‘વિજ્ઞાન યાત્રા 3.૦’: કોમ્પ્યુટેશનલ ફિઝિક્સ અને સિમ્યુલેશન વિષય પર વ્યાખ્યાન યોજાયું
સત્રમાં 25 રાજ્યો અને વિદેશના 6 દેશોમાંથી વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને વિજ્ઞાનપ્રેમીઓ વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી થયા
- Advertisement -
ભારતીય વૈજ્ઞાનિક અભિગમના ઘડતર અને ‘વિકસિત ભારત’ના સંકલ્પને વેગ આપવાના ઉદ્દેશ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવન તથા વિજ્ઞાન ગુર્જરી (વિજ્ઞાન ભારતી – ગુજરાત પ્રાંત)ના સંયુક્ત ઉપક્રમે ૧૫ દિવસીય ‘વિજ્ઞાન યાત્રા ૩.૦’નું આયોજન કરવામાં આવ્યું છે. ૨૧ સપ્ટેમ્બરથી ૯ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન ચાલનારી આ રાષ્ટ્રીય વ્યાખ્યાનમાળાના બીજા દિવસે “કોમ્પ્યુટેશનલ ભૌતિકશાસ્ત્ર: સમીકરણો, માહિતી અને સિમ્યુલેશન” વિષય પર વિશેષ સત્ર યોજાયું હતું. જેમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદના આસિસ્ટન્ટ પ્રોફેસર અને કોમ્પ્યુટેશનલ પ્લાઝ્મા ફિઝિક્સના નિષ્ણાત ડૉ. ગુરુદત્ત ગૌરે મુખ્ય વક્તા તરીકે સંશોધકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સત્રમાં દેશના ૨૫ રાજ્યો અને વિદેશના ૬ દેશોમાંથી વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને વિજ્ઞાનપ્રેમીઓ વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી થયા હતા.
ડૉ. ગુરુદત્ત ગૌરે કુદરતના જટિલ રહસ્યો ઉકેલવામાં આધુનિક સુપરકોમ્પ્યુટિંગ અને ગાણિતિક સમીકરણોની ભૂમિકા સરળ શૈલીમાં વર્ણવી હતી. તેમણે જણાવ્યું હતું કે પાણીના મોજાં, અવાજ કે રેડિયો તરંગો જેવી તમામ ભૌતિક પ્રક્રિયાઓ ચોક્કસ ગાણિતિક નિયમોને આધીન હોય છે. આ જટિલ નિયમોને કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ દ્વારા સિમ્યુલેશનમાં ફેરવીને વિજ્ઞાનીઓ અણુ અને પરમાણુ જેવા અત્યંત સૂક્ષ્મ કણોની ગતિવિધિઓનો આબેહૂબ અભ્યાસ કરી શકે છે, જે જાણે સ્ક્રીન પર એક નાનું બ્રહ્માંડ રચવા સમાન છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અવકાશમાંથી સતત વરસતા વિવિધ કિરણો અને ગુરુત્વાકર્ષણ તરંગોના વિશાળ ડેટામાંથી ઉપયોગી માહિતી તારવવી એ મોટો પડકાર છે. જેવી રીતે ઘોંઘાટવાળી ભીડ વચ્ચેથી કોઈ પરિચિત અવાજ પારખી લેવાય, તેવી જ રીતે કોમ્પ્યુટેશનલ ફિઝિક્સની અદ્યતન પદ્ધતિઓ દ્વારા અવકાશી તરંગોમાં રહેલા અત્યંત ગુપ્ત સંકેતોને શોધી શકાય છે.
- Advertisement -
કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. અજયસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે બહાઉદ્દીન સાયન્સ કોલેજ (જૂનાગઢ)ના પ્રો. રૂપલ ત્રિવેદીએ સેશન ચેર તરીકે સેવાઓ આપી હતી. ભૌતિકશાસ્ત્ર ભવનના અધ્યક્ષ પ્રો. નિકેશ શાહ, વિજ્ઞાન યાત્રાના કન્વીનર ડૉ. પીયૂષ એસ. સોલંકી તેમજ કો-ઓર્ડિનેટર પ્રો. કે. બી. મોદી, પ્રો. એચ. ઓ. જેઠવા, ડૉ. અશ્વિની ડી. જોશી, ડૉ. ડેવિટ બી. ધ્રુવ, ડૉ. ધીરેન પંડ્યા અને ડૉ. મેઘા વાગડિયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સત્રનું સફળ સંચાલન રિસર્ચ સ્કોલર હિરલબેન કામદારે કર્યું હતું.




