ડૉ. મનીષ આચાર્ય : નેચરોપેથ
આ ગણેશોત્સવ નિમિત્તે ગણપતિજીના સાચા સ્વરૂપને પામીએ, મૂર્તિ વિસર્જન એટલે આકારમાંથી નિરાકારમાં રૂપાંતર
- Advertisement -
ગણેશને શોધવા માટે કદાચ આકાશ તરફ જોવાની જરૂર નથી, પોતાના અંતરમાં રહેલી વિશાળ, શાંત અને પ્રકાશમય બુદ્ધિ તરફ જોવાની જરૂર છે….
ભારતીય કોઈપણ શુભ કાર્યનો આરંભ ગણપતિજીના સ્મરણ વિના પૂર્ણ માનવામાં આવતુ નથી. તેઓ વિઘ્નેશ્વર-વિઘ્નોના વિનાશક; ગણપતિ-ગણોના અધિપતિ; અને બુદ્ધિ તથા પ્રજ્ઞાના અધિષ્ઠાતા દેવ છે. પરંતુ જો આપણે શ્રીગણેશના સ્વરૂપને માત્ર ધાર્મિક પરંપરાની દૃષ્ટિએ નહીં, પરંતુ વેદોના સનાતન દર્શન અને જીવનના મૂળભૂત તત્ત્વ ચિંતનના વિશાળ પરિપ્રેક્ષ્યમાં નિહાળીએ તો તેમના સ્વરૂપમાં એક અત્યંત ગહન રહસ્ય છુપાયેલું જોવા મળે છે. ગણેશ માત્ર વિઘ્નો દૂર કરનાર દેવ નથી, તેઓ તો બ્રહ્મની બુદ્ધિનું મૂર્તિમંત પ્રતીક છે; એવી દિવ્ય ચેતના, જે નિરાકારને આકાર સાથે, અદૃશ્યને દૃશ્ય સાથે અને પરમ સત્યને ભૌતિક જગત સાથે જોડે છે. ગણેશ અને બ્રહ્માંડની દિવ્ય બુદ્ધિ આપણી ચિંતન પરંપરામાં એક અત્યંત મહત્વપૂર્ણ સંકલ્પના છે-Nous, એટલે કે Universal Intellect, એટલે કે બ્રહ્માંડની સર્વવ્યાપી દિવ્ય બુદ્ધિ. સમગ્ર સૃષ્ટિ પાછળ એક સર્વોચ્ચ બુદ્ધિ, એક દિવ્ય ચેતના અને એક બ્રહ્માંડવ્યાપી વ્યવસ્થા કાર્યરત છે.
ભારતીય દર્શનમાં આપણે કંઈક આવું જ રહસ્ય જુદી ભાષામાં અનુભવીએ છીએ.
ગણેશ સ્તોત્રની જાણીતી પંક્તિ છે-
વક્રતુંડ મહાકાય, સૂર્યકોટિ સમપ્રભઃ…
અર્થાત્-
હે વાંકી સુંઢ વાળા, વિશાળ કાયાવાળા અને કરોડો સૂર્યો સમાન દિવ્ય તેજ ધરાવતા પ્રભુ…
- Advertisement -
આ ઉપમા માત્ર દેવતાના ભૌતિક સ્વરૂપનું વર્ણન નથી. તે એક ઊંડા આધ્યાત્મિક સંકેત જેવું છે-અંધકાર અને અવ્યવસ્થામાંથી પ્રકાશ, અજ્ઞાનમાંથી જ્ઞાન અને અસ્તવ્યસ્તતામાંથી વ્યવસ્થા પ્રગટાવતી દિવ્ય બુદ્ધિનો અર્થ છે. આ અર્થમાં ગણેશજીનું સ્વરૂપ પ્રાચીન પરંપરાના દિવ્ય Logos અથવા બ્રહ્માંડને વ્યવસ્થિત કરનાર ચેતનાત્મક સિદ્ધાંત સાથે એક રસપ્રદ તત્ત્વસામ્ય ધરાવે છે.
