બોર્ડિંગ બાદ મુસાફરોને નીચે ઉતારતાં ભારે હોબાળો
કનેક્ટિંગ ફ્લાઇટ ચૂકી જવાની ભીતિએ પ્રવાસીઓએ ટર્મિનલ ગજવ્યું
- Advertisement -
હિરાસર સ્થિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે વહેલી સવારે ઈન્ડિગો એરલાઇન્સની દિલ્હી જતી ફ્લાઇટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતાં ભારે અફરાતફરી અને હોબાળો સર્જાયો હતો. દિલ્હીથી સવારે ૮:૦૦ વાગ્યે નિર્ધારિત સમયે રાજકોટ લેન્ડ થયેલી ઈન્ડિગોની ડેઇલી ફ્લાઈટ ૬૧૭૧/૫૦૦૪) માં રાજકોટથી દિલ્હી જવા માટે તમામ મુસાફરોનું બોર્ડિંગ કરાવી દેવામાં આવ્યું હતું. જો કે, વિમાન રનવે પરથી ટેકઓફ કરે તે પૂર્વે જ પાયલોટના ધ્યાને ગંભીર યાંત્રિક ખામી આવતાં સલામતીના ભાગરૂપે ઉડાન સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારબાદ તમામ મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતારી દેવામાં આવતાં પ્રવાસીઓનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. અનેક દિલ્હીથી મુસાફરોને આગળની આંતરરાષ્ટ્રીય તેમજ સ્થાનિક કનેક્ટિંગ ફ્લાઇટ્સ પકડવાની હોવાથી તેમણે એરલાઈન્સના મેનેજર અને સ્ટાફનો ઘેરાવ કરી વૈકલ્પિક ફ્લાઈટની માંગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના કારણે સમગ્ર ટર્મિનલ એરિયા ગૂંજી ઊઠ્યો હતો. વિમાન રદ થતાં કેટલાક મુસાફરોએ રિફંડ મેળવી તાત્કાલિક ટેક્સી મારફતે અમદાવાદ એરપોર્ટ તરફ દોટ મૂકી હતી. જ્યારે અન્ય મુસાફરો એરપોર્ટ પર જ રોકાઈ રહ્યા હતા. એરલાઈન્સની ટેકનિકલ ટીમે ખામી દૂર કરવાની કામગીરી હાથ ધરી ફ્લાઇટને સવારે ૧૧:૦૦ વાગ્યે પુનઃ રવાના કરવા કવાયત હાથ ધરી હતી.




