શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને અસ્વચ્છતા સામે કડક ઝુંબેશ
મેકડોનાલ્ડ્સ, બર્ગર કિંગ સહિત 53 પેઢીઓમાં ચેકિંગ; કેન્ટીન અને છાત્રાલયોમાંથી વાસી ચીઝ, ઘઉં અને સડેલા બટેટાનો નાશ
ક્રિસ્ટલ મોલના બર્ગર કિંગમાંથી તળવામાં વપરાતા પામોલિન ઓઇલનો નમૂનો લેવાયો
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને અસ્વચ્છતા સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ફૂડ સેફ્ટી ટીમે પ્રખ્યાત ફૂડ ચેઈન, શૈક્ષણિક સંસ્થાઓની હોસ્ટેલો અને સ્થાનિક ખાણીપીણીની કુલ ૫૩ પેઢીઓ-રેસ્ટોરન્ટ્સની તપાસ કરી હતી. આ કામગીરી દરમિયાન ૬૫ કિલો વાસી તેમજ અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો, ૧૮ પેઢીઓને નોટિસ ફટકારાઈ હતી અને કુલ રૂ. ૧૭,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, FSSAI એક્ટ હેઠળ શંકાસ્પદ ખાદ્યસામગ્રીના ૩ નમૂના લઈને પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
કુવાડવા રોડ સ્થિત મેકડોનાલ્ડ્સ (હાર્ડ કેસલ રેસ્ટોરન્ટ પ્રા.લી.) ખાતેથી “જસ્ટ મિલ્ક” ટોન્ડ મિલ્ક અને “ડોહલર” સ્ટ્રોબેરી ફ્રૂટ ક્રશના નમૂના લેવાયા હતા તેમજ રૂ. ૩,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે ક્રિસ્ટલ મોલ સ્થિત બર્ગર કિંગ (રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સ એશિયા લિ.)માંથી તળવામાં વપરાતા યુઝ્ડ પામોલિન ઓઈલનો નમૂનો લઈ નોટિસ પાઠવવામાં આવી હતી.
વિદ્યાર્થીઓની હોસ્ટેલો અને કેન્ટીનમાં ચલાવાતી બેદરકારી સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. મહિલા કોલેજ કેન્ટીન (પ્રેમ કેટરર્સ)માંથી ૨૦ કિલો વાસી અખાદ્ય ચીજનો નાશ કરી રૂ. ૩,૦૦૦ ચાર્જ વસૂલાયો હતો. લેઉવા પટેલ ગર્લ્સ હોસ્ટેલમાંથી ૨૦ કિલો પડતર ઘઉં, ફીનોલ ઇન્સ્ટિટ્યૂટમાંથી ૨૦ કિલો એક્સપાયરી પોપકોર્ન તેમજ વિવાન્તા ગર્લ્સ હોસ્ટેલમાંથી ૫ કિલો સડેલા બટેટાનો નાશ કરી દરેક પાસેથી રૂ. ૧,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફિલ્ડ માર્શલ એન્ડ ગોવાણી કન્યા છાત્રાલય, કૃષ્ણમ પીજી, શિવમ હોસ્ટેલ, માધવ બોયઝ હોસ્ટેલ, ફોર્ચ્યુન ગર્લ્સ હોસ્ટેલ, અમૃત કન્યા છાત્રાલય અને આરસીપી હોસ્ટેલ સહિતની પેઢીઓને લાઇસન્સ, સ્ટોરેજ અને અસ્વચ્છતા બાબતે નોટિસ આપી દંડ ફટકારવામાં આવ્યો હતો. ગોંડલ રોડ પર આવેલા સ્વિગી ઇન્સ્ટામાર્ટને પણ હાઇજેનિક કન્ડિશન અને લાઇસન્સ મુદ્દે નોટિસ આપવામાં આવી હતી.
- Advertisement -
ફૂડ વિભાગની ટીમે નિર્મળા રોડ અને કોઠારીયા રોડ (સોરઠિયાવાડી સર્કલ) વિસ્તારમાં આવેલી ડેરીઓ, બેકરીઓ, ફરસાણ, સોડા અને ફાસ્ટફૂડની નાની-મોટી દુકાનોમાં પણ સઘન ચકાસણી હાથ ધરી આરોગ્યપ્રદ ખોરાક પીરસવા કડક સૂચનાઓ આપી હતી.




