અમદાવાદના અતુલ દવેએ રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી
સરકારને કરોડોની નવી રેવન્યુ મળશે અને નકલી દારૂ-ભ્રષ્ટાચાર નાબૂદ થશેઃ ગાંધીજીના નામે દંભ આચરાતો હોવાનો ગંભીર આક્ષેપ
- Advertisement -
જો ગિફ્ટ સિટીમાં દારૂ પીવા-વેચવાની છૂટ મળી શકે, તો બાકીના સ્થાન પર પ્રતિબંધ રાખવો એ અન્યાય છે: આંદોલનકારીઓની દલીલ
ગુજરાતમાં દારૂબંધી હટાવવા માટે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ઝુંબેશ બાદ હવે આ મુદ્દે ખુલ્લેઆમ આંદોલનની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદના અતુલભાઈએ રાજકોટ ખાતે એક પત્રકાર પરિષદ યોજીને રાજ્ય સરકાર સમક્ષ તાકીદે દારૂબંધી હટાવવાની ઉગ્ર માંગણી કરી છે. આ માગ સાથે આગામી ૨ ઓક્ટોબર—ગાંધી જયંતીના દિવસે પાટનગર ગાંધીનગરમાં રાજ્યવ્યાપી આંદોલન અને ધરણાં યોજવાની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે. પત્રકાર પરિષદને સંબોધતા અતુલભાઈએ દાવો કર્યો હતો કે જો રાજ્યમાંથી દારૂબંધી હટાવી લેવામાં આવે તો સરકારની તિજોરીમાં હજારો કરોડ રૂપિયાની નવી રેવન્યુ જમા થશે, જેનો ઉપયોગ લોકકલ્યાણના કાર્યોમાં થઈ શકે છે. આ ઉપરાંત ગેરકાયદે દારૂના વેપારને કારણે ચાલતો વ્યાપક ભ્રષ્ટાચાર નાબૂદ થશે અને નકલી તેમજ ઝેરી દારૂના દૂષણમાંથી ગુજરાતના નાગરિકોને કાયમી મુક્તિ મળશે.
તેમણે ગાંધીજીના મૂલ્યો અને વર્તમાન નીતિઓ સામે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, “ગાંધીજીના નામે માત્ર દંભ આચરીને પ્રજા સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. જ્યારે ગાંધીજીની હત્યા થઈ ત્યારે સ્વતંત્ર ગુજરાત રાજ્યનું અસ્તિત્વ પણ નહોતું. શું દેશ-વિદેશમાંથી ગાંધી આશ્રમની મુલાકાતે આવતા તમામ લોકો દારૂ નથી પીતા?” સરકારની નીતિ સામે બેવડા ધોરણનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે, “સરકારે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂ પીવા અને વેચવાની સત્તાવાર છૂટ આપી છે. જો એક ચોક્કસ વિસ્તારને આવી છૂટછાટ મળી શકતી હોય, તો બાકીના સમગ્ર ગુજરાતમાં પ્રતિબંધ રાખવો એ પ્રજા સાથે સ્પષ્ટ ભેદભાવ અને અન્યાય છે.” તેમણે વધુમાં દલીલ કરી હતી કે જ્યાં દારૂ પર છૂટ છે ત્યાં પણ જેને નથી પીવો તે વ્યક્તિ નથી જ પીતી, જ્યારે ગુજરાતમાં પ્રતિબંધ હોવા છતાં જેને દારૂ મેળવવો હોય તેને કોઈપણ જગ્યાએ આસાનીથી મળી રહે છે. આ સ્થિતિ પાછળ વહીવટી તંત્રની નિષ્ફળતા છતી થાય છે. તેથી આ અન્યાયી નીતિ અને દંભી પ્રતિબંધ સામે આગામી ૨ ઓક્ટોબરે ગાંધીનગર ખાતે જનઆંદોલન છેડવામાં આવશે.