ગણેશઃ બ્રહ્માંડના મહાલેખક
ભારતીય મહાકાવ્ય પરંપરામાં ગણેશને મહાભારતના આલેખક તરીકે પણ સ્મરણ કરવામાં આવે છે. કહેવાય છે કે વ્યાસમુનિએ મહાભારતનું ઉચ્ચારણ કર્યું અને ગણેશજીએ તેને અક્ષરદેહ આપ્યો. પોતાના દાંતમાંથી એક દાંત તોડી તેમણે લેખન માટે કલમ બનાવી. આ પ્રતીક અત્યંત ગહન છે. તૂટેલો દાંત માત્ર દેહનો એક ભાગ નથી-તે જ્ઞાનના મૂલ્યનું પ્રતીક છે. સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ પોતાના અહંકાર, આસક્તિ અને અંગત સુખ સગવડમાંથી કંઈક ત્યાગવું પડે છે. વ્યક્તિગત હું જ્યારે વિશાળ અમેમાં વિલીન થવા લાગે, ત્યારે જ જ્ઞાનનું દ્વાર ખૂલે છે. આ દૃષ્ટિએ ગણેશના હાથમાં રહેલી લેખની અને તૂટેલો દંત જાણે કહે છે- સત્યને ઉજાગર કરતા પહેલા પોતાને થોડું તુટવું પડે આ સંદર્ભમાં ગણેશજીની તુલના પ્રાચીન ઇજિપ્તના જ્ઞાન, લેખન અને દિવ્ય વ્યવસ્થાના દેવ થોથ (ઝવજ્ઞવિં) સાથે કરવી એક રસપ્રદ તત્ત્વચિંતનાત્મક સમાનતા દર્શાવે છે. બન્ને સ્વરૂપોમાં જ્ઞાન, લેખન, બુદ્ધિ અને દિવ્ય વ્યવસ્થાના સંકેતો જોવા મળે છે.
હાથીનું મસ્તકઃ જાગૃત મહાબુદ્ધિ
ગણેશજીનું હાથીમુખ કદાચ તેમના સંપૂર્ણ રૂપમાં સૌથી શક્તિશાળી પ્રતીક છે. હાથી વિશાળ છે, પરંતુ અસ્થિર નથી. તેની શક્તિ પ્રચંડ છે, પરંતુ તેની ગતિમાં એક પ્રકારનું ધૈર્ય છે. ગણેશજીનું હાથીમસ્તક જાણે વિસ્તૃત અને જાગૃત બુદ્ધિ નું પ્રતીક છે-એવી બુદ્ધિ, જે ઇન્દ્રિયોના નિરંતર કોલાહલથી પર જઈને સમગ્રતાને જોઈ શકે. માનવ મન ઘણી વાર નાની નાની બાબતોમાં અટવાઈ જાય છે. પરંતુ જાગૃત ચેતના સમગ્ર ચિત્રને જોઈ શકે છે. ભારતીય ચિંતનમાં મહત્વની વાત મનની છે. Mind is Everything. અર્થાત્, મન અને ચેતના બ્રહ્માંડના રહસ્યને સમજવાની મૂળ ચાવી છે.
ગણેશજીનું વિશાળ મસ્તક જાણે આપણને આમંત્રણ આપે છે- તમારી ચેતનાને વિસ્તૃત કરો; જીવનને માત્ર ઘટનાઓ તરીકે નહીં, પરંતુ એક વિશાળ બ્રહ્માંડિય વ્યવસ્થા તરીકે જુઓ.
તૂટેલો દંતઃ જ્ઞાન માટેનો ત્યાગ ગણેશજીનો તૂટેલો દાંત એક સુંદર આધ્યાત્મિક ઉપદેશ આપે છે, જીવનમાં કંઈક મેળવવા માટે કંઈક છોડવું પડે છે.
જ્ઞાન માટે અજ્ઞાન છોડવું પડે.
સત્ય માટે અહંકાર છોડવો પડે.
પ્રેમ માટે સ્વાર્થ છોડવો પડે.
અને પરમ ચેતનાની અનુભૂતિ પામવા માટે સંકુચિત
હુંને ઓગાળવો પડે છે.
તેથી તૂટેલો દાંત જાણે કહે છે-
વ્યક્તિગત બાબતોનું બલિદાન આપ્યા વિના સર્વવ્યાપીનું દર્શન થતું નથી.
મૂષક, અશાંત ઇચ્છાઓ પર આરોહણ છે.
