તોફાની ઇનિંગ્સ બાદ પલાંઠી વાળી કરેલું સેલિબ્રેશન વાયરલ: ભારતનો 127 રને વિજય
ભારતીય ક્રિકેટ ટીમે ત્રીજી અને આખરી ટી૨૦ મેચમાં અફઘાનિસ્તાન સામે ૧૨૭રનથી વિરાટ વિજય મેળવીને ત્રણ મેચની શ્રેણીમાં ૩-૦ થી ભવ્ય ક્લીન સ્વીપ કર્યું છે. દિલ્હીના અરણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ભારતે આપેલા ૨૨૨ રનના જંગી લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ ભારતીય બોલરોના તરખાટ સામે ૧૪.૧ ઓવરમાં માત્ર ૯૪ રનમાં જ ધ્વસ્ત થઈ ગઈ હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૭વિકેટે ૨૨૧ રન ખડક્યા હતા. ઓપનર અભિષેક શર્માએ આક્રમક બેટિંગનું અદભુત પ્રદર્શન કરી માત્ર ૩૦ બોલમાં ભારત તરફથી સૌથી ઝડપી ટી૨૦ સદી ફટકારવાનો નવો ઇતિહાસ રચ્યો હતો. તેણે વર્ષ ૨૦૧૭માં શ્રીલંકા સામે રોહિત શર્માએ ૩૫ બોલમાં નોંધાવેલી ઝડપી સદીનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. અભિષેકે ૩૪ બોલમાં ૧૦૮ રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જ્યારે સામે છેડે સંજુ સેમસને ૩૫ બોલમાં ૫૦ રન બનાવી સતત બીજી અડધી સદી ફટકારી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે ૫૯ બોલમાં ૧૪૨ રનની ભાગીદારી નોંધાઈ હતી. અફઘાનિસ્તાન તરફથી અઝમતુલ્લાહ ઉમરઝાઈએ ૨ વિકેટ ઝડપી હતી. મોટા સ્કોર સામે અફઘાન ટીમ શરૂઆતથી જ દબાણમાં આવી ગઈ હતી. ભારત તરફથી ઘાતક બોલિંગ કરતાં નીતિશ કુમાર રેડ્ડી અને રવિ બિશ્નોઈએ ૩-૩ વિકેટ પોતાના નામે કરી હતી, જયારે અક્ષર પટેલે ૨ તેમજ જસપ્રીત બુમરાહ અને યશ ઠાકુરે ૧-૧ વિકેટ ઝડપી ટીમને એકતરફી જીત અપાવી હતી.
- Advertisement -
અભિષેક શર્માએ 30 બોલમાં સદી ફટકારી રોહિતનો રેકોર્ડ તોડયો
દિલ્હી ખાતે અફઘાનિસ્તાન સામે રમાયેલી ત્રીજી ટી-૨૦ મેચમાં ભારતે ૧૨૭ રનથી ભવ્ય વિજય મેળવ્યો છે. ભારતીય ઓપનર અભિષેક શર્માએ માત્ર ૩૦ બોલમાં સદી ફટકારી કુલ ૧૦૮ રનની તોફાની ઇનિંગ રમી રોહિત શર્માનો સૌથી ઝડપી સદીનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડી નાખ્યો હતો. આ ઇનિંગ સાથે અભિષેકે ટી-૨૦ આંતરરાષ્ટ્રીય પાવરપ્લેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેમજ ઓવરઓલ ટી-૨૦ ક્રિકેટમાં ૧૦મી સદી ફટકારી વિરાટ કોહલીની બરાબરી કરી લીધી છે. સદી પૂર્ણ કર્યા બાદ મેદાન પર જ પલાંઠી વાળી બેસીને કરેલું તેમનું યોગિક સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયું છે.




