મધ્ય પ્રદેશના ભોપાલ અને સિહોરમાં વરસાદ : ઉત્તર પ્રદેશમાં આંધી
ઉત્તરાખંડના ચમોલીના હેમકુંડ સાહિબમાં હિમવર્ષા થઈ. તે જ સમયે, કેદારનાથ અને રદ્રનાથમાં પણ કરા સાથે હળવી હિમવર્ષા થઈ. તેના કારણે પહાડી વિસ્તારોમાં તાપમાન ઘટતાં ઠંડી વધી ગઈ છે. કેદારનાથમાં આજે સવારે
તાપમાન માઈનસ ૨ ડિગ્રી નોંધાયું. મધ્ય પ્રદેશમાં ગુરુવારે ભોપાલ, સીહોર અને દેવાસમાં ભારે વરસાદ થયો. રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહથી
ચોમાસાની વિદાય શરૂ થઈ જશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૨૧ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદ અને વાવાઝોડાનો સિલસિલો ચાલુ રહેશે. ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં અટકી-અટકીને વરસાદ ચાલુ છે.
કાનપુરમાં આશરે અડધા કલાક સુધી ૩૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાયો. અનેક વૃક્ષો તૂટીને રસ્તાઓ પર પડી ગયાં. ત્યારબાદ ભારે વરસાદ થયો. બરેલીમાં પણ ધૂળભર્યું વાવાઝોડું આવ્યું. આશરે ૫૦
કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે અનેક વૃક્ષો ઉખડી ગયાં. બિહારમાં હવામાન વિભાગે ૧૩ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હવામાન ભેજવાળું રહેવાની
સંભાવના છે. પ્રદેશમાં પૂરથી અત્યાર સુધીમાં આશરે ૫૦ લાખ લોકો અસરગ્રસ્ત થયા છે.




