ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ સહિત આગેવાનો અને પોલીસ અધિકારીઓએ કર્યા દર્શન
શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોક ખાતે યોજાયેલા ‘સર્વેશ્વર ચોક કા રાજા’ ગણેશ મહોત્સવમાં ભક્તિ અને આસ્થાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગણેશજીના દર્શન તથા મહાઆરતીમાં શહેરના રાજકીય, સામાજિક અને પોલીસ વિભાગના મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. ગણેશ મહોત્સવ અંતર્ગત યોજાયેલી મહાઆરતીમાં ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે રાજકોટ શહેરના એ.સી.પી. ચૌધરી સાહેબે પણ મહાઆરતીમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત જાણીતા અગ્રણી રાજુભાઈ ઢોલરીયા, ધવલભાઈ ગજ્જર સહિતના મહાનુભાવો સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા અને ગણપતિ બાપાના દર્શન કરી આરતીનો લાભ લીધો હતો.
- Advertisement -
‘સર્વેશ્વર ચોક કા રાજા’ના દર્શન માટે વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ પહોંચ્યા હતા. એ.બી.પી. અસ્મિતાના ગુજરાત હેડ મહેશસિંહ રાયજાદા સહપરિવાર ઉપસ્થિત રહી ગણપતિ બાપાના દર્શન કર્યા હતા. આ ઉપરાંત રાજકોટ શહેરના એ.સી.પી. જાદવ સાહેબ તથા નિવૃત્ત પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ગજુભા રાઠોડ પણ સાથે આવ્યા હતા. વોર્ડ નં. 2ના કોર્પોરેટર દક્ષાબેન વાઘેલા પણ સહપરિવાર ‘સર્વેશ્વર ચોક કા રાજા’ના દર્શન માટે પહોંચ્યા હતા. મહાનુભાવોની ઉપસ્થિતિથી ગણેશ મહોત્સવના આયોજનમાં વિશેષ ઉમેરો થયો હતો. ભક્તોએ પણ મહાનુભાવોની સાથે બાપાના દર્શન કરી ધાર્મિક વાતાવરણનો આનંદ માણ્યો હતો. રાત્રે 11 વાગ્યે ઇનામી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. ડ્રો દરમિયાન એક બહેનનું ભાગ્ય ખૂલ્યું હતું અને તેમને ઇનામમાં એરકુલર લાગ્યું હતું. ઇનામ જાહેર થયા બાદ સ્થળ પર જ તેમને રશ્મિબેન મહેતાના હસ્તે એરકુલર અર્પણ કરવામાં આવ્યું હતું. ઇનામ મળતા વિજેતા બહેનમાં આનંદની લાગણી જોવા મળી હતી અને ઉપસ્થિત ભક્તોએ પણ તાળીઓના ગડગડાટ સાથે તેમને અભિનંદન પાઠવ્યા હતા.




