાકારો અને ત્યાં ઉપસ્થિત લોકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.



