સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની લાલીયાવાડીનું વધુ એક ઉદાહરણ : પરીક્ષા વ્યવસ્થા સામે રોહિતસિંહ રાજપૂતની રજૂઆત
રિ-એસેસમેન્ટનું પરિણામ આવે તે પહેલાં જ રિમેડિયલ ફોર્મની છેલ્લી તારીખ, વિદ્યાર્થીઓ મૂંઝવણમાં
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા અને પરિણામ પ્રક્રિયાના સંકલનના અભાવે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી અંગે વિદ્યાર્થી પ્રતિનિધિ રોહિતસિંહ રાજપૂતે પરીક્ષા નિયામકને લેખિત રજૂઆત કરી તાત્કાલિક વિદ્યાર્થીહિતમાં નિર્ણય લેવા માંગ કરી છે. B.A. સેમેસ્ટર-5ના સપ્લિમેન્ટરી પરીક્ષાનું પરિણામ 28 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આગામી પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત 14થી 22 સપ્ટેમ્બર સુધીની હતી. પરિણામ જ છેલ્લી તારીખ બાદ જાહેર કરવામાં આવ્યું હોય ત્યારે જે વિદ્યાર્થીઓને પરિણામના આધારે પરીક્ષા ફોર્મ ભરવાનું છે, તેઓ સમયસર ફોર્મ કેવી રીતે ભરી શકે? તેમ છતાં હવે આવા વિદ્યાર્થીઓને 5,000 લેટ ફી સાથે ફોર્મ ભરવાનું જણાવવામાં આવી રહ્યું હોવાની રજૂઆત કરવામાં આવી છે. “યુનિવર્સિટીના પરિણામમાં થયેલા વિલંબની સજા વિદ્યાર્થીઓને શા માટે?” તેવો સવાલ ઉઠાવતા રોહિતસિંહ રાજપૂતે માંગ કરી છે કે, પરિણામ મોડું જાહેર થવાના કારણે ફોર્મ ભરી ન શકેલા વિદ્યાર્થીઓ પાસેથી એકપણ રૂપિયાની લેટ ફી વસૂલ્યા વગર વિશેષ તક આપવામાં આવે.
રોહિતસિંહ રાજપૂતે પરીક્ષા નિયામકને રજૂઆતમાં સ્પષ્ટ માંગ કરી છે કે વિદ્યાર્થીઓને તંત્રની ભૂલ કે પરિણામ જાહેર કરવામાં થયેલા વિલંબની સજા ન થવી જોઈએ. B.A. સેમેસ્ટર-5ના અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને લેટ ફી વિના ફોર્મ ભરવાની તક, B.Com સેમેસ્ટર-3ના રિ-એસેસમેન્ટ અને રિમેડિયલ પરીક્ષા વચ્ચે યોગ્ય સંકલન તથા વિદ્યાર્થીઓને લેખિત અને સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવે. “વિદ્યાર્થીઓ પાસેથી લેટ ફી વસૂલવી સરળ છે, પરંતુ પરિણામ અને પરીક્ષા પ્રક્રિયામાં સમયસર વ્યવસ્થા કરવી પણ યુનિવર્સિટીની જ જવાબદારી છે. વિદ્યાર્થીનું ભવિષ્ય કોઈ વહીવટી ગેરવ્યવસ્થાનું ભોગ બનવું ન જોઈએ તેવું રોહિતસિંહ રાજપૂતે અંતમાં જણાવ્યુ હતું.
B.Com સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓ પણ મૂંઝવણમાં
B.Com સેમેસ્ટર-3 (ગુજરાતી માધ્યમ)ના પરિણામમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થયા બાદ વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. કેટલાક રેન્કર વિદ્યાર્થીઓ પણ નાપાસ થયા હોવાની રજૂઆતો બાદ પેપર રિ-એસેસમેન્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હાલમાં રિમેડિયલ પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આવી ગઈ છે, ત્યારે વિદ્યાર્થીઓને “ફોર્મ ભરી દો, રિઝલ્ટમાં પાસ હશો તો પરીક્ષા નહીં આપવી પડે અને નાપાસ હશો તો પરીક્ષા આપી દેજો” તેવી સૂચના આપવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. પરંતુ રિ-એસેસમેન્ટનું પરિણામ ક્યારે આવશે તે અંગે સ્પષ્ટતા ન હોય ત્યારે વિદ્યાર્થીઓએ શું કરવું? રિ-એસેસમેન્ટનું પરિણામ મોડું આવે અને વિદ્યાર્થી રિમેડિયલ પરીક્ષાનું ફોર્મ ન ભરી શકે તો તેની જવાબદારી કોણ લેશે? તેવો સવાલ રોહિતસિંહ રાજપૂતે ઉઠાવ્યો છે.
- Advertisement -
હેલ્પલાઈન પણ વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં નિષ્ફળ?
વિદ્યાર્થીઓ પોતાની સમસ્યાના ઉકેલ માટે યુનિવર્સિટીની હેલ્પલાઈન પર સંપર્ક કરી રહ્યા છે, પરંતુ યોગ્ય માર્ગદર્શન મળતું નથી અને ઉડાઉ જવાબ આપીને ફોન કટ કરી દેવામાં આવતો હોવાની ફરિયાદો પણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે.
સંઘ-ભાજપના કાર્યક્રમોમાં મેનપાવરનો જેટલો ઉપયોગ કરો છો તેટલો જ વિદ્યાર્થીલક્ષી કાર્યોમાં પણ કરો : રોહિતસિંહ રાજપુત
કુલપતિ, વિરોધીઓને કેમ્પસમાં દાવમાં લેવા અને પોતાના માનીતાઓને સેટ કરવામાં જેટલો સમય આપો છો, તેટલું જ ધ્યાન વિશ્વવિદ્યાલયના હૃદય સમાન પરીક્ષા વિભાગના વહીવટ પર આપશો તો વિદ્યાર્થીઓને રાહત મળે. સંઘ-ભાજપના કાર્યક્રમોમાં આર્થિક સંસાધનો અને કર્મચારીઓના મેનપાવરનો જેટલો ઉપયોગ કરો છો, તેટલો જ વિદ્યાર્થીલક્ષી કાર્યોમાં કરશો તો વિશ્વવિદ્યાલયને અનેક ગણો લાભ થાય.