ગણેશજીનું વાહન-મૂષક પણ એક અસાધારણ પ્રતીક
મૂષક ચંચળ છે. તે સતત દોડે છે. તેની કામનાઓનો અંત નથી. માનવ મન પણ એવું જ છે. એક વિચાર શાંત થાય, તો બીજો ઊભો થાય. એક ઇચ્છા પૂર્ણ થાય, તો બીજી જન્મે. એક લક્ષ્ય પ્રાપ્ત થાય, તો તરત જ બીજું લક્ષ્ય આપણને ખેંચવા લાગે. આ અશાંત ઇચ્છાઓને જો મનુષ્ય પોતાનો સ્વામી બનવા દે, તો તે બંધન બની જાય છે. પરંતુ ગણેશજી મૂષક પર આસ્ટ છે. આ દૃશ્ય જાણે એક મહાન સંદેશ આપે છે- ઇચ્છાઓનો નાશ જરૂરી નથી; તેમની ઉપર સવારી કરવાનું શીખવું જરૂરી છે. જ્યારે અશાંત ઇચ્છા દિવ્ય બુદ્ધિની દિશામાં જોડાય છે, ત્યારે એ જ શક્તિ સર્જનનું સાધન બની શકે છે.
ઉદર; બ્રહ્માંડને ધારણ કરવાની ક્ષમતા નથી. ગણેશનું વિશાળ પેટ પણ માત્ર રમૂજી કે લોક કલ્પના તેમાં એક ગહન બ્રહ્માંડિય પ્રતીક છુપાયેલું છે.
તેમનું ઉદર જાણે સમગ્ર બ્રહ્માંડનો ગર્ભ છે-જ્યાં પ્રકાશ અને અંધકાર, સુખ અને દુઃખ, જન્મ અને મૃત્યુ, સર્જન અને વિસર્જન-તમામ દ્વંદ્વો એકસાથે સમાઈ શકે છે. માનવ જીવનમાં આપણે વિરુદ્ધતાઓથી ભાગીએ છીએ. પરંતુ બ્રહ્માંડ વિરોધાભાસોથી જ બનેલું છે. દિવસ વીના રાતનું કોઈ વજૂદ નથી. મૃત્યુ વિના જીવનની ગહનતા સમજાતી નથી. વિરહ વીના મિલનની અનુભૂતિ અધૂરી છે. ગણેશનું વિશાળ ઉદર જાણે કહે છે- અસ્તિત્વના બંને છેડાઓને સ્વીકારો; કારણ કે પૂર્ણતા માત્ર પ્રકાશમાં નથી, પ્રકાશ અને છાયાના સમન્વયમાં છે.
ગણેશજી દ્વારપાળ
ગણેશજીને શુભારંભના દેવ કેમ માનવામાં આવે છે? કારણ કે દરેક શરૂઆત એક દ્વાર છે. બાળપણમાંથી યુવાનીમાં પ્રવેશવું એક દ્વાર છે. અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ જવું એક દ્વાર છે. જૂના જીવનમાંથી નવા જીવનમાં પ્રવેશવું એક દ્વાર છે. અને અંતે જીવનમાંથી મૃત્યુ તરફ જવું પણ એક દ્વાર જ છે. ગણેશ જાણે આ તમામ સીમાઓ-વિંયિતવજ્ઞહમત-ના રક્ષક છે. ભારતીય તત્ત્વજ્ઞાનનું એક પ્રખ્યાત સૂત્ર છે- As above, so below; as within, so without. અર્થાત્- જે ઉપર છે તે નીચે પણ છે; જે અંદર છે તે બહાર પણ પ્રતિબિંબિત થાય છે. ગણેશજીનું સ્વરૂપ જાણે આ બન્ને જગતના સંગમસ્થળે ઊભું છે-
દૃશ્ય અને અદૃશ્ય, ભૌતિક અને આધ્યાત્મિક, સીમિત અને અનંત વચ્ચેના દ્વાર પર.
