15 વર્ષમાં ન્યૂઝીલેન્ડ ભારતમાં 20 અબજ અમેરિકન ડોલરનું જંગી રોકાણ કરશે
ન્યૂઝીલેન્ડની સંસદે 93 વિરુદ્ધ 29 વોટથી બિલ પસાર કર્યું, દેશહિતમાં મુખ્ય વિપક્ષ લેબર પાર્ટીએ પણ આપ્યું ખુલ્લુ સમર્થન
- Advertisement -
ભારત અને ન્યૂઝીલેન્ડના આર્થિક તથા વ્યૂહાત્મક સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. ન્યૂઝીલેન્ડની સંસદે ભારત સાથેના ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ લાગુ કરતા કાયદાને બહુમતીથી પસાર કરી દીધો છે. આ ઐતિહાસિક કરાર અંતર્ગત ભારતથી ન્યૂઝીલેન્ડ મોકલવામાં આવતા તમામ સામાનને ૧૦૦ ટકા ડ્યુટી-ફ્રી એન્ટ્રી મળશે, જેનાથી ભારતીય નિકાસકારોને મોટો ફાયદો થશે. સંસદમાં આ બિલના સમર્થનમાં ૯૩ અને વિરોધમાં માત્ર ૨૯ વોટ પડ્યા હતા. દેશહિત અને ભારત સાથેના વેપારને મજબૂત કરવાના હેતુથી મુખ્ય વિપક્ષી દળ લેબર પાર્ટીએ પણ આનું ખુલીને સમર્થન કર્યું હતું. આ સમજૂતી હેઠળ ન્યૂઝીલેન્ડથી ભારત આવતી આશરે ૯૫ ટકા નિકાસ પર લાગતો ટેક્સ કાં તો સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે અથવા તો ખૂબ જ ઓછો કરવામાં આવશે. એગ્રિમેન્ટ અમલી બનતાની સાથે જ અડધાથી વધુ ઉત્પાદનો પરની કસ્ટમ ડ્યુટી તુરંત શૂન્ય થઈ જશે. ન્યૂઝીલેન્ડના ટ્રેડ મિનિસ્ટર ટોડ મેક્લેએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, આ એગ્રિમેન્ટ આ જ વર્ષથી અમલમાં આવી. જશે. આ કરાર હેઠળ ન્યૂઝીલેન્ડ સરકારે આગામી ૧૫ વર્ષમાં ભારતમાં ૨૦ અબજ અમેરિકન ડોલરનું મોટું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે બંને દેશોએ આ વર્ષે એપ્રિલમાં આ એગ્રિમેન્ટ સાઈન કર્યા હતા અને જૂન ૨૦૨૬ સુધીના આંકડા મુજબ બંને વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૩.૯૯ અબજ ન્યૂઝીલેન્ડ ડોલર સુધી પહોંચી ગયો છે.