મૂર્તિનું વિસર્જનઃ આકારથી નિરાકાર તરફ
ગણેશ ચતુર્થીની સૌથી હૃદયસ્પર્શી ક્ષણોમાંની એક છે-ગણેશમૂર્તિનું વિસર્જન. જે મૂર્તિને આપણે પ્રેમથી ઘડીએ છીએ, શણગારીએ છીએ, પૂજીએ છીએ અને પોતાના ઘરમાં આમંત્રિત કરીએ છીએ, અંતે તેને જળમાં વિલીન કરીએ છીએ. પરંતુ આ વિદાય માત્ર વિદાય નથી. આ તો એક મહાન દાર્શનિક પાઠ છે- જે આકારમાં આવ્યું છે, તે એક દિવસ નિરાકારમાં સમાઈ જવાનું છે. માટીમાંથી મૂર્તિ બને છે. મૂર્તિમાં ચેતનાનું પ્રતીક અનુભવાય છે. અને અંતે એ જ મૂર્તિ ફરી માટી અને જળમાં વિલીન થઈ જાય છે. અર્થાત્- બધા આકારો અંતે નિરાકારમાં પાછા ફરે છે. દરેક પ્રારંભની અંદર અંતનું બીજ છુપાયેલું છે. અને દરેક અંતની અંદર નવી શરૂઆતની સંભાવના રહેલી છે. આ જ તો સૃષ્ટિનું શાશ્વત ચક્ર છે. ગણેશજી કેવળ બહાર નથી-અંદર પણ છે.
ગણેશને આમંત્રિત કરવાનો સાચો અર્થ શું?
શું માત્ર મંત્રોચ્ચાર? શું માત્ર ફૂલ, નૈવેદ્ય અને આરતી? આ બધું પોતાની જગ્યાએ પવિત્ર છે. પરંતુ કદાચ ગણેશજીની સાચી ઉપાસના ત્યાંથી શરૂ થાય છે જ્યાં આપણે પોતાની અંદર રહેલી બુદ્ધિ અને ચેતનાને ઓળખવાનું શરૂ કરીએ છીએ. આપણી અંદર એક ગણપતિ છે- જે અંધકારમાં પ્રકાશ શોધે છે, જે અસ્તવ્યસ્તતામાં વ્યવસ્થા શોધે છે, જે ઈચ્છાઓને વશમાં લે છે, જે અહંકારનો ત્યાગ કરી શકે છે, અને જે દૃશ્ય જગતની પાછળ રહેલી અદૃશ્ય ચેતનાને અનુભવવા પ્રયત્ન કરે છે. તેથી ગણેશ માત્ર વિઘ્નવિનાશક નથી. તેઓ માર્ગદર્શક છે. તેઓ આપણને માર્ગ પર ચાલવાનું જ નહીં, માર્ગને ઓળખવાનું જ્ઞાન આપે છે. અંતે-તત્વમસિ સનાતન દર્શનનું મહાવાક્ય છે- તત્વમસિ Thou art That – તું એ જ છે. – છે. આ વાક્યનો અર્થ એટલો જ નથી કે ઈશ્વર તારી અંદર તે તો તેનાથી પણ ઊંડું છે. તે કહે છે કે જેને આપણે બહાર શોધીએ છીએ, તેની મૂળ ચેતનાનો અંશ આપણા પોતાના અસ્તિત્વમાં પણ ધબકે છે.
ગણેશજીની ઉપાસનાનો અંતિમ સંદેશ કદાચ આ જ છે- વિઘ્નો બહાર ઓછા અને અંદર વધારે હોય છે. બહાર ઓછાં અને ચેતનામાં વધારે હોય છે. અને માર્ગ ક્યાંક દૂર નથી-તે આપણા પોતાના અંતરમાં જ ખુલવાનો છે. આ ગણેશજી ચતુર્થીએ જ્યારે ગણેશજીની માટીની મૂર્તિ જળમાં વિલીન થાય, ત્યારે માત્ર એક મૂર્તિને વિદાય ન આપીએ. થોડું થોભીએ. અને વિચારીએ- બધા આકારો નિરાકારમાં પાછા ફરવાના છે. દરેક શરૂઆતમાં વિસર્જનનું બીજ છુપાયેલું છે. દરેક વિઘ્નની પાછળ એક પાઠ છે. અને દરેક દ્વારની પાછળ જાગૃતિનું આમંત્રણ છે. ગણેશને શોધવા માટે કદાચ આકાશ તરફ જોવાની જરૂર નથી. પોતાના અંતરમાં રહેલી વિશાળ, શાંત અને પ્રકાશમય બુદ્ધિ તરફ જોવાની જરૂર છે. કારણ કે ગણેશ માત્ર વિઘ્નોના વિનાશક નથી- તેઓ માર્ગના પ્રગટક છે. અને તેમની સાથે ચાલવું એટલે જાણે કબ્રહ્માંડની મહાચેતના સાથે તાલ મિલાવતાં ચાલવું. ૐ ગં ગણપતયે નમઃ તત્ત્વમસિમ તું એ જ છે.




